આ આગવા ‘ઈકો ઑસ્કર’ અવોર્ડ શું છે
એ જાણી લો, કારણ કે પર્યાવરણની રક્ષા માટે શરૂ થયેલા ૧૦ કરોડ રૂપિયાના આ અવોર્ડ હવે ભારતીય પર્યાવરણ સાહસિકો પણ જીતી રહ્યા છે !
ક્લોઝ અપ – ભરત ઘેલાણી
કેટલાક અજાણ્યા શબ્દ આપણી બોલચાલ અને લખાણમાં અચાનક પ્રવેશીને ધરાર આપણા બની જાય.. આનું શ્રેષ્ઠ -સચોટ દ્રષ્ટાંત છે.
કોરોનાના આગમન સાથે આપણી લીપી અને બોલીમાં પ્રવેશી ગયેલા કેટલાક ચોક્કસ શબ્દો:
લોકડાઉન-ક્વોરન્ટીન-માસ્ક-વેક્સિન, ઈત્યાદિ આના પગલે આર્થિક ક્ષેત્રે ‘ડિજિટલ પેમેન્ટ’ જેવો શબ્દ પણ ગામલોકોમાંય જાણીતો થઈ ગયો !
એ જ રીતે, અમુક શબ્દ શરૂઆતમાં અજાણ્યા લાગે, પણ અમુક સમય વીત્યા પછી પોતીકા બની જાય. અત્યારના સંજોગોમાં એક ઊડીને આંખે વળગે એવો શબ્દ છે : એન્વાયરોમેન્ટ અર્થાત પર્યાવરણ અને આ પર્યાવરણ શબ્દની સાથે ‘જળ-વાયુ પ્રદૂષણ’ શબ્દ પણ જોડાઈ ગયો છે. ૧૫ કે એથી વધુ વર્ષ પહેલાં આપણે સાંભળતા કે જો પર્યાવરણની બરાબર સંભાળ નહીં લઈએ તો વર્ષો પછી એનાં માઠાં પરિણામ ભોગવવા પડશે. જો કે એ જોવાં કે ભોગવવા માટે આપણે લાંબી વાટ જોવી નથી પડી. જે વાચેલું-સાંભળેલું એ આટલું વહેલું આજે આપણી નજર સામે છે.
અચાનક થતાં ઋતુપલટાને લીધે ત્રાટકતી કુદરતી આપત્તિમાં ક્યાંક અતિવર્ષા તો ક્યાંક દુકાળ તો ક્યાંક હિમપ્રપાત ક્યાંક ભીષણ વાવાઝોડું તો ક્યાંક ધરતીકંપ સર્જાય.
માનવસર્જિત હોનારતને અટકાવવા હજુ પગલાં લઈ શકાય, પણ કુદરતી આફ્તને રોકવા તો આગોતરી તૈયારી રાખવી પડે. સદભાગ્યે આજની પેઢી પર્યાવરણ અને પ્રદૂષણ વિશે ઝડપથી વાકેફ થતી જાય છે. આમ છતાં આ પેઢીનો એક વર્ગ હજુ પણ આપણી ધરતીની તબિયતથી વધુ પડતો ચિંતિત છે.
આવી ‘ઈકો ઍગ્ઝાયટી’થી પીડાતા યુવાનો ઈચ્છે છે કે આગામી પેઢીને પણ અત્યારથી પર્યાવરણનાં પાઠ ભણાવવા જરૂરી છે.
આ દિશામાં નવી પેઢીને તૈયાર કરવા-પ્રોત્સાહિત કરવા એક નવી ઝુંબેશ શરૂ થઈ છે. એના વિશે આપણે જાણવું જરૂરી છે, કારણ કે એમાં હવે આપણી-ભારતની નવી પેઢી પણ સંકળાય રહી છે.
આ દિશામાં અગત્યના સમાચાર એ છે કે પૃથ્વીને ક્ષેમકુશળ રાખવાની દિશામાં બ્રિટિશ રાજવી-લેડી ડાયનાના પુત્ર એવા પ્રિન્સ વિલિયમે ‘અર્થશોટ’ ના નામે પાંચ અવોર્ડ જાહેર કર્યા છે. એ અનુસાર પ્રત્યેક વિજેતાને ૧ મિલિયન અર્થાત ૧૦ લાખ પાઉન્ડનું પારિતોષિક મળશે. (આશરે ૧૦.૩૪ કરોડ રૂપિયા ). પર્યાવરણની રક્ષા માટે નવી પેઢીને સજ્જ કરી એનો ઉત્સાહ વધારવા આ અવોર્ડ આયોજકોની નિષ્ઠા તેમજ અપાતી પુરસ્કારની માતબર રકમને લીધે આ અર્થશોટ પારિતોષિકની ગણના આજે ‘ઈકો ઑસ્કર’ તરીકે થાય છે.
આમ તો પ્રિન્સ વિલિયમને આ પ્રકારનું આયોજન કરવાનો વિચાર અમેરિકાના સદગત પ્રેસિડન્ટ કેનેડીના ‘મુનશોટ’ પ્રોજેકટ પરથી આવ્યો હતો. અર્ધી શતાબ્દી પહેલાં સોવિયટ યુનિયન સાથે મુનલેન્ડિંગની સીધી સ્પર્ધામાં અમેરિકા પણ ઉતર્યું હતું ત્યારે ચન્દ્ર પર સૌપ્રથમ ઊતરાણ કરવાની જે પોતાની પરિકલ્પના કરી હતી એમાં અમેરિકાના નાગરિકો પણ ઉત્સાહભેર ભાગ લે એ માટે કેનેડીએ ‘મુનશોટ’નું આયોજન કર્યુ હતું.
એ જ રીતે, આગામી વર્ષોમાં નવી પેઢી પણ આ ગ્રહ-પૃથ્વીની તબિયત બહેતર બનાવવા ચીલાચાલુ નહીં,પણ કંઈક અવનવા-નાવીન્યપૂર્ણ ઉપાય-ઉકેલ સૂચવે એવી આ ‘અર્થશોટ’ અવોર્ડની નેમ છે. આગામી ૧૦ વર્ષ-૨૦૩૦ સુધી આ પારિતોષિક એનાયત થશે.
૨૦૨૧ અવોર્ડસમાં એક ભારતીય પણ વિજેતા નીવડ્યો હતો. દિલ્હીના વિદ્યુત મોહન નામના તરુણે પર્યાવરણના લાભાર્થે એક સાવ સસ્તો અને સુવિધાજનક પ્રોજેકટ પેશ કર્યો હતો. સામાન્ય રીતે ખેડૂતો એના પાકના બગાડને સળગાવીને વાતાવરણમાં જે ભયજનક પ્રદૂષણ પેદા કરે છે એને રોકવા વિદ્યુતે એક એવું સાધન બનાવ્યું, જેમાં વેસ્ટ-બગાડને નાખીને એમાંથી સસ્તું ફ્યુલ-બળતણ તૈયાર કરી શકાય.
વિદ્યુતની આ ટેકનિક ‘ટાકાચર’ તરીકે જાણીતી છે(એની સ્ટાર્ટઅપ કંપનીનું નામ પણ આ છે). પર્યાવરણના વિદ્વાનો કહે છે કે આ રીતે વાતાવરણમાંથી એક વર્ષમાં આશરે એક અબજ ટન સુધીનો કાર્બન ડાયોકસાઈડ ઘટાડી શકાય..!
પંજાબ -દિલ્હીના લોકો વાર -તહેવારે જે ભયંકર પ્રદૂષણથી પીડાઈ રહ્યા છે એમાં આ ટેકનિક બહુ ઉપકારક પુરવાર થઈ રહી છે.
૨૦૨૧ની જેમ ૨૦૨૨માં પણ એક ભારતીય-આન્ધ્રનો સત્ય રાજુ મોક્કાપતિ પણ પર્યાવરણ ક્ષેત્રે અનન્ય કામગીરી માટે ‘ઈકો ઑસ્કર’ વિજેતા નીવડ્યો હતો.
એ ૧૭ વર્ષનો હતો ત્યારે એણે પોતાના ગામમાં વખાના માર્યા એક ખેડૂતને ભૂખથી કાદવ ખાતો જોયો. એ દૃશ્ય એને બહુ વિચલિત કરી ગયું. ત્યારે જ એણે ગરીબ ખેડૂતોની આર્થિક હાલત સુધારવા કંઈક કરવાનું નક્કી કર્યું. સમય વીતતા એના અન્ય ત્રણ મિત્રોની સાથે એક નવા પ્રકારનું “ગ્રીનહાઉસ દ્વારા ખેડૂતોની આવક વધારવા એક કૃષિ-ટેક સ્ટાર્ટઅપ ખેતીના નામે શરૂ કર્યું.
એનું આ ઈન -બોકસ ‘ગ્રીન હાઉસ’ પરંપરાગત ગ્રીનહાઉસ કરતાં ૯૦ ટકા ઓછું પાણી વાપરે છે અને સાત ગણો વધુ પાક ઉગાડે છે. અન્ય વિદેશી ગ્રીનહાઉસ દ્વારા અમુક પ્રકારના શાકભાજી જ ઉગાડવામાં કામ લાગે છે, પણ ‘ખેતી’ ગ્રીન હાઉસ લગભગ તમામ ભારતીય શાકભાજી ઉગાડી શકાય છે, જેનાથી ખેડૂતોને વધુ આવક થાય છે.
આજે ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ અને ઓડિશા સહિત સાત રાજ્ય આ સ્વદેશી ગ્રીનહાઉસનો ઉપયોગ વધી રહ્યો છે. સામાન્ય રીતે કૃષિની આવક આબોહવા પર આધારિત છે, જ્યારે ખેતી ‘આર્થિક રીતે સસ્તુ – સધ્ધર અને પર્યાવરણને’ અનુકૂળ પણ છે. આ ‘ઇન-એ-બોક્સ’ પદ્ધતિવાળા ‘ખેતી’ ને ૨૦૨૨માં ‘અર્થશોટ પ્રાઈઝ’ અર્થાત ‘ઈકો ઓસ્કર’ મળ્યો હતો.
૨૦૨૧-૨૦૨૨માં આપણે બે ભારતીય વિજેતાની વાત કરી ,પણ ગયા વર્ષે -૨૦૨૩ના ‘ઈકો ઑસ્કર’ અવોર્ડમાં તો આઠ – આઠ ભારતીયો એ કમાલ દેખાડી હતી.
એ વર્ષના અવોર્ડસની પાંચ કેટેગરીમાં બે ભારતીય પ્રોજેક્ટ વિજેતા જાહેર થયા. બીજા શબ્દોમાં કહીએ તો એની સાથે સંકળાયેલા ૮ ભારતીયને સન્માન મળ્યું.
આ પ્રતિષ્ઠિત પારિતોષિક એ વ્યક્તિ કે સંસ્થાને એનાયત થાય છે જે વિશ્ર્વને સતાવતી-મૂંઝવતી પાંચ સમસ્યાના ઉકેલની દિશામાં કાર્યરત હોય.
આ પાંચ સમસ્યા એટલે પ્રકૃતિને સુરક્ષિત કરી એને પુન:સ્થાપિત કરો-
આપણા વાતાવરણને શુદ્ધ કરો-મહાસાગરોને પુનર્જીવિત કરો-કચરા મુક્ત વિશ્ર્વ બનાવો અને આપણી આબોહવાને વધુ સ્વચ્છ કરો ૭ મિત્ર દ્વારા શરૂ થયેલી S4S ટેક્નોલોજીસ (સાયન્સ ફોર સોસાયટી)ને કચરા-મુક્ત વિશ્ર્વનું નિર્માણ કરવાના પ્રયાસ માટે પસંદગહ કરવામાં આવી હતી. યુનિવર્સિટીના ૭ મિત્ર દ્વારા કાર્યરત થયેલી S4S ટેક્નોલોજીસ ગ્રામીણ લોકો-ખેડૂતોને પાકને તૈયાર કરવા માટે સસ્તા સોલાર-સંચાલિત વહન ડ્રાયર અને ફૂડ પ્રોસેસિંગ સાધનો,ઈત્યાદિ પ્રદાન કરે છે.
આ દ્વારા સંસ્થાએ અત્યાર સુધીમાં આશરે ૩૦૦,૦૦૦ મહિલા ખેડૂતોને નફામાં ૧૦-૧૫% વધારો નોંધવામાં મદદ કરી છે, જ્યારે ૨,૦૦૦ મહિલા ઉદ્યોગસાહસિકોની આવક બમણી અથવા ત્રણ ગણી વધી છે. ૨૦૨૫ સુધીમાં S4S ટેક્નોલોજી એની પહોંચ ૩૦ લાખ નાના ખેડૂતો અને ૩૦,૦૦૦ સાહસિકો સુધી વિસ્તારવા માગે છે અને ૨૦૨૬ સુધીમાં તો એ ૧.૨ મિલિયન ટન ખોરાકનો કચરો ઘટાડશે અને વાતાવરણમાંથી ૧૦ મિલિયન ટન CO2-કાર્બન ડાયોક્સાઈડ દૂર કરશે.!
આ કંઈ જેવી-તેવી સિદ્ધિ નથી.
આ જ રીતે, બેંગ્લુરુના એક યુવા વેપાર સાહસિક આદિત મૂર્તિ સ્થાપિત સંસ્થા ‘બૂમિત્રા’ પણ ૨૦૨૩નું ‘ઈકો ઑસ્કર’ અવોર્ડ પામ્યું છે.
‘બૂમિત્રા’નો સંસ્કૃતમાં અર્થ ‘પૃથ્વીનો મિત્ર’ થાય છે, તે માટીનું કાર્બન બજાર છે, જે ખેડૂતોને એમની જમીનને ટકાઉ રાખવાની પદ્ધતિઓ માટે પુરસ્કાર પણ આપે છે. કંપની ૧૫૦,૦૦૦ થી વધુ ખેડૂતો સાથે સંકળાઈને કામ કરે છે.
ટૂંકમાં કહીએ તો પર્યાવરણને સુરક્ષિત રાખવા-પ્રદૂષણ નિવારવા જો આવા ‘ઈકો ઑસ્કર’ જેવાં જંગી પારિતોષિકોનું પ્રોત્સાહન અપાતું રહે તો આપણા દેશમાં જ આવા અનેક પર્યાવરણ સાહસિકો છે, જેમની સકારાત્મક સર્જનશક્તિ ધરતીને અચૂક વધુ ને વધુ લીલીછમ્મ બનાવી દે..!