ભારતનાં પ્રથમ મહિલા કુલપતિ: હંસા મહેતા
ભારતની વીરાંગનાઓ – ટીના દોશી
ગુજરાતી ભાષાની પહેલી નવલકથા રાય કરણઘેલોના લેખક નંદશંકર મહેતાની પૌત્રી, વડોદરા રાજ્યના દીવાન મનુભાઈ મહેતાની દીકરી અને ગુજરાતના પહેલા મુખ્ય મંત્રી જીવરાજ મહેતાની પત્ની…. ઓળખાણ પડી?
ગુજરાતના સાહિત્ય અને રાજકારણ અંગે થોડું ઘણું પણ જાણતી વ્યક્તિને સમજાઈ ગયું હશે કે હંસા મહેતાની વાત થઈ રહી છે. દાદા, પિતા અને પતિએ પોતપોતાના ક્ષેત્રમાં કાઠું કાઢેલું એની ના નહીં, પણ એથી હંસાની તેજસ્વિતા ઢંકાયેલી રહી નહોતી. કહેવાય છે એક વિશાળ વડલા હેઠળ છાંયો તો મળે છે, પણ એ વડલા હેઠળ ઘાસ પણ ઊગી શક્તું નથી, પરંતુ દાદા અને પિતાના વટવૃક્ષ તળે હંસાનું વ્યક્તિત્વ વિકસ્યું અને વિસ્તર્યું. હંસાની આગવી ઓળખનું નિર્માણ થયું.
હંસા સ્વયં સ્વયંપ્રકાશિત હતી. પરિવારના પડછાયામાં રહીને પણ છાબડે ઢાંક્યો સૂરજ ઢંકાય નહીં એમ હંસાની સૂર્યસમી પ્રતિભા ઝળહળી ઊઠેલી. હંસા દાંડીકૂચમાં ભાગ લઈને સ્વતંત્રતા સેનાની બની. મુંબઈ કૉંગ્રેસ સમિતિની અધ્યક્ષ બની. ૧૯૩૭માં મુંબઈ ધારાસભ્યમાં ચૂંટાઈને શિક્ષણમંત્રી તરીકે સેવાઓ આપી. ૧૯૪૭માં યુનો ખાતેના ભારતીય પ્રતિનિધિ તરીકે સેવાઓ આપી. ૧૯૪૭માં જ, ૧૯૪૭ની મધ્યરાત્રિએ સત્તાના હસ્તાંતરણની ઘટના વખતે ભારતનો રાષ્ટ્રધ્વજ, ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસના એક સક્રિય સભ્ય તરીકે હંસા મહેતાના હાથે પંડિત જવાહરલાલ નેહરુને અપાયેલો. ભારતના બંધારણ સભાની કુલ પંદર મહિલા સભ્યની સમિતિમાં હંસાબેન મહેતા એક માત્ર ગુજરાતી મહિલા હતાં. વર્ષ ૧૯૪૬માં હંસા મહેતા મહિલા વિશ્ર્વવિદ્યાલયના કુલપતિ બન્યાં. એ સાથે ભારતની પ્રથમ મહિલા કુલપતિ બનવાનું સન્માન મળ્યું. ૧૯૪૬થી ૧૯૪૮ સુધી એસ.એન.ડી.ટી. યુનિવર્સિટીમાં વાઇસ ચાન્સેલર તરીકે સેવારત રહી. ૧૯૪૯થી ૧૯૫૮ સુધી વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના કુલપતિ. કોઈ મહિલા કુલપતિ બને તેવી આ પ્રથમ ઘટના હતી. તેના કાર્યકાળ દરમિયાન એમ. એસ. યુનિવર્સિટીએ પ્રગતિનાં સોપાનો સર કર્યાં. આ યુનિવર્સિટીમાં હંસાએ સમગ્ર દેશમાં સૌ પ્રથમ હોમ સાયન્સ વિભાગની શરૂઆત કરી. યુવતીઓને વૈજ્ઞાનિક ઢબે ગૃહવિજ્ઞાન ભણવાની સગવડ પ્રથમ વાર પ્રાપ્ત થઈ. એ સમયે તેણે સ્ત્રીશિક્ષણમાં મદદરૂપ નીવડે એવી રીતે અભ્યાસક્રમો બનાવેલા તેમજ સ્ત્રીઓ માટે વ્યાવસાયિક તાલીમની પણ હિમાયત કરેલી. હંસાએ કરેલા અણમોલ પ્રદાનને પગલે ઈ.સ. ૧૯૫૯માં ભારત સરકારે હંસાને દેશના ત્રીજા સર્વોચ્ચ સન્માન ‘પદ્મભૂષણ’થી પુરસ્કૃત કર્યાં. ૧૯૫૮માં અલાહાબાદ યુનિવર્સિટીએ અને ૧૯૫૯માં વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીએ હંસા મહેતાને ડી.લિટ.ની પદવી એનાયત કરી તેનું બહુમાન કર્યું.
