લાડકી

વેર-વિખેર – પ્રકરણ-૧૯

આ માણસ થોડો પાગલ છે પણ પળભરમાં આપણી તકદીર પલટી શકે છે. બાબુભાઈ, સોચ લો… મારનેવાલે ભી રૂપિયા દેગા ઔર મરનેવાલા ભી રૂપિયા દેગા…!

કિરણ રાયવડેરા

મારૂતિ વાન પૂરપાટ ગતિથી બારાસાત તરફ દોડી રહી હતી. જગમોહને ઘડિયાળમાં જોયું. સાડા દસ થયા હતા. અડધો કલાક પહેલાં એણે કિડનેપરો સામે એક ઓફર મૂકી હતી:

‘ચાલો, એક રમત રમીએ.જેણે તમને મને મારી નાખવાની સુપારી આપી છે એને કહેવાનું કે મારું ખૂન થઈ ગયું છે. મને મારવાના તમને એક કરોડ મળશે અને મને બચાવવાના હું તમને બે કરોડ આપીશ.’

આટલું કહીને જગમોહન દીવાને ઉમેર્યું હતું:

‘બોલો, હુક્કા-બીડી ભાઈઓ, રમત રમવી છે?’

આ ઓફરથી વાનમાં ત્યારે સન્નાટો છવાઈ ગયો હતો. સામાન્ય રીતે વધુ બોલકણા ઈરફાને પણ ચુપકીદી સાધી લીધી હતી. બાબુ વિચારમગ્ન સ્થિતિમાં આગળ રસ્તા તરફ તાકતો રહ્યો હતો. ખાંસતા પણ ખંચકાવું પડે એવી ખામોશી ફેલાઈ ગઈ હતી.

જગમોહન જાણતો હતો કે એના શબ્દોની અપેક્ષિત અસર થઈ છે, પણ અપહરણકર્તા નિર્ણય નથી લઈ શકતા. એનો અર્થ એ પણ થઈ શકે કે જેણે જગમોહનને મારી નાખવાનો પ્લાન ઘડ્યો છે એ બહુ જ માથાફરેલ કે પાવરફૂલ હોવો જોઈએ. કદાચ એના ડરને કારણે જ આ લોકો શું કરવું એની અવઢવમાં હતા.. .

ગાયત્રીના ચહેરા પર મલકાટ હતો, જાણે કહેતી હોય: જોયું કાકુ, મેં તમને રમત રમતાં શીખવાડ્યું અને તમે તો પહેલાં જ દાવમાં ચોક્કા-છક્કા ફટકારવાના શરૂ કરી દીધા.

‘હમકો પહેલે સે હી લગતા થા કી યહ આદમી ઊલટી ખોપડી કા હૈ. દો કરોડ કા બાત તો ઐસે કરતા હૈ કે જૈસે દો હજાર કા બાત હો.’ મૌન જાણે અકળાવતું હોય એમ ઈરફાને બોલી નાખ્યું.
જગમોહનને ખાતરી હતો કે ઈરફાનથી લાંબો સમય ચૂપ નહીં રહી શકાય પણ બાબુનું રિએક્શન આવવું જરૂરી છે.

‘પણ શેઠ, થોડીવાર પહેલાં તો તું પાગલની માફક મને કહેતો હતો કે મને મારી નાખ. હવે અચાનક જીવ વહાલો લાગ્યો કે જાનની બે કરોડ રૂપિયા કિંમત આપવા તૈયાર થયો છે?’

‘ઈરફાનભાઈ, મને તો તું હજી પણ મારી શકે છે. બે કરોડ તો હું આ છોકરીને બચાવવાના આપું છું.’ જગમોહને ખૂબ સાહજિકતાથી કહ્યું.

‘લાગે છે કે હું પાગલ થઈ જઈશ, પર તુમ મરના ક્યોં ચાહતા હૈ?’ ઈરફાન ફરી અકળાઈ ગયો.
ગાયત્રી સામે જગમોહને જોયું: ‘હવે આને શું જવાબ આપવો?’ પછી ઈરફાનને સંબોધીને કહ્યું,:
‘ મેં ઈસ લાઈફ સે બોર હો ગયા હૂં…’

‘બોર હો ગયા..?! .’

