વેપાર

ડૉલર સામે રૂપિયો બે પૈસા નરમ

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: આંતરરાષ્ટ્રીય વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સ તેમ જ બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં સુધારાતરફી વલણ ઉપરાંત સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં નરમાઈનું વલણ અને ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ચોખ્ખી વેચવાલી રહી હોવાના નિર્દેશો સાથે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આજે ડૉલર સામે રૂપિયો ગઈકાલના બંધ સામે વધુ બે પૈસાના ઘટાડા સાથે ૮૩.૭૧ની નવી નીચી સપાટીએ બંધ રહ્યો હતો. ગઈકાલે સરકારે અંદાજપત્રમાં શોર્ટ અને લૉન્ગ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સમાં વધારો કર્યો હોવાથી તેમ જ ઈન્ડેક્સેશનના લાભો દૂર થતાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની વેચવાલી રહી હોવાથી આજે ડૉલરમાં માગ વધુ રહી હોવાનું ટ્રેડરોએ જણાવ્યું હતું.

આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના ૮૩.૬૯ના બંધ સામે ભાવ ટૂ ભાવ ૮૩.૬૯ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૮૩.૭૨ અને ઉપરમાં ૮૩.૬૮ની રેન્જમાં અથડાઈને અંતે ગઈકાલના બંધ સામે બે પૈસા ઘટીને ૮૩.૭૧ની નવી નીચી સપાટીએ બંધ રહ્યો હતો. નોંધનીય બાબત એ છે કે ગઈકાલે રૂપિયામાં ત્રણ પૈસાનો ઘટાડો નોંધાયો હતો.

દરમિયાન આજે વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ ગઈકાલના બંધ સામે ૦.૦૫ ટકા વધીને ૧૦૪.૫૦ અને બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ગઈકાલના બંધ સામે ૦.૭૯ ટકા વધીને બેરલદીઠ ૮૧.૬૫ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. વધુમાં આજે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં અનુક્રમે ૨૮૦.૧૬ પૉઈન્ટનો અને ૬૫.૫૫ પૉઈન્ટનો ઘટાડો આવવાની સાથે ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. ૨૯૭૫.૩૧ કરોડની ચોખ્ખી વેચવાલી રહી હોવાને કારણે રૂપિયો દબાણ હેઠળ રહ્યો હોવાનું ટ્રેડરોએ જણાવ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button