ફ્રૅન્ચાઇઝીઓના આગ્રહથી હવે આઇપીએલમાં મેગા ઑક્શન દર પાંચ વર્ષે? બીજા મોટા ફેરફાર પણ આવી શકે
નવી દિલ્હી: 17 વર્ષ જૂની ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ના મોવડીઓ સાથે તમામ ફ્રૅન્ચાઇઝીઓએ કેટલાક મહત્ત્વના સૂચનો શૅર કર્યા છે. ફ્રૅન્ચાઇઝીના માલિકોએ ખાસ કરીને સૂચવ્યું છે કે ખેલાડીઓનું મેગા ઑક્શન દર પાંચ વર્ષે રાખો, દરેક ટીમને ચારથી છ ખેલાડી રીટેન કરવાની છૂટ આપો અને પ્રત્યેક ફ્રૅન્ચાઇઝીને આઠ રાઇટ-ટુ-મૅચ (આરટીએમ) કાર્ડનો વિકલ્પ આપો.
આરટીએમની સિસ્ટમમાં ફ્રૅન્ચાઇઝી પોતે જ રિલીઝ કરી દીધેલા ખેલાડીઓને હરાજી દરમ્યાન (એ પ્લેયરો માટેના બિડ મૂકાવાના પૂરા થાય ત્યારે) પ્રાઇસ-મૅચિંગથી ફરીથી એ ખેલાડીઓને ખરીદી શકે છે. બીજા શબ્દોમાં કહીએ તો બાય બૅક કરી શકે છે.
ખેલાડીઓની મોટા પાયા પરની આગામી હરાજી 2025ની આઇપીએલ પહેલાં થશે. જો ફ્રૅન્ચાઇઝીઓના સૂચનો આઇપીએલની ગવર્નિંગ કાઉન્સિલ દ્વારા (બીસીસીઆઇ દ્વારા) સ્વીકારવામાં આવશે તો બીજું મેગા ઑક્શન 2030ની આઇપીએલ પહેલાં થશે.
એક જાણીતી ક્રિકેટલક્ષી વેબસાઇટના અહેવાલમાં એવું પણ જણાવાયું હતું કે હવે આઇપીએલના ટોચના અધિકારીઓ આવતા અઠવાડિયે મીટિંગ રાખશે જેમાં ફ્રૅન્ચાઇઝીઓના સૂચનો પર વધુ ચર્ચા થશે.
હાલમાં દર ત્રણ વર્ષે મેગા ઑક્શન રાખવાની સિસ્ટમ છે. જોકે ફ્રૅન્ચાઇઝીઓનું કહેવું છે કે દર પાંચ વર્ષે મેગા ઑક્શન રાખવાની સિસ્ટમ લાગુ થવાથી પોતે ખરીદેલા યુવા ખેલાડીઓને ડેવલપ કરવા દરેક ફ્રૅન્ચાઇઝીને પૂરતો સમય મળશે. ખાસ કરીને 2008ની પ્રથમ સીઝનથી અસ્તિત્વ ધરાવતા ફ્રૅન્ચાઇઝીઓનું એકસૂરમાં કહેવું છે કે ‘અમે ઑક્શનમાં જે યુવા ટૅલન્ટેડ ખેલાડીને ખરીદીએ અને તેની કરીઅરને ડેલવપ કરીએ, તેનો પર્ફોર્મન્સ સુધારવા તેને ભરપૂર તાલીમ આપીએ પરંતુ ત્રીજા વર્ષે મેગા ઑક્શન આવી જાય એમાં અમારો એ પ્લેયર બીજી કોઈ ટીમ ઊંચા ભાવે ખરીદી લે એટલે એ ખેલાડીને શોધીન,ે તેની ગેમને ડેવલપ કરવાની અમારી બધી મહેનત અને તેની પાછળનું તોતિંગ ઇન્વેસ્ટમેન્ટ પાણીમાં જાય. આવું ન થાય એ માટે મેગા ઑક્શન દર ત્રણ વર્ષને બદલે દર પાંચ વર્ષે હોવું જોઈએ.’
ફ્રૅન્ચાઇઝીઓનું એવું પણ કહેવું છે કે ‘જો પછીનું મેગા ઑક્શન પાંચ વર્ષ બાદ આવવાનું હોય તો અમે અમારા મોટા ખેલાડી સાથે સૅલરીની બાબતમાં વાટાઘાટ કરી શકીએ કે જેથી તેને નવી સીઝન માટે રીટેન કરવાનું સહેલું પડે.’