વાદ પ્રતિવાદ

ઈન્સાની મૂલ્યોને ઉજાગર કરતા બે પ્રસંગો: આદમી હું આદમી સે પ્યાર કરતા હું

મુખ્બિરે ઈસ્લામ – અનવર વલિયાણી

આપણી ગુજરાતીમાં એક કહેવત અતિ પ્રચલિત છે કે-‘ચિંતા ચિતા સમાન છે.’

પયગંબર હઝરત ઐયુબ અલૈયહિ સલ્લામ (અસ)ને અલ્લાહે જ પોતાના સંદેશવાહક તરીકે નિયુક્ત કર્યા હતા, છતાં તેમની ભયંકર અને વિચારી પણ ન શકાય તેવી બીમારીમાં તેઓ અઢાર વર્ષ સુધી તડપતા રહી, અસહ્ય વેદના ઉઠાવી એવો સબ્ર-ધીરજ અખત્યાર-ધારણ કર્યો કે આપ હઝરતનું ‘સબ્ર ઐયુબ’ નામ પડી ગયું.

પયગંબર હઝરત સુલેમાન અલૈયહિ સલ્લામ નબી હોવા ઉપરાંત અરબસ્તાનના એક મોટા રાજ્યના બાદશાહ પણ હતા.

એજ પ્રમાણે હઝરત યુસુફ અલૈયહિ સલ્લામનબી હોવા ઉપરાંત મિસરના શહેનશાહ પણ થયા તેમનું જીવન મોમિન બંદાઓ માટે આદર્શરૂપ છે. પયગંબર હઝરત મહંમદ સાહેલ સૃષ્ટિની ઉત્પતિ થઈ ન હતી, ત્યારેય તે નબી હતા. માલે ગનીમત તથા ભેટ સોગાદોના ઢગલા થતા હતા, છતાં આ દુનિયામાં એવી રીતે રહ્યા કે ઘરમાં બે-ત્રણ દિવસ સુધી ચુલો સળગતો ન હતો. પોતાની ફકીરી માટે આપ સરકાર (સ.અ.વ.) એવું ફરમાવતા હતા કે, ‘અલ્ફખ્રો ફકરી’ અર્થાત્: મારી ફકીરી પર મને ગર્વ છે. સારાંશ એ છે કે, એક મુસાફરની માફક આ ફાની (નાશવંત) જગતમાં રહેવાનું છે. રબ દૌલત આપે તો રાહે ખુદા (અલ્લાહના માર્ગ)માં ખર્ચવાની છે.

હઝરત યુનુસ અલૈયહિસ્સલ્લામને લોકો માટે પયગંબર તરીકે મોકલવામાં આવ્યા હતા, પરંતુ જ્યારે તેમને લોકોમાં કોઈ જાતનો બદલાવ દેખાયો નહીં ત્યારે તેઓ અસ્વસ્થ થઈ ગયા અને અલ્લાહનું કાર્ય છોડી દઈ એક નાવમાં બેસી ગયા. થોડા સમય પછી નાવ ખાડા-ટેકરાવાળા પાણી સાથે અથડાઈ અને નાવમાં સવાર લોકોના જીવ જોખમમાં મુકાઈ ગયા. નાવના લોકોએ તેમના જીવન બચાવવા માટે નાવનું વજન ઓછું કરવાનું નક્કી કર્યું. પયગંબર હઝરત યૂનુસ અલૈયહિ-સ્સલ્લામ સહિત નાવના લોકોએ નાવનું વજન ઓછું કરવા કોને દરિયામાં ફેંકી દેવો તેના માટે ચિઠ્ઠી નાખી. હઝરત યુનુસ (અ.સ.)નું નામ ત્રણ વખત તેમાં આવ્યું અને તેમને દરિયામાં ફેંકી દેવામાં આવ્યા. તરત તેમને શાર્ક માછલી ગળી ગઈ. જ્યારે તેઓ શાર્ક માછલીના પેટમાં હતા ત્યારે તેમને પોતાની ભૂલનો અહેસાસ થયો અને તેઓએ ખુદાવંદેકરીમ તરફ પશ્ર્ચાત્તાપ કર્યો. જો કે તેમણે પોતાના લોકો પરથી આશ છોડી દીધી હતી, પરંતુ તેમણે રબની દયા પરથી ઉમ્મીદ છોડી નહોતી. તેઓ જાણતા હતા કે અલ્લાહ બેહદ દયાળુ છે અને જો સાચા દિલથી પશ્ર્ચાત્તાપ કરવામાં આવે તો રબતઆલા તેમને ક્ષમા કરશે. હઝરત યૂનુસ અલૈયાહિસ્સલ્લામે ખુદાવંદેકરીમ પાસે ગિરિયાઝારી કરી. અલ્લાહે તેમની દુ’આ કબૂલ કરી અને તેમને આપત્તિમાંથી ઉગારી લીધા.
બોધ: હઝરત યૂનુસ અલૈયહિસ્સલ્લામના પ્રસંગનો બોધ એ છે કે ઈસ્લામ ધર્મે ઉમ્મતિઓને જે જે રસ્તા નેકીના બતાવ્યા છે, તે માર્ગે જ ચાલીએ અને જે જે દૃષ્ટાંતો આપીને સબ (ધીરજ)ની તલકીન કરી છે, તે મુજબ ગમે તેવી મહા મુસીબત વખતે પણ ‘સબ્રે ઐયુબ’ (પયગંબર હઝરત ઐયુબ અલૈયહિસ્સલ્લામની ધીરજ મુજબ) ધારણ કરીએ અને ખુદાવંદે કરીમની યાદને આપણા દિલમાં સતત જીવંત રાખીએ.


