મરાઠા અનામત: મનોજ જરાંગેએ બેમુદત ઉપવાસ મોકૂફ રાખ્યા
જાલના: મરાઠા અનામત માટે છેલ્લા પાંચ દિવસથી બેમુદત ઉપવાસ પર બેઠેલા મનોજ જરાંગે-પાટીલે બુધવારે પોતાના ઉપવાસ મોકૂફ રાખ્યા હતા. આને માટે તેમણે એવું કારણ આપ્યું હતું કે તેમના સમાજના લોકો ઈચ્છે છે કે મરાઠા અનામતના મુદ્દે લડવા માટે તેઓ જીવતા રહે.
મહારાષ્ટ્રના જાલના જિલ્લામાં અંતરવાલી સરાટી ગામે 20મી જુલાઈથી જરાંગેએ બેમુદત ઉપવાસ ચાલુ કર્યા હતા અને તેની મુખ્ય માગણી હતી કે કુણબી સમાજને મરાઠા સમાજના સગાં-સંબંધી જાહેર કરતું જાહેરનામું રાજ્ય સરકાર દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવે અને તેમને ઓબીસી હેઠળ અનામતનો લાભ આપવામાં આવે. આ ઉપરાંત પણ અન્ય કેટલીક માગણીઓ કરવામાં આવી હતી.
આ પણ વાંચો: શરદ પવાર અને કૉંગ્રેસના નેતાઓનું મરાઠા અનામત પરનું વલણ અસ્પષ્ટ: બાવનકુળે
જરાંગે ઉપવાસ દરમિયાન ઈન્ટ્રાવિનસ ફ્લુઈડ (નસમાં પ્રવાહી) લેવાનો પણ ઈનકાર કરી રહ્યા હતા, પરંતુ મંગળવાર રાતથી તેમણે પ્રવાહી લેવાનું ચાલુ કર્યું હતું. બુધવારે સવારે પત્રકારોને તેમણે કહ્યું હતું કે મારા સમાજનું કહેવું છે કે તેમને હું જીવંત રહું એ આવશ્યક છે. સમાજ તરફથી મારા પર ઘણું દબાણ હતું. