લોનાવલામાં 24 કલાકમાં 275 મીમી વરસાદ, 20થી વધુ પર્યટકોને બચાવાયા
મુંબઈઃ રાજ્યના અનેક ભાગોમાં આજે આખો દિવસ મુશળધાર વરસાદ વરસ્યો હતો. પુણે શહેર સહિત આખા જિલ્લામાં મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા. પર્યટનનગરી લોનાવલામાં વાદળ ફાટ્યું હતું. આને કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયાં હતાં. રસ્તા પર પાણી ભરાયાં હોવાને કારણે રસ્તાએ નદીનું સ્વરૂપ ધારણ કર્યું હતું. લોનાવલામાં પડેલા ભારે વરસાદને કારણે સ્થાનિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
આ પણ વાંચો: ભારે વરસાદ લઈને યાત્રાધામ પાવાગઢમાં દર્શન પર પ્રતિબંધ
છેલ્લા 24 કલાક દરમિયાન મેઘરાજાએ તોફાની બેટિંગ કરી હતી. દરમિયાન લોનાવલા ખાતે ભારે વરસાદને કારણે અનેક ઠેકાણે પાણી ભરાઈ ગયાં હતાં. પાણી ભરાવાને કારણે મળવલી વિસ્તારમાં આવેલા બંગલામાં 20થી 22 પર્યટકો અટવાઈ ગયા હતા. ફસાયેલા પર્યટકોને સલામત રીતે બહાર કાઢવામાં બચાવ ટુકડીને સફળતા મળી હતી.
તમામ પર્યટકો બંગલામાં બેઠા હતા ત્યારે આભ ફાટ્યું હોવાની કલ્પના પણ કરી નહોતી. બહાર આવીને પરિસ્થિતિ જોતાં ચારે તરફ પાણી ભરાયેલાં હતાં. જોકે તમામ પર્યટકોને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા.
આ પણ વાંચો: ઇથોપિયામાં ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે ૧૬૦નાં મોત
અઠવાડિયાના શરૂઆતમાં એટલે કે સોમવાર રાતથી જ પુણે શહેર વિસ્તારમાં સાંબેલાધાર વરસાદ વરસી હ્યો છે. મેઘરાજાની ભારે બેટિંગ મંગળવાર રાત સુધી અવિરત ચાલી હતી. આને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં હતાં. લોનાવલામાં આભ ફાટવાને કારણે લોકોનાં ઘરમાં પાણી ઘૂસી ગયાં હતાં.