લોકસભાની ચૂંટણીમાં ભાજપનો સ્ટ્રાઈક રેટ 100 ટકા હશે: મહાજન
બારામતીની બેઠક માટે કર્યું મોટું નિવેદન
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના બ્લ્યુ આઈડ બેબી તરીકેની ઓળખ ધરાવતા ગિરીશ મહાજન મંગળવારે બારામતીમાં હતા અને ત્યાં તેમણે એવો દાવો કર્યો હતો કે મહારાષ્ટ્રમાં લોકસભાની ચૂંટણીમાં ભાજપનો સ્ટ્રાઈક રેટ 100 ટકા હશે. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે બારામતીની બેઠક પણ ભાજપ જ જીતશે.
બારામતીવાસીઓનો મારા કહેવા પર કેટલો વિશ્ર્વાસ છે તેની મને જાણકારી નથી, પરંતુ હું છેલ્લા 30 વર્ષથી વિધાનસભ્ય છું. હું જે બોલું છું તે ક્યારેય ખોટું પડતું નથી. અમે વિપક્ષને ક્લિન બોલ્ડ કરીને લોકસભાની 100 ટકા બેઠકો જીતી જઈશું.
તેમણે એમ પણ કહ્યું હતું કે અજિત દાદા અને તેમની સાથેના બધા વિધાનસભ્યો અમારી સાથે છે. મહારાષ્ટ્રમાં કોઈ કહે છે કે 45 અને કોઈ કહે છે કે 46, પરંતુ મેં આ પહેલાં જ કહ્યું છે કે આઉટ ઓફ બારામતી સહિત 48 બેઠકો પર વિજય મેળવીશું અને ફરી એક વખત નરેન્દ્ર મોદીને વડા પ્રધાનપદે વિરાજમાન કરીશું.
ધનગર આરક્ષણ અંગે અહમદનગરના ચોંડી ખાતે ચાલી રહેલા આંદોલનના સ્થળે વિષ્ટિકાર તરીકે તેઓ જવાના છે. ચાર-પાંચ દિવસ પહેલાં જ મુખ્ય પ્રધાન અને નાયબ મુખ્ય પ્રધાનની હાજરીમાં બેઠક થઈ છે અને આરક્ષણ બાબતે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી છે. આ બેઠકમાં સકારાત્મક રસ્તો કાઢવામાં આવ્યો છે અને આજે ઉપવાસ પર બેઠેલા લોકોને મળીને તેમની સાથે ચર્ચા કરીને રસ્તો કાઢવામાં આવશે.
પંકજા મુંડેને ભાજપ દ્વારા અન્યાય કરવામાં આવી રહ્યો છે એવી જે ચર્ચા ચાલી રહી હતી તેનો જવાબ આપતાં તેમણે કહ્યું કે વિરોધીઓ પાસે હવે આ જ કામ બચ્યું છે. તેમણે પહેલાં પોતાના નેતાઓને સંભાળવા પછી અમારા નેતાની ચિંતા કરવી. એનસીપીમાંથી ફરી લોકો બહાર નીકળી રહ્યા છે. ઉદ્ધવજી પાસે કોઈ રહેવા તૈયાર નથી. તેમણે પોતાનો પક્ષ પહેલા સંભાળવો. અમે અમારા પક્ષને સંભાળવા માટે સક્ષમ છીએ. પંકજા મુંડે અમારી સાથે જ છે.
મરાઠા આરક્ષણના મુદ્દે તેમણે કહ્યું હતું કે આરક્ષણ સંબંધી સમિતિ સ્થાપન કરવામાં આવી છે. ન્યાયમૂર્તી શિંદેના માર્ગદર્શન હેઠળ અભ્યાસ ચાલી રહ્યો છે. ચાલીસ દિવસની મુદત હમણાં જ પૂરી થઈ છે. અમે આ માટે યોગ્ય રસ્તો કાઢીશું એવો વિશ્ર્વાસ ફડણવીસના સંકટમોચક ગણાતા મહાજને વ્યક્ત કર્યો હતો.