આમચી મુંબઈ

Assembly Elections: વિધાનસભાની ચૂંટણી જીતવા માટે ભાજપ હવે આ યુક્તિ અજમાવશે

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી પૂર્વે મહત્ત્વપૂર્ણ મનાતું ભાજપનું અધિવેશન પુણેમાં યોજાયું અને તેમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ સહિત ભાજપના ટોચના નેતાઓ અને પદાધિકારીઓ હાજર રહ્યા. જોકે લોકસભાની ચૂંટણીમાં કંગાળ દેખાવને પગલે ભાજપ ચૂંટણીની તૈયારીઓમાં કોઇ ઉણપ રાખવા ન માગતી હોય તેવું જણાય છે. જેને પગલે હવે જિલ્લા સ્તરે તેમ જ મંડળ સ્તરે પણ અધિવેશન યોજવામાં આવશે.

સૂત્રોએ જણાવ્યા અનુસાર 2, 3 અને 4 ઑગસ્ટના રોજ મહારાષ્ટ્રના 78 જિલ્લામાં અધિવેશન અને વિસ્તારિત કારોબારી (એક્ઝિક્યુટિવ) બેઠક યોજવામાં આવશે. જ્યારે તમામ 778 મંડળમાં 9, 10 અને 11 ઑગસ્ટ દરમિયાન અધિવેશન અને બેઠકો યોજાશે.

આ દરમિયાન મહારાષ્ટ્ર ભાજપના દિગ્ગજ નેતાઓ વિવિધ વિભાગોમાં જઇને અધિવેશનમાં ભાગ લેશે તેમ જ બેઠકો યોજીને જમીની સ્તરે કામ કરતા કાર્યકર્તાઓ સાથે સંવાદ સાધીને ચૂંટણી દરમિયાન તેમની કામગીરી અંગે તેમને સૂચના આપીને તેમનું માર્ગદર્શન કરશે.

લોકસભાની ચૂંટણીમાં ખાસ કરીને મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશમાં ભાજપને મોટો ફટકો પહોંચ્યો છે ત્યારે મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી ભાજપના ભાવિ માટે નિર્ણાયક ગણવામાં આવી રહી છે. જેને પગલે ભાજપનું કેન્દ્રીય નેતૃત્વ પણ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી પર વિશેષ ધ્યાન આપી રહી છે.

ભારતીય જનતા પાર્ટીએ મહારાષ્ટ્રની લોકસભાની ચૂંટણીમાં મહાવિકાસ આઘાડીની તુલનામાં સામાન્ય પ્રદર્શન કર્યું હતું. હવે વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ ખૂદ વધુ સ્ટ્રોંગ થવા માગે છે. શિવસેના અને એનસીપી કરતા વધારે બેઠકો મેળવ્યા છતાં ભાજપને રાષ્ટ્રીય સ્તરેથી લઈને લોકલ લેવલે મજબૂત કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે, જેમાં આ વખતે કોઈ કચાશ બાકી રાખવામાં આવશે નહીં, એમ રાજકીય વર્તુળોએ જણાવ્યું હતું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button