રાજ્યમાં ભારે વરસાદ પર મુખ્યમંત્રીની સમીક્ષા બેઠક: અધિકારીઓને આપી સૂચનાઓ
ગાંધીનગર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને મળેલી મંત્રીમંડળની બેઠકમાં હાલ સમગ્ર રાજ્યમાં વ્યાપક અને સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે વરસાદને કારણે સર્જાયેલી સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા કરવામાં આવી હતી. આ સંદર્ભે વિગતો આપતા પ્રવક્તા મંત્રી શ્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, ભારે વરસાદને પરિણામે જે જિલ્લાઓ-વિસ્તારોમાં પાણી ભરાવાની અને માલ-મિલકતને નુકસાન થવાની વિકટ સ્થિતિ થઈ છે ત્યાં બચાવ રાહત કામગીરીમાં જિલ્લા તંત્રના માર્ગદર્શન માટે સંબંધિત જિલ્લાના પ્રભારી મંત્રીઓને પહોંચી જવાની સૂચનાઓ મુખ્યમંત્રીએ આપી હતી
આજની કેબિનેટની બેઠકમાં રોડ-રસ્તા, ડેમ, વીજળી, પાણી પુરવઠો, ખેતીવાડીને થયેલ નુકસાન સહિતની બાબતોની સમીક્ષા થઈ હતી. રાજ્યમાં આજ સાંજના 06 વાગ્યા સુધીમાં 461.22 મી.મી. વરસાદ વરસ્યો છે. જે સિઝનનો સરેરાશ 52.23 ટકા વરસાદ નોંધાયો છે. સરેરાશ વરસાદની વાત કરીએ તો કચ્છ રીજીયનમાં સૌથી વધુ 75.50 ટકા, ઉત્તર ગુજરાતમાં 26.71 ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં 31.38 ટકા, સૌરાષ્ટ્રમાં 73.36 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 62.04 ટકા વરસાદ નોંધાયો છે.
પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે ચોમાસાની સિઝન દરમિયાન અત્યાર સુધીમા રાજ્યના 7 જિલ્લાઓમાંથી કુલ4,238 નાગરિકોનું સ્થળાંતર તથા 535 નાગરિકોનું રેસ્ક્યુ કરાયું છે. રાજ્યમાં એન.ડી.આર.એફ.ની ૧૩ અને એસ.ડી.આર.એફ.ની ૨૦ ટીમો તૈનાત કરાઇ છે તથા એન.ડી.આર.એફ.ની બે ટીમો રિઝર્વ રાખવામાં આવી છે.
પ્રવક્તા મંત્રીએ જણાવાયું હતું કે વરસાદને પગલે અસર પામેલા માર્ગો પૈકી 30ને પૂર્વવત કરાયા છે જેમા 02 રાજ્યના માર્ગો, 23 પંચાયતના અને 5 અન્ય માર્ગો છે. રાજ્યમાં ભારે વરસાદને પગલે જે રસ્તાઓ અને ક્રોઝ-વેનું ધોવાણ થયું છે તે પાણી ઓસરતા જ મરામત કરીને સમગ્ર પરિસ્થિતીને પૂર્વવત કરવા મુખ્યમંત્રીએ સૂચન કર્યું છે.