કેળવણીકાર તરીકે પ્રખ્યાત થયેલાં હંસા મહેતાનો જન્મ ૩ જુલાઈ ૧૮૯૭ના થયેલો. માતા હર્ષદકુમારી. વડોદરાના દીવાનપદને શોભાવનાર મનુભાઈ મહેતા પિતા. ગુજરાતને ૧૮૬૬માં પ્રથમ ઐતિહાસિક નવલકથા ‘કરણ ઘેલો’ આપનાર નંદશંકર તુળજાશંકર મહેતા હંસાના દાદાજી. નાનપણમાં માતાનું અવસાન થતાં પિતાની સીધી દેખરેખ નીચે ઉછેર. ૧૯૧૩માં મેટ્રિકની પરીક્ષામાં બહેનોમાં પ્રથમ. પરિણામે ‘ચેટફીલ્ડ પ્રાઇઝ’ અને ‘નારાયણ પરમાણંદ ઇનામ’ મળ્યાં. નેતૃત્વશક્તિને લીધે ‘બોમ્બે પ્રેસિડન્સી સ્ટુડન્ટ્સ ફેડરેશન’ની વડોદરા શાખાનાં પ્રમુખ. સ્વાતંત્ર્ય-ચળવળની ભાવનામાં રંગાઈને વિદ્યાર્થીસમાજની સ્થાપના કરી. ૧૯૧૬માં ‘ગંગાબાઈ ભટ્ટ સ્કોલરશિપ’ મેળવી ઇન્ટર થઈ. ૧૯૧૮માં ફિલોસોફી સાથે બી.એ. (ઑનર્સ) થયાં. પત્રકારત્વના અભ્યાસ માટે ૧૯૧૯માં ઇંગ્લેન્ડ ગયાં. ત્યાં તેનો મેળાપ સરોજિની નાયડુ અને રાજકુમારી અમૃતકૌર સાથે થયો. ૧૯૨૦માં જીનિવા ખાતેના આંતરરાષ્ટ્રીય અધિવેશનમાં સરોજિની સાથે હિંદનાં પ્રતિનિધિ તરીકે હાજરી. એમ વૈશ્ર્વિક ભૂમિકાએ સ્ત્રીઓની લડતની અગ્રણી નેતા બની. સાથે જ સ્વાતંત્ર્ય સૈનિક બનવા પ્રેરાઈ. હંસા ૧૯૨૧માં સ્વદેશ પરત આવ્યાં ત્યારે દેશમાં અસહકારનું આંદોલન ચાલી રહેલું. ‘પ્રિન્સ ઓફ વેલ્સ’નો વિરોધ કરવા બદલ ગાંધીજી સાબરમતી જેલમાં હતા. સરોજિની નાયડુ બાપુને અવારનવાર જેલમાં મળવા જતાં. એક વાર સરોજિની હંસા મહેતાને પણ સાથે લઇ ગયાં. પ્રથમ મુલાકાતમાં જ હંસા બાપુથી પ્રભાવિત થઈ ગયાં. આઝાદી આંદોલનમાં ઝંપલાવવા હૈયું થનગનવા લાગ્યું.
દરમિયાન, હંસા ડો. જીવરાજ મહેતાના સંપર્કમાં આવી. પરિચયને પગલે પ્રેમ થયો. લગ્ન કરવાનો નિર્ણય કર્યો. પરંતુ બન્નેની જ્ઞાતિ જુદી હોવાથી આ આંતરજ્ઞાતીય લગ્નનો સામાજિક વિરોધ થયો. લગ્ન પછી હંસા મહેતા ૧૯૨૫માં મુંબઈ સ્થાયી થયાં. ડો. જીવરાજ મહેતા મુંબઈનાં જાણીતા ડોક્ટર હતા. બીમારી વખતે ગાંધીજી પણ એમની સલાહ લેતા. પતિને કારણે હંસા મહેતા ગાંધીજીની વધુ નજીક આવ્યાં. પત્રકારત્વના અભ્યાસને કારણે હંસા ‘હિન્દુસ્તાન’ સાપ્તાહિકની સહતંત્રી અને પછી મુંબઈની ‘ભગિની સમાજ’ની પત્રિકાની માનદ મંત્રી થયાં.