જ્ઞાન-અજ્ઞાન

એક ઊંટે તેના મિત્ર શિયાળને આશ્ર્ચર્ય વ્યક્ત કરતા કહ્યું કે, દોસ્ત! આ વિશાળ જગતમાં મને તો એક પણ પ્રાણી એવું જોવા માળતા નથી કે જેના કોઈને કોઈ અવયવ વાંકાચૂકા નહીં હોય; જેમ કે ગજરાજને જુઓ તો તેની સૂંઢ વાંકી છે. શ્ર્વાનની પૂંછડી, બળદના શીંગડા તો વીંછીના આંકડા, પોપટની ચાંચ વગેરે તમામ પ્રાણીઓના કોઈને કોઈ અવયવો વાંકા, કમબખ્ત કોઈ એક તો પશુ બતાવો જેના દરેક અવયવો ખોડ-ખાપણ વગરના હોય!

શિયાળે સમજદારી દાખવતા ઊંટને કહ્યું કે, બીજાના એબ જોતાં પહેલાં તમારા શરીરના અવયવો પર પણ દૃષ્ટિ નાખો! તમારા તો દરેક દરેક-અઢારે અઢાર અંગો વાંકાં છે.

સૃષ્ટિના સર્જનહાર અલ્લાહતઆલાએ તમામ જીવોને પેદા કર્યાં અને દરેકને ઉપયોગી બની રહે તેવાં અવયવો બનાવ્યાં છે.

આ તો થઈ મુંગા પશુ-પક્ષી-પ્રાણીની વાત. પરંતુ સર્વ જીવોમાં સર્વ શ્રેષ્ઠ એવા અશ્રફૂલ મખ્લુકાત ગણાતા બુદ્ધિશાળી મનુષ્ય જાતમાં અધૂરું શિક્ષણ હોવા વિષેનો.

વ્હાલા વાચક બિરાદરો! આ તો થઈ મુંગા પશુ-પક્ષી-પ્રાણીની વાત, પરંતુ સર્વ જીવોમાં સર્વશ્રેષ્ઠ લેખાતા અને અશ્રફૂલ મુખ્લુકાત ગણાતા અક્કલમંદ-બુદ્ધિશાળી ઈન્સાન જાતમાં પણ શિક્ષણ હોવા વિશેનો એક કિસ્સો પણ હિદાયત (જ્ઞાન) આપનારો બની રહેશે.

ઈલ્મના જાણકાર એવા એક અલ્લાહના ઓલિયા પાસે ચિત્રકાર બનવાની ખ્વાહિશ ધરાવતો એક શખસ ગયો. આલિમે તેને ચિત્રકારનું શિક્ષણ આપવા તાલીમ શરૂ કરી. કેટલોક સમય તે શખસે જ્ઞાન સંપાદન કર્યું પણ જેમ જેમ સમય વિતતો ગયો તેમ તેને અભિમાન ચડતું ગયું. પોતે હવે સંપૂર્ણ ચિત્રકાર બની ગયો છે એવું વિચારી અધૂરું શિક્ષણ પૂરું કર્યા વગર, આલિમની નારાજી છતાં ચાલ્યો ગયો અને પોતાના ગામમાં જઈને ચિત્રકારીનો ધંધો શરૂ કર્યો.

