Assembly Election: અમિત શાહને રવિવારે ફરી મળશે અજિત પવાર, જાણો કેમ?
નવી દિલ્હીઃ મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર બુધવારે ગૃહ પ્રધાન અમિત શાહને મળ્યા હતા. બંને પક્ષો તરફથી આ અંગે મૌન સેવવામાં આવ્યું છે, પરંતુ એવી અટકળો છે કે તેમણે વિધાન સભાની ચૂંટણી માટે બેઠક વહેંચણીની ચર્ચા કરી હતી. પાટનગરમાં અજિત પવાર કેન્દ્રીય ગૃહ પ્રધાનને મળ્યા પછી બેઠકોની વહેંચણી અંગે ચર્ચા કરી છે, પરંતુ 28મી જુલાઈના રવિવારે ફરી એક વાર મળશે, એમ વર્તુળોએ જણાવ્યું હતું.
રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા છે કે અજિત પવારની એનસીપીએ વિધાનસભા ચૂંટણીમાં 80થી 90 વિધાનસભા બેઠકોની માંગણી કરી છે. ખાસ કરીને અજિત પવારે તે 54 બેઠક પર દાવો કર્યો હતો કે જેના પર સંયુક્ત NCPએ 2019ની વિધાનસભાની ચૂંટણી જીતી હતી. એનડીએ વચ્ચે લોકસભાની ચૂંટણી બાદથી જ વિધાનસભામાં બેઠકોની વહેંચણીને લઈને મંથન ચાલી રહ્યું છે.
આ સિવાય RSS સાથે સંકળાયેલા મરાઠી મેગેઝિનમાં પણ અજિત પવાર સાથે ગઠબંધન કરવા અંગે સવાલો ઉઠાવવામાં આવ્યા હતા. આવી સ્થિતિમાં અમિત શાહ સાથે અજિત પવારની મુલાકાત મહત્વપૂર્ણ છે. પવારના નજીકના સૂત્રોએ જણાવ્યું હતું કે બુધવારે મોડી રાત્રે બંને નેતાઓ વચ્ચે મુલાકાત થઈ હતી. તેમણે કહ્યું હતું કે પવાર 28 જુલાઈએ ફરી મુલાકાત કરે તેવી શક્યતા છે. આ વર્ષે ઓક્ટોબરમાં ચૂંટણી યોજાય તેવી શક્યતા છે.
આ પણ વાંચો : Assembly Election: MVAએ ચૂંટણીની તૈયારી શરૂ કરી, સમન્વય સમિતિમાં કોંગ્રેસના આ દિગ્ગજ નેતાનો સમાવેશ
અમિત શાહ સાથેની મુલાકાત બાદ અજિત પવાર દિલ્હીમાં જ દેવેન્દ્ર ફડણવીસ અને ભાજપના અન્ય નેતાઓને મળ્યા હતા. અજિત પવારની માંગ છે કે પશ્ચિમ મહારાષ્ટ્ર, મરાઠવાડા અને ઉત્તર મહારાષ્ટ્રમાંથી ઓછામાં ઓછી 20 બેઠક તેમને આપવામાં આવે. તે આ બેઠકો પર કોંગ્રેસ સામે ચૂંટણી લડવા માંગે છે. અજિત પવાર પણ મુંબઈમાં ચારથી 5 બેઠક પર નજર રાખી રહ્યા છે. અહીં પણ તેમનો મત છે કે તેઓ કોંગ્રેસ સામે મહાયુતિના બીજા પક્ષ કરતા વધુ સારી રીતે લડી શકે છે.
તાજેતરની લોકસભા ચૂંટણીમાં એનસીપીએ ચાર સીટો પર ચૂંટણી લડી હતી, પરંતુ તે માત્ર એક સીટ જીતી શકી હતી. પવારના પત્ની સુનેત્રા (જેઓએ બારામતી સીટ પરથી ચૂંટણી લડી હતી) ને વર્તમાન સાંસદ અને એનસીપી-શરદચંદ્ર પવારના વડા શરદ પવારની પુત્રી સુપ્રિયા સુળેએ હરાવ્યા હતા. બાદમાં સુનેત્રા પવાર રાજ્યસભાના સભ્ય તરીકે બિનહરીફ ચૂંટાયા હતા. અજિત પવાર જુલાઈ 2023માં એકનાથ શિંદેના નેતૃત્વવાળી સરકારમાં જોડાયા અને નાયબ મુખ્ય પ્રધાન બન્યા.
તાજેતરમાં ભાજપ અને આરએસએસના કેટલાક નેતાઓએ લોકસભા ચૂંટણીમાં શાસક ગઠબંધનના નબળા પ્રદર્શન માટે અજિત પવાર અને તેમની પાર્ટી એનસીપીના મહાગઠબંધનમાં સમાવેશને જવાબદાર ઠેરવ્યો હતો.
અહીં એ જણાવવાનું કે આરએસએસના ઘણા નેતાઓએ અજિત પવારના જૂથ સામે વિરોધ દર્શાવ્યો હતો. લોકસભાના પરિણામો પછી પંચજન્યમાં એક લેખ લખવામાં આવ્યો હતો, જેમાં અજિત પવાર સાથેના ગઠબંધન કરવાના નિર્ણયને બેકફાયર થયો હોવાનું કહેવામાં આવ્યું હતું.