હંસા મહેતા પ્રથમ ગુજરાતી સ્ત્રી પત્રકાર ગણાય છે. સત્ય અને અહિંસા સિવાયનો માર્ગ ગાંધી કદી નહીં લે તે વાત નિશ્ર્ચિત હતી. દેશના વધુમાં વધુ લોકો જોડાઈ શકે તેવી લડતના માધ્યમની શોધમાં તેઓ હતા. એમાંથી તેમને ‘નમકવેરો’ લાધ્યો. મીઠા ઉપર બ્રિટિશ સરકારે ૨૪૦૦ ટકા વેરો નાખેલો. તે દ્વારા છ કરોડ રૂપિયા સરકારની તિજોરીમાં જમા થતા. ગરીબ-તવંગર, આબાલ-વૃદ્ધ સૌને મીઠા ઉપરનો વેરો લાગુ પડતો. દેશના તમામ વર્ગના લોકોને સીધી રીતે સ્પર્શે તેવો આ મુદ્દો ગાંધીજીએ પકડ્યો. સ્વરાજની લડત માટે મીઠા ઉપરના વેરાની નાબૂદી : નમક સત્યાગ્રહ કરવાનું એલાન કર્યું.
પાંચ વર્ષ પછી, ૧૯૩૭માં પ્રાંતિક સ્વરાજની ચૂંટણીમાં હંસા મહેતા કૉંગ્રેસની ટિકિટ પરથી ચૂંટાઈ. મુંબઈ ધારાસભામાં પહોંચ્યાં. ૧૯૪૦માં વ્યક્તિગત સત્યાગ્રહમાં ભાગ લઈને ફરી જેલમાં. પાંચ મહિના પછી જેલવાસમાંથી બહાર. ૧૯૪૪માં કમલાદેવી ચટ્ટોપાધ્યાયના પ્રમુખપદ હેઠળ મળેલી અખિલ હિંદ મહિલા પરિષદમાં નાગરિક સ્વાતંત્ર્યનો ઠરાવ રજૂ કરીને નાગરિક સ્વાતંત્ર્ય પર સરકારે મૂકેલા પ્રતિબંધો સામે જુસ્સાદાર પ્રવચન કર્યું. છતાં સરકારે ૧૯૪૫માં હંસાને આર્ટ એજ્યુકેશન કમિટીના અધ્યક્ષ બનાવ્યાં. ૧૯૪૬માં ભારતીય મહિલા વિશ્ર્વ વિદ્યાલયનાં પ્રથમ મહિલા કુલપતિ બન્યાં. ત્યાર બાદ મહારાજા સયાજીરાવ વિશ્ર્વ વિદ્યાલયની કુલપતિ બન્યાં. વર્ષ ૧૯૬૦માં ગુજરાત રાજ્યની સ્થાપના થઈ. ડો. જીવરાજ મહેતા ગુજરાતના પહેલા મુખ્ય મંત્રી બન્યા. પણ હંસા મહેતાની ઓળખ મુખ્ય મંત્રીની પત્ની પૂરતી સીમિત ન રહી. એની આગવી ઓળખ પડછાયો બનીને એની સાથે રહી. જીવરાજ મહેતા સફળ સ્ત્રી પાછળના પુરુષ બન્યા અને હંસા મહેતા સફળ પુરુષ પાછળની સ્ત્રી બન્યાં. મેઘધનુષના રંગ પરસ્પરમાં મળેલા હોય અને છતાં એકમેકથી નોખી આભા પ્રકટાવે એમ હંસા મહેતા અને જીવરાજ મહેતાની ઓળખ પરસ્પરમાં વિલીન થતી હોવા છતાં એકમેકથી ભિન્ન રંગછટા પ્રકટાવતી રહી. પતિ અને પત્ની બેય પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવતાં હોય ત્યારે જ આવું મનોહર દ્રશ્ય સર્જાતું હોય છે!