આમચી મુંબઈ

સાત વર્ષ માટે બંધ રહેશે મુંબઈનું આ ફેમસ ગાર્ડન? જાણી લો કારણ…

મુંબઈઃ મુંબઈના પોશ એરિયામાં આવેલા હેંગિંગ ગાર્ડન સાથે આપણામાંથી મોટાભાગના લોકોના બાળપણની યાદો જોડાયેલી જ હશે અને હવે આ ગાર્ડનને લઈને જ મહત્ત્વના સમાચાર સામે આવી રહ્યા છે. મળી રહેલી માહિતી પ્રમાણે આ ગાર્ડન એક-બે નહીં પણ સાત વર્ષ માટે બંધ રહેશે અને પાલિકા દ્વારા આ દિશામાં હિલચાલ કરવામાં આવી રહી છે એવું પણ જાણવા મળ્યું હતું.

મલબાર હિલમાં ચાર હજાર સ્ક્વેર ફૂટના વિસ્તારમાં આ ગાર્ડન આવેલું છે અને બાળકોમાં આ ગાર્ડન ડોશીમાના બૂટ તરીકે પણ ઓળખાય છે. મુંબઈનું આ જોવાલાયક સ્થળ હોઈ તેને 136 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે અને હવે સાત વર્ષ માટે આ ગાર્ડન બંધ થાય એવી શક્યતા છે. પાલિકા દ્વારા શહેરની મૂળભૂત સુવિધાઓમાં સુધારો લાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે અને એ જ કારણે આ ગાર્ડન બંધ થાય એવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે.

મલબાર હિલ પરના ટેરેસ ગાર્ડન એટલે કે હેંગિંગ ગાર્ડનની નીચે આવેલી વસાહતકાલીન જળાશયની પુનર્બાંધણી કરવાનું કામ પાલિકા દ્વારા હાથ ધરવામાં આવ્યું છે અને આ માટે આશરે 698 કરોડ રૂપિયાનો ખર્ચ આવશે એવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે. જળાશયના સમારકામ અને વિસ્તાર માટે હેંગિંગ ગાર્ડનમાં પણ ખોદકામ કરવામાં આશે. પરંતુ પાણીનો પુરવઠો કરવા માટે આશરે 90 દસલાખ લિટરની ક્ષમતાની ટાંકી બનાવીને કે અન્ય કોઈ પર્યાયી ઉકેલ ન મળે ત્યાં સુધી કામ શરૂ નહીં કરવામાં આવે એવું પાલિકાએ સ્પષ્ટ કર્યું છે.

આગામી સાત વર્ષના સમયગાળા દરમિયાન જળાશય તોડીને તેની પુનર્બાંધણી કરવાની યોજના છે, એવી માહિતી પાલિકાના એડિશનલ કમિશનર પી. વેલારાસુએ આપી હતી. પાલિકાના અન્ય એક અધિકારીએ આ બાબતે માહિતી આપતા જણાવ્યું હતું કે જો બધી પરવાનગીઓ સમયસર મળી જશે તો નવેમ્બર, 2023થી જ કામ શરૂ કરવામાં આવશે.
દરમિયાન મલબાર હિલ જળાશય ફિરોઝશાહ મેહતા ગાર્ડન (હેંગિંગ ગાર્ડન) વિસ્તારમાં આવેલું હોઈ એમાંથી ગ્રાન્ટ રોડ, તાડદેવ, ગિરગાંવ, ચંદનવાડી, મંત્રાલય, ચર્ચગેટ અને સીએસએમટીના અનેક વિસ્તારમાં પાણી પુરવઠો કરવામાં આવે છે. 1887માં બાંધવામાં આવેલા આ જળાશય સવાસો વર્ષ કરતાં વધુ સમય સુધી લોકોને પાણી પૂરું પાડ્યું છે અને હવે તેનું પુનર્બાંધણી કરવાનો નિર્ણય પાલિકા દ્વારા લેવામાં આવ્યો છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button