Stock Market : બજાર આજે પણ ગગડ્યું, સેન્સેક્સ 600 પોઈન્ટ તુટ્યો, બેન્ક નિફ્ટીએ આપ્યો ઝટકો
મુંબઈ: નાણા પ્રધાન નિર્મલા સીતારમણે મંગળવારે કેન્દ્રીય બજેટ (Union Budget) રજુ કર્યા બાદથી જ ભારતીય શેરબજારમાં ઉથલપાથલ જોવા મળી રહી છે. આજે ગુરુવારે બેન્ચમાર્ક ઇક્વિટી ઇન્ડેક્સ નેગેટીવ ઝોનમાં ખુલ્યા. બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) નો SENSEX 606.77 પોઈન્ટ અથવા 0.76 ટકાના ઘટાડા સાથે 79,542 પર ખુલ્યો અને નિફ્ટી 182.55 પોઈન્ટ અથવા 0.75 ટકાના ઘટાડા સાથે 24,230 પર ખુલ્યો.
બજાર ખુલ્યાની પાંચ મિનિટ બાદ નિફ્ટીમાં 200 પોઈન્ટ સુધીનો ઘટાડો જોવા મળ્યો હતો. બજાર ખુલ્યાના લગભગ એક કલાક પછી નિફ્ટી 121.10 પોઈન્ટ અથવા 0.5 ટકા ઘટીને 24,292 પર આવી ગયો હતો.
23 જુલાઈએ રજૂ કરાયેલા કેન્દ્રીય બજેટ 2024ને બાદ શેર બજારમાં નિરાશા જોવા મળી રહી છે. આજે બેન્ક નિફ્ટી ઈન્ડેક્સ 554.70 પોઈન્ટના ઘટાડા સાથે 50,762.30 પર ખુલ્યો હતો. 2024-25ના બજેટમાં સરકારે સિક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સ અને શોર્ટ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સમાં વધારો કરવાની જાહેરાત કર્યા બાદ નાણાકીય અને બેન્કિંગ શેરોમાં પ્રોફિટ-બુકિંગને કારણે શેરબજારમાં ઘટાડો થયો હતો.
સવારે 9.30 વાગ્યે બેન્ક નિફ્ટી 545.45 પોઈન્ટ અથવા 1.06 ટકા ઘટીને 50,771.55 પર આવી ગયો હતો. નિફ્ટી આઈટી ઈન્ડેક્સ 396 પોઈન્ટ ઘટીને લગભગ એક ટકા ઘટીને 39718 પર આવી ગયો છે. કેપિટલ ગુડ્સ સિવાય અન્ય તમામ સૂચકાંકો ઘટીને રેડ સિગ્નલ ટ્રેડ થઈ રહ્યા છે.
મિડકેપ અને સ્મોલકેપ ઇન્ડેક્સ પણ ગગડ્યા છે અને નિફ્ટી મિડકેપ 100 511.45 પોઈન્ટ અથવા 0.90 ટકા ઘટીને 56361ના સ્તરે ટ્રેડ થઇ રહ્યો છે. નિફ્ટી સ્મોલકેપ ઈન્ડેક્સ પણ લગભગ એક ટકા નીચે છે, NSE પર 1284 શેરમાં ઘટાડો અને 431 શેરમાં વધારો જોવા મળી રહ્યો છે.
સેન્સેક્સના ટોચના ગેનર્સ અને લૂઝર્સ:
સેન્સેક્સના 30 શેરોમાંથી માત્ર 4 શેરોમાં વધારો જોવા મળી રહ્યો છે અને 26 શેરો ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યા છે. ટાટા મોટર્સ આજે પણ ટોપ ગેનર છે અને 1.31 ટકા વધીને રૂ. 1041 પર છે. એલએન્ડટી, એચડીએફસી બેંક, આઈટીસી અને નેસ્લેના શેર ગ્રીન સિગ્નલમાં ટ્રેડ થઈ રહ્યા છે.
નિફ્ટી શેરોનું અપડેટ:
નિફ્ટીના 50 શેરોમાંથી માત્ર 16માં જ વધારો જોવા મળી રહ્યો છે અને 34માં ઘટાડો જોવા મળી રહ્યો છે. ટાટા મોટર્સ અહીં પણ ટોપ ગેનર છે, જે 3.40 ટકા વધીને રૂ. 1062 પર છે. SBI લાઇફ, L&T, ONGC અને HCL ટેક ટોચના 5 ગેનર્સ શેરોમાં સામેલ છે. એક્સિસ બેન્ક સૌથી વધુ 6 ટકા તૂટ્યો છે. ICICI બેંક, હિન્દાલ્કો, શ્રીરામ ફાઇનાન્સ અને ટાઇટનના શેરમાં સૌથી વધુ ઘટાડો થયો છે.