પાકિસ્તાન માટે રમવામાં હવે મને કોઈ જ રસ નથી, એવું કહીને પીઢ ક્રિકેટરે જાહેર કર્યું રિટાયરમેન્ટ
કરાચી: પાકિસ્તાનના પીઢ ક્રિકેટર શોએબ મલિકે તેના દેશ વતી ફરી રમવા મળશે એની ત્રણ વર્ષ સુધી રાહ જોયા બાદ છેવટે નિરાશાની હાલતમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી દીધી હોવાનું જાણવા મળ્યું છે. તેણે હતાશાની હાલતમાં કહ્યું છે કે તેને પાકિસ્તાન માટે રમવામાં હવે કોઈ જ રસ નથી.
42 વર્ષનો શોએબ મલિક પાકિસ્તાનની ટીમ સહિત નાની-મોટી કુલ 45 ટીમ વતી રમી ચૂક્યો છે. એમાં દિલ્હી ડેરડેવિલ્સનો પણ સમાવેશ છે.
શોએબ મલિકે 2015માં ટેસ્ટ-ક્રિકેટ રમવાનું છોડી દીધું હતું અને 2019ના વર્લ્ડ કપ બાદ વન-ડે ક્રિકેટને ગુડબાય કરી હતી. પાકિસ્તાન વતી ટી-20માં તે છેલ્લે 2021માં બંગલાદેશ સામે રમ્યો હતો. ત્યાર પછી તેને ત્રણ વર્ષ દરમ્યાન ફરી પાકિસ્તાન વતી ન રમવા મળતાં છેવટે રિટાયરમેન્ટ જાહેર કરી દીધું છે.
આ પણ વાંચો : શ્રીલંકા સામે રિયાન પરાગને કેમ સિલેક્ટ કરાયો?
થોડા મહિના પહેલાં શોએબ મલિકે પાકિસ્તાની અભિનેત્રી સના જાવેદ સાથે નિકાહ કર્યા હતા. એ શોએબના ત્રીજા નિકાહ હતા. શોએબે દગો દીધો હોવા બદલ ભારતની ટેનિસ-ક્વીન સાનિયા મિર્ઝાએ તેની સાથે તલાક લઈ લીધા છે.
પાકિસ્તાનની એક વેબસાઇટના રિપોર્ટરને શોએબ મલિકે કહ્યું, ‘હવે મને પાકિસ્તાન માટે રમવામાં કોઈ જ રસ નથી. મેં ટી-20 ઇન્ટરનૅશનલમાંથી સત્તાવાર રીતે રિટાયરમેન્ટ લીધું હોવાની જાહેરાત હજી કરી નથી, પરંતુ વિવિધ લીગ ટૂર્નામેન્ટમાં હું રમતો હોવાથી પાકિસ્તાન વતી રમવામાં મને કોઈ જ રસ નથી.’
2009માં ભારતે પાકિસ્તાની ખેલાડીઓ માટે આઇપીએલના દરવાજા બંધ કર્યા એ પહેલાં શોએબ મલિક દિલ્હી ડેરડેવિલ્સ વતી રમ્યો હતો.
ઑલરાઉન્ડર શોએબ મલિકે 35 ટેસ્ટમાં 1898 રન, 287 વન-ડેમાં 7534 રન અને 124 ટી-20માં 2435 રન બનાવ્યા હતા. તેણે ત્રણેય ફૉર્મેટમાં અનુક્રમે 32 વિકેટ, 158 વિકેટ અને 28 વિકેટ લીધી હતી. ટી-20ના 2,435 રનમાં તેની એક પણ સેન્ચુરી નથી.