ખેર છોડો, સમજ જાતે તો તુમ કોન્ટ્રેક્ટ કિલર નહીં હોતે.’

‘ઓર અગર તુમકો બચા લિયા ઓર તુમ પૈસા નહીં દીયા તો…’ ઈરફાનથી રહેવાયું નહીં.

‘મને ખબર હતી… મને ખબર હતી કે આવી બેવકૂફી તો ઈરફાન જ કરે. જો બાબુભાઈ કેવા ચૂપ બેઠા છે. અરે ભાઈ, હું રૂપિયા ન આપું તો મને મારી નાખજે. સિમ્પલ!’

‘હા, યહ તો હમ ભૂલ હી ગયા થા’

‘ઈરફાન, તું એ વિચાર કે જેમણે મારી હત્યા કરવાની સુપારી આપી છે એ ફરી જશે તો..?.’ જગમોહને સોગઠી મારી.

‘અરે, વહ આદમી તો…’ ઈરફાન કંઈક બોલવા જ જતો હતો કે…બાબુએ ચીસ પાડીને એને અટકાવ્યો:

‘ચૂપ મર, ઈરફાન.’

‘સોરી સર…’ ઈરફાન બોલ્યો : ‘પણ મને આ માણસ ગમવા લાગ્યો છે. થોડો પાગલ છે પણ તાકાત છે મારા બેટામાં… પળભરમાં આપણી તકદીર પલટી શકે છે. બાબુભાઈ સોચ લો, આવો મોકો વારંવાર નહીં આવે. મારનેવાલા ભી રૂપિયા દેગા ઓર મરનેવાલા ભી રૂપિયા દેગા.’

‘ઈરફાન, બોલાને..ચૂપ ! ’ બાબુ તાડૂક્યો:

‘આ માણસ દેખાય છે એટલો સીધો નથી. પહેલાં ખાતરી તો કરી લે કે આ એની ચાલ નથી ને!’
‘અરે, ચાલની ગંધ આવશે કે આપણે એને ગોળી મારી દઈશું. આમેય એને મરવાનો તો શોખ છે જ. ગન જોઈને જ ગાંડો થઈ જાય છે. પણ બાબુભાઈ, ત્રણ કરોડ મળે છે… ચાલને, દુબઈ ભાગી જઈએ.’

જગમોહન સામે જોઈને બોલ્યો:

‘શેઠ, આ તારી રમત હોય એવું લાગે છે, પણ રકમ એટલી મોટી છે કે જોખમ લેવાની પણ લાલચ થઈ આવે છે. હવે શેઠ, મને એ કહે કે તમે બંને મરી ગયા છો એ કેવી રીતે પુરવાર કરવું?’

જગમોહનને લાગ્યું કે ઉંદર દૂરથી પિંજરામાં લટકતા ટુકડાને જોઈ રહ્યો છે.

‘ઈઝી હૈ… બાબુભાઈ, એક કેમેરાની વ્યવસ્થા કરવી પડે. પછી અમને બંનેને ગોળી વાગી હોય એવી લોહીલુહાણ હાલતમાં ફોટા પાડવાના. ત્યારબાદ અમે તને પેમેન્ટ કરી દઈએ. તને ત્યાંથી પૈસા મળી જાય કે તમે લોકો દુબઈ કે પાકિસ્તાન , જ્યાં જવું હોય ત્યાં નાસી છૂટો.. અમે ત્યાં સુધી અન્ડરગ્રાઉન્ડ જ રહેશું.’

જગમોહનની આશા બંધાતી હતી. બાબુ એની સામે જોઇ રહ્યો હતો. ઉંદર પિંજરાની નજીક આવ્યો હતો.

‘પણ અમને પેલો અમને એટલો સસ્તામાં નહીં છોડે!’ બાબુ બબડ્યો.

જગમોહનને લાગ્યું કે ઉંદર નજીક આવીને ફરી નાસી ગયો. ત્યાં જ ડ્રાઈવર બોલ્યો :

‘બાબુભાઈ, રૂપિયા વધુ હોય તો જોખમ પણ વધુ જ હોય ને!’

‘હા, પણ મારી એક શરત છે.’ જગમોહન બારીની બહાર જોતાં બોલ્યો.

