હેરિટેજ લાખાજીરાજ શાકમાર્કેટના રિપેરિંગ બાદ મૂળ માલિકને માલિકી આપવા તંત્રની ખાતરી
રાજકોટ: રાજકોટના ધર્મેન્દ્ર રોડ પર આવેલી આશરે એક સદી જૂની ઐતિહાસિક લાખાજીરાજ શાકમાર્કેટના 104 વેપારીઓને દુકાન, થડાં અને વખારને પાંચ દિવસમાં જ ખાલી કરવાની નોટિસ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફટકારવામાં આવી હતી. આથી પેઢીઓથી અહી ધંધો કરનાર વેપારીઓમાં રોષ ભય વ્યાપ્યા હતા. આ બાદ ધારાસભ્ય ઉદય કાનગડને રજૂઆત કરતાં તેમણે મ્યુનિસિપલ કોર્પોરેશન કમિશનર સાથે બેઠક કરીને લોકોના પ્રશ્નનું નિરાકરણ લાવ્યું હતું.
રિપેરીંગની કામગીરી બાદ સોંપણી મૂળ માલિકને જ:
પ્રાપ્ત વિગતો અનુસાર રાજકોટ શહેરના ધર્મેન્દ્ર રોડ પર આવેલી આશરે 100 વર્ષ જૂની લાખાજીરાજ શાકમાર્કેટના 104 વેપારીઓને રાજકોટ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા તેમની દુકાન, થડાં અને વખારને 29 તારીખ સુધીમાં ખાલી કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. આથી પોતાની ત્રણથી ચાર પેઢીથી ધંધો કરનાર વેપારીઓમાં રોષ અને ભય વ્યાપ્યો હતો. આ બાદ વેપારીઓએ મળીને ધારાસભ્ય ઉદયભાઈ કાનગડને રજૂઆત કરી હતી. આ બાદ તેમણે મ્યુનિ.કમિશનરને રજૂઆત કરીને રિપેરીંગની કામગીરી પૂર્ણ થયા બાદ જેના નામે ભાડાં ચિઠ્ઠી છે તેમને જગ્યાની સોંપણી કરવામાં આવશે તેવી ખાતરી આપી હતી.
સ્ટેબિલીટી રિપોર્ટ આવ્યો નેગેટિવ:
રાજકોટના યાજ્ઞિક રોડ પર સર્વેશ્વર ચોકમાં વોંકળા પરનો સ્લેબ ધરાશાયી થવાની ઘટના બન્યા બાદ કોર્પોરેશન દ્વારા પોતાની તમામ મિલકતોનો સ્ટ્રકચર સ્ટેબિલીટી રિપોર્ટ કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જે પૂર્ણ થયા બાદ બાંધકામ શાખા દ્વારા 100 વર્ષ જૂની લાખાજીરાજ શાકમાર્કેટનો સ્ટ્રકચર સ્ટેબિલીટી રિપોર્ટ કરાવવામાં આવ્યો હતો, જે નેગેટિવ આવ્યો હતો. આથી RMC દ્વારા તાત્કાલીક અસરથી તમામ વખાર, દુકાન કે થડાં ખાલી કરાવવા માટે સૂચન કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો :રાજકોટ લોકમેળા ને લઈને મહત્વના સમાચાર, જિલ્લા કલેક્ટરે આપ્યું નિવેદન
રાજકોટ મનપા કરશે રિપેરીંગ:
લાખાજીરાજ શાકમાર્કેટમાં ધંધો કરનારા 104 દુકાન, વખાર અને થડાં ધારકો પાસેથી કોર્પોરેશન મહિને જીએસટી સહિત ૫૯૦ રૂપિયા ભાડું વસૂલ કરે છે. આ બાંધકામનો રિપોર્ટ નેગેટીવ આવતા તાત્કાલીક અસરથી બિલ્ડીંગને ખાલી કરાવવા માટે કોર્પોરેશન દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે. આ ઇમારત ઐતિહાસિક હોવાથી તેનું રિનોવેશન કરવામાં આવશે. જો એક આ રિપેરીંગનો તમામ ખર્ચ મહાપાલિકા દ્વારા ઉઠાવવામાં આવશે. આ બાબતે ટૂંક સમયમાં જ ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. રિપેરીંગ પૂર્ણ થયા બાદ બિલ્ડીંગ સંપૂર્ણ સુરક્ષિત સ્ટેજે પહોંચ્યા પછી મૂળ માલિકને દુકાન, વખાર કે થડાંનો કબ્જો આપવામાં આવશે.