ધંધો સારો ચાલવા લાગ્યો. તેની ખ્યાતિ દેશના રાજા સુધી પહોંચી ગઈ. રાજાએ ચિત્રકારને બોલાવી કહ્યું કે, પંદર દિવસમાં મારું ચિત્ર બનાવી આપો. આ તો રાજાનું ફરમાન. તેમાં ઊણા ઊતરીએ તો ફાંસી જ. બીજો કોઈ પર્યાય નહીં. બીજું ચિત્રકારની મુશ્કેલી એ પણ હતી કે રાજાને એક જ આંખ હતી. હવે તો તે મૂળ ચિત્ર બનાવે તો રાજા ક્રોધે ભરાય અને બીજી આંખ મૂકે તો કલાની અપૂર્ણતા સાબિત થતાં મૃત્યુદંડ નિશ્ર્ચિંત બને.

તેને કોઈ માર્ગ સૂઝતો નહોતો. તે બેચેન બની ગયો એટલે આલિમ પાસે ગયો. આલિમે તેને કહ્યું કે, આ તારા અધૂરા શિક્ષણનું પરિણામ છે. જો તું કમાવી લેવાની લાલચને રોકી શક્યો હોત અને શિક્ષણ પૂર્ણ કરીને ગયો હોત તો આ સમસ્યાનો માર્ગ તું જાતે જ શોધી શક્યો હોત.

યુવકે પોતાની ભૂલ બદલ માફી માગી અને આલિમે તેને માર્ગ બતાવ્યો તેમ તેણે રાજાનું ચિત્ર બનાવ્યું જેમાં રાજાને શિકાર કરતો બતાવ્યો. આ દૃશ્યમાં રાજાની એક જ આંખ બતાવવાની હતી.
કહેવાની જરૂર નથી કે તેને ઈનામ-સન્માન સાથે બોધપાઠ પણ મળ્યો.

દીને ઈસ્લામે તો તેની ઉમ્મત (અનુયાયીઓ)ને ત્યાં સુધી હિદાયત આપી છે કે તાલીમ હાંસલ કરવા દરિયાપાર (ચીન) સુધી પણ જવું પડે તો જાવ પણ વિદ્યા જરૂર હાંસલ કરો.
પયગંબર હઝરત મુહમ્મદ સલ્લલ્લાહોઅલૈયહિ વઆલેહિ સલ્લામે ફરમાવ્યું છે કે દીકરીઓને પણ તાલીમ આપો.

એક સ્ત્રી સો શિક્ષકોની ગરજ સારે છે.

અમિરૂલ મુઅમિનીન હઝરત અલી અલૈયહિ સલ્લમ જ્ઞાની અને અજ્ઞાની વચ્ચેના ભેદને સમજાવતા ફરમાવે છે કે- ‘જ્ઞાની તે છે જે પોતાના દરજ્જાનું ભાન રાખતો હોય.

  • જે શખસને પોતાના દરજ્જા અને યોગ્યતાનું ભાન ન હોય તેનાથી વધારે અજ્ઞાનતા શું હોઈ શકે?
  • જે સીધા રસ્તાથી હટી ગયો હોય, ભોમિયા (માર્ગદર્શક) વગર રસ્તો કાપી રહ્યો હોય અને જેને અલ્લાહે તેના નફસ (મનેચ્છા)ને હવાલે કરી દીધો હોય તે બંદો લોકોમાં સૌથી વધારે નાપસંદ છે.
  • અજ્ઞાનીને દુનિયાની ખેતીનું વાવેતર કરવા માટે બોલાવવામાં આવે છે તો ઉત્સાહ બતાવે છે અને આખેરત (પરલોકના અમરજીવન)ની ખેતીનું વાવેતર કરવાનું કહેવામાં આવે છે તો તે આળસ કરવા લાગે છે, જાણે કે જે બાબત પ્રત્યે એણે ઉત્સાહ દેખાડ્યો હતો એ જરૂરી હતી અને જેના પ્રત્યે સુસ્તી અને બેદરકારી દાખવી હતી તે નકામી હતી.

-શમીમ એમ. પટેલ
(ભરૂચ, ગુજરાત)

સનાતન સત્ય

બાળપણ માબાપ પર નભે છે એ સારી વાત છે; પરંતુ વૃદ્ધાવસ્થા દીકરાઓ પર આશ્રિત હોય છે અને એમાં પણ વંઠેલા દીકરા હોય તો…?


સાપ્તાહિક સંદેશ

ઈલાહી માર્ગ અર્થાત્ અલ્લાહના માર્ગમાં ‘લૂંટારા’ ઘણા છે જે જાતજાતની જાળો પાથરે છે, ક્યાંક માયાજાળ તો ક્યાંક લોભલાલચની જાળ. આમાં તો એવો ‘મુસાફર’ જોઈએ કે જે તે જાળોને ઓળખી-પારખી શકે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button