મને દેવેન્દ્ર ફડણવીસના માણસે ખોટા એફિડેવિટ કરવા કહ્યું હતુંઃ જાણો કોણે કહ્યું ને ભાજપે શું જવાબ આપ્યો
મુંબઈઃ મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અને ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસ વિરુદ્ધ અનિલ દેશમુખે આપેલા નિવેદને બન્ને ગઠબંધનની છાવણીમાં ખળભળાટ ફેલાવી દીધો છે. મહાવિકાસ આઘાડી સરકારના કાર્યકાળમાં ગૃહ પ્રધાન રહી ચૂકેલા અને ઈડી તેમ જ સીબીઆઈની પૂછપરછ બાદ જેલા ભોગવી ચૂકેલા શરદ પવારની એનસીપીના નેતાએ ચોંકાવનારા આક્ષેપો હાલના ગૃહ પ્રધાન પર કર્યા છે.
તેમણે જણાવ્યું હતું કે મારા પર ઈડીની કાર્યવાહી થઈ રહી હતી તે સમયે દેવેન્દ્ર ફડણવીસના એક વચેટીયાએ આવીને મને કહ્યું હતું કે મારી પાસે અમુક એફિડેવિટ છે, તેમાં તમે તત્કાલીન મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે, તેમના દીકરા અને તત્કાલીન કેબિનેટ પ્રધાન આદિત્ય ઠાકરે અને તત્કાલીન નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર વિરુદ્ધ નિવેદનો આપો, તો તમારી વિરુ્ધ ઈડી કે અન્ય કોઈ એજન્સીની કાર્યવાહી થશે નહીં. દેશમુખે એમ પણ કહ્યું કે મને અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની મેનેજર દિશા સેલિયનનો આદિત્ય ઠાકરેએ બળાત્કાર કર્યો અને તેને બાલ્કની માથી ફેંકી દીધી હોવાનું પણ એફિડેવિટમાં લખવાનું કહ્વાયું હતું, પરંતુ હું તેમને વશ થયો નહીં અને મેં તેમને ચોખ્ખી ના પાડી હતી અને કહ્યું હતું કે મારે આજીવન જેલમાં રહેવું પડે તો પણ વાંધો નહીં, પણ હું ખોટી એફિડેવિટ આપીશ નહીં.
| Also Read: મહાવિકાસ આઘાડીમાં માથાકૂટ ન થાય એ માટે શરદ પવારની ઉપરાઉપરી બેઠક
વર્ષ 2021માં તત્કાલીન મુંબઈ પોલીસ કમિશનર પરમબીર સિંહે આક્ષેપ કર્યો હતો કે દેશમુખે પોલીસને બાર અને રેસ્ટોરાં પાસેથી ફંડ ઉઘરાવવા કહ્યું હતું. ત્યારબાદ દેશમુખે પદ પરથી રાજીનામું આપ્યું હતું. સચીન વાઝે અને ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘર બહાર વિસ્ફોટકના કેસએ મહારાષ્ટ્ર રાજકારણને હચમચાવી નાખ્યું હતું. દેશમુખના નિવેદન બાદ શિવસેના (યુબીટી)ના પ્રવક્તા સંજય રાઉતે કહ્યું હતું કે આ આખું એક ષડયંત્ર હતું અને ભાજપ ઈડી સહિતની એજન્સીનો ઉપયોગ કરી વિપક્ષોને પરેશાન કરે છે.
| Also Read: ગિરીશ મહાજન અને અજિત પવાર વચ્ચે થયો નવો વિવાદ, જાણો શું છે મુદ્દો?
શું કહ્યું દેવેન્દ્ર ફડણવીસે
નાયબ મુખ્ય પ્રધાન અને ગૃહ પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આ બધા આક્ષેપોને ખોટા ઠેરવ્યા હતા અને જણાવ્યું હતું કે દેશમુખના જ પક્ષના નેતાઓએ મને ઓડિયો-વિઝ્યુઅલ પુરાવા આપ્યા છે, જેમાં તેઓ ઉદ્ધવ ઠાકરે, શરદ પવાર અને સચીન વાઝે વિરુદ્ધ બોલી રહ્યા છે. જો મારી સામે આવા ખોટા આક્ષેપો થશે તો તેમના આ વીડિયો જાહેર જનતા સામે લાવવા સિવાય મારી પાસે કોઈ વિકલ્પ નહીં રહે.