સ્પોર્ટસ

એક ક્રિકેટર કહે છે કે અમારી ટીમ ટેસ્ટમાં એક દિવસમાં 600 રન બનાવી શકે

લંડન: ઇંગ્લૅન્ડની ટેસ્ટ ટીમના ટોચના બૅટર ઑલી પોપનું એવું માનવું છે કે ઇંગ્લૅન્ડની વર્તમાન ટીમ ટેસ્ટના એક દિવસમાં 600 રન બનાવવાનો નવો વિશ્ર્વવિક્રમ બનાવી શકે છે.

ટેસ્ટના એક દિવસમાં સૌથી વધુ રન બનાવવાનો વર્લ્ડ રેકૉર્ડ 88 વર્ષ પહેલાં બન્યો હતો. 1936માં મૅન્ચેસ્ટરમાં ઇંગ્લૅન્ડ-ભારત વચ્ચેની ટેસ્ટના બીજા દિવસે છ વિકેટે કુલ 588 રન બન્યા હતા જેમાંથી 398 રન ઇંગ્લૅન્ડની ટીમે બનાવ્યા હતા. એ જ દિવસે વિજય મર્ચન્ટ (114) અને મુશ્તાક અલી (112) વચ્ચે 190 રનની ભાગીદારી પણ થતાં દિવસમાં કુલ 588 રન બન્યા હતા. ઑલી પોપને ખાતરી છે કે બેન સ્ટૉક્સના સુકાનવાળી અમારી ટીમ નવ દાયકા જૂનો વિક્રમ તોડી શકે એમ છે.

ઑલી પોપે એક જાણીતી બ્રિટિશ વેબસાઇટને મુલાકાતમાં કહ્યું, ‘અમે ક્યારેક એક દિવસમાં 280થી 300 રન તો બનાવતા જ હોઈએ છીએ. મને લાગે છે કે ભવિષ્યમાં અમે દિવસમાં 500થી 600 રન બનાવી શકીશું.’

ડિસેમ્બર, 2022માં રાવલપિંડીમાં ઇંગ્લૅન્ડે પાકિસ્તાન સામેની ટેસ્ટના પહેલા દિવસે ચાર વિકેટે 506 રન બનાવ્યા હતા. એમાં ખુદ ઑલી પોપ (108), ઝૅક ક્રૉવ્લી (122) અને બેન ડકેટ (107)ની સેન્ચુરી સામેલ હતી.

ઇંગ્લૅન્ડ હાલમાં વેસ્ટ ઇન્ડિઝ સામેની ટેસ્ટ-સિરીઝમાં 2-0થી વિજયી સરસાઈ ધરાવે છે. ત્રીજી અને છેલ્લી ટેસ્ટ શુક્રવારે એજબૅસ્ટનમાં શરૂ થશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button