‘શરત… કેવી શરત… છોડ યાર… બાબુભાઈ, મૂકો આ લમણાંઝીંક. આ માણસ હંમેશાં કોઈ નવું જ પાનું ઊતરે છે.’ ઈરફાન ઉશ્કેરાઈ ગયો.

‘વિચારી જો… ઈરફાન, મને મારીશ તો ફક્ત એક કરોડ મળશે. એમાંય તારા હાથમાં કેટલા આવશે કોને ખબર! અને હવે વિચાર કે તમારા લોકોના હાથમાં ત્રણ કરોડ આવવાના છે. ત્રણ કરોડ. ઈરફાન… એકસાથે આટલી મોટી રકમ તેં સપનામાંય જોઈ છે ક્યારેય?’

ઈરફાન સ્તબ્ધ થઈ ગયો.

‘પણ તને મારી નાખવામાં રૂપિયા પણ છે અને જોખમ પણ ઓછું છે.’ ઈરફાન જેટલો દેખાય છે એટલો ડફોળ ન હતો.

‘જો અલ્યા, મને વારંવાર મારવાની ધમકી આપી છે તો યાદ રાખજે. તારા જ ખિસ્સામાંથી ગન કાઢીને હું તને અને મને બંનેને મારી નાખીશ. મારું અપમાન કરે એ મને બિલકુલ પસંદ નથી.’ એક ઉદ્યોગપતિને છાજે એવા રુવાબ અને કરડાકીથી જગમોહન બોલ્યો.

ઈરફાન ચિડાઈ ગયો : ‘બાબુભાઈ, ઈસકો સંભાલો, યહ આદમી કમ્પ્લીટ પાગલ હૈ. અમારો ધંધો ખૂન કરવાનો છે પણ જેને મરવાની મજા આવે એવો માણસ પહેલી વાર જોયો.’

ગાયત્રીએ ટાપશી પૂરી:

‘જુઓને ભાઈ, હવે તમે જ સમજાવોને… સવારથી જ મરવાની જ વાતો કરે છે.’

‘અરે , આ ભેજાંગેપને કોણ સમજાવે? ઓર સૂનો લડકી… હમકો ભાઈ નહીં બોલને કા… હમ ક્યા તુમ્હારા બ્રધર હૈ?’ ઈરફાનને બોલ્યા વગર ચાલતું નહોતું.

‘ઓહ, હું તો ભૂલી ગઈ હતી કે તું પ્રોફેશનલ કિલર છો. તું કોઈનો ભાઈ કેવી રીતે હોઈ શકે?’

‘અરે આ છોકરી . તમારા લોકોની વાત મને સમજાતી નથી. મને તો ફક્ત બે જ કામ આવડે છે. રિવોલ્વરનો ઘોડો દબાવતા અને રૂપિયા ગણતા. ’

‘ઈરફાન, લાગે છે તારી બકબક કરવાની આદત બધાને લઈને ડૂબશે.’ બાબુની ધીરજ ખૂટી ગઈ હતી.

એક તો કોઈ નિર્ણય પર ન પહોંચી શકવાનો ગુસ્સો હતો. એમાંય ઈરફાનના સવાલોથી એના વિચારોમાં વિક્ષેપ પાડતો હતો.

ઈરફાને જીભ દાંત વચ્ચે દબાવીને એક હાથથી કાન પકડીને બાબુની માફી માગતો હોય એમ બોલ્યો:

‘ગલતી હો ગયા.’

વાનમાં ફરી મૌન છવાઈ ગયું. હાઈ-વે પર ગાડી પાણીની જેમ સરકી રહી હતી. આજુબાજુ સર્વત્ર અંધકાર છવાયેલો હતો. જગમોહને આંખો બંધ કરી લીધી. ભગવાન જાણે આ લોકોથી ક્યારે મુક્તિ મળશે! અચાનક જગમોહનને લાગ્યું કે ઊંડે ઊંડે એને પણ બચી જવાની ઈચ્છા થતી હતી. એનો મરવાનો ‘ઉત્સાહ’ જાણે ઓસરી રહ્યો હતો. જગમોહન જાણે પોતાની જ ઊલટતપાસ લેતો હોય એવી રીતે જાતને ચકાસી લીધી. આજે વરસો બાદ પહેલી વાર એને મૃત્યુથી ભય લાગતો હતો, જાણે જીવન સાથેનો તૂટેલો તાંતણો ફરી ક્યાંય જોડાઈ રહ્યો હતો.

જગમોહન દીવાનના શરીરમાં ખુશીની એક લહરી પ્રસરી ગઈ. આજે વરસો બાદ એને ખુલ્લી હવામાં શ્વાસ લેવાની ઈચ્છા થતી હતી. કોઈ જુદી જ લાગણીની અનુભૂતિ થતી હતી.
જગમોહન એટલો ગેલમાં આવી ગયો કે એ ઈરફાનની પીઠ પર ધબ્બો મારીને બોલી ઊઠ્યો:

‘બોલો, ઈરફાનમિયાં , કુછ બોલતે ક્યોં નહીં હો… ચૂપ હો ગયે ! .’

‘અબે, હમ કિડનેપર ઔર કિલર હૈ, તુમ્હારા દોસ્ત નહીં હૈ… સમજા?’

‘દોસ્ત નથી, પણ દોસ્તી કરતાં કેટલી વાર લાગે? યાદ કર , ઈરફાન ત્રણ કરોડ રૂપિયા… યાદ કર કે એક બેગમાં બબ્બે હજારની નોટોના બંડ્લ પડયાં હોય, એ વિચાર માત્રથી જ બાકીની જિંદગી જીવવા જેવી લાગશે.’

‘આની વાતોનું ઠેકાણું નથી. ક્યારેક મરવાની વાતો કરે છે તો ક્યારેક જીવવાની વાતો કરે છે. બાબુભાઈ, ઈસસે બાત કરો ના…’

બાબુએ જવાબ ન આપ્યો.

હવે જ્યારે જીવવાની ઈચ્છા જાગૃત થઈ રહી છે ત્યારે આ લોકો એને મૃત્યુ તરફ ન ધકેલે તો સારુંજ્ગમોહન વિચારતો હતો : બાબુને પ્લાન ગમ્યો હોય એવું લાગે છે પણ જ્યાં સુધી એ સંપૂર્ણપણે ચોક્સાઈ નહીં કરી લે ત્યાં સુધી હા ભણવાનો નથી.

‘ગાયત્રી, તને શું લાગે છે?’

‘મને લાગે છે કે આપણે બચીએ કે ન બચીએ, તમારા બે કરોડ બચી જશે!’

ગાયત્રી જાણતી હતી કે બાબુ એની વાત ધ્યાનથી સાંભળે છે.

‘તું કયા આધારે કહે છે, ગાયત્રી?’

‘કાકુ, આ લોકોમાં જરા પણ સમજ કે કોમનસેન્સ હોત તો તમારી ઓફર સ્વીકારી લીધી હોત , પણ કદાચ આ લોકોને કોઈનો ડર લાગે છે. આમ જુઓ તો એમનો પણ કોઈ વાંક નથી. ચિઠ્ઠીના ચાકર છે, અસલી બોસ તો કોઈ બીજું જ છે. એ માણસ વધુ શક્તિશાળી અને બુદ્ધિમાન લાગે છે.’

બાબુનો ચહેરો ઝંખવાણો પડી ગયો. એક સાવ અજાણી છોકરી જાણે એને લપડાક મારી ગઈ હોય એવા એના ભાવ ચહેરા પર અંકિત થઈ ગયા હતા.

હજી ઉંદર પિંજરાની અંદર લટકતા ટુકડાને જોઈને પાછો ફરી જાય છે, પણ ઉંદરના મનમાં લાલચ અને ભય વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે એ ચોક્કસ… જગમોહને વિચાર્યું.

‘તમને શું લાગે છે, કાકુ?’

‘તારી વાત સાચી છે. આ લોકોને કોઈ દોષ નથી. પણ મારા બે કરોડ બચે એમાં મને આનંદ નથી. પણ આ લોકોને એક કરોડના ત્રણ કરોડ કરવા માટે ત્રણ જગમોહન દીવાનની કતલ કરવી પડશે એનો અફસોસ છે.’

‘તમારી શરત શું છે, શેઠ?’ બાબુએ મનમાં ઘોળાતો પ્રશ્ન પૂછી નાખ્યો.

ઉંદર પિંજરામાં પ્રવેશી રહ્યો છે. પોતે ફસાઈ રહ્યો છે એવી નાનીઅમથી પણ શંકા જશે તો એ ફરી નાસી જશે.

‘બહુ જ મામૂલી શરત છે બાબુ, પણ જો તમે ગભરાતા હો તો…’ જગમોહને જાણીજોઇને વાકય અધૂરું મૂક્યું.

‘શરત બોલો, શેઠ’ બાબુનો ચહેરો ભાવહીન હતો.’

‘બે કરોડના બદલામાં તમારે બે કામ કરવાનાં રહેશે. એક, અમને સહીસલામત છોડી મૂકવાનાં અને બીજું’ જગમોહને જોયું કે એ ત્રણેય એની વાત સાંભળી રહ્યા હતા.

‘બીજું કે જેણે મારી હત્યા કરવાની સુપારી આપી છે એનું નામ આપવાનું. બોલ બાબુ, છે મંજૂર? મારી ડિમાન્ડ બહુ મોટી તો ન જ કહેવાય’

‘અમે અહીંથી રૂપિયા લઇને ભાગી ન જઇએ ત્યાં સુધી તમે જાહેરમાં નહીં આવો.’ બાબુ વિચારી વિચારીને બોલતો હતો.

‘કબૂલ, જો તમારે દુબઇ ન જવું હોય તો હું એક બીજો રસ્તો દેખાડું.’ જગમોહન બોલ્યો. બાબુએ પહેલીવાર પાછળ જોયું.

‘બાબુ, પોલીસમાં મારી સારી ઓળખાણ છે. તું જાણે છે કે મારા જેવા બિઝનેસમેનનો કોઇ બોલ ન ઉથાપે. તમને રૂપિયા આપ્યા બાદ અમે પોલીસમાં ફરિયાદ કરી દઇએ કે તમે અમારું અપહરણ કરવાની કોશિશ કરી છે. પોલીસ તમને એરેસ્ટ કરે અને બની શકે કે એક-બે વરસની મામૂલી સજા થાય. જેલ તમારા માટે સુરક્ષિત જગ્યા ગણાશે. પૈસા તો તમારી પાસે જ રહેશે. બાબુ, રૂપિયા હશે તો બચવાના હજાર રસ્તા નીકળી આવશે. બોલ કેવો લાગ્યો મારો આઇડિયા?’
જગમોહને વિસ્તારપૂર્વક યોજના સમજાવી.

‘અરે, ઇસકા પાગલપન ફીર શુરુ હો ગયા. પોલીસ જબ થાને મેં ધોલાઇ કરેગા તો ક્યા તુમ બચાને આઓગે?’ ઇરફાન વિફર્યો.

‘પોલીસના મારનો આટલો ડર લાગે છે તો આવાં કામ છોડી દે ને ભાઇ!’ ગાયત્રીએ એને વધુ ઉશ્કેર્યો.

‘ફિર તુમ ભાઇ બોલા…’

ઇરફાનની વાતને અવગણીને જગમોહને કહેવાનું ચાલુ રાખ્યું:

‘પોલીસ તમને હાથ નહીં અડાડે. ગાયત્રી, આપણે ઇન્સ્પેકટર પરમારને તાકીદ કરી દઇએ તો એ આ લોકોનું પૂરું ધ્યાન રાખે. જેલમાં પણ તમારા માટે અલગ રહેવાની વ્યવસ્થા કરી શકું છું.’

‘તમે અમને રૂપિયા કેવી રીતે પહોંચાડો?’ બાબુને હજી વિશ્વાસ નહોતો બેસતો.

‘એની તું ફિકર નહીં કર. હું એક ફોન કરીશ કે કાલે સવારના તું કહીશ ત્યાં રૂપિયા મળી જશે. પેમેન્ટ મળ્યા બાદ જ અમને છોડજો.’
(ક્રમશ:)

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ દેશોના મોહમાં Indian Citizenship કુર્બાન કરી રહ્યા છે ભારતીયો, ટોચ પર છે આ દેશ 1-2 નહીં પૂરા આટલા બાળકોની માતા છે આ Bollywood Actress સારા તેંડુલકરનો આ અનોખો અંદાજ જોઈને કહી ઉઠશો… આ વિટામિનની ઉણપ છે અનિંદ્રાનું સૌથી મોટું કારણ, તમે પણ એનો શિકાર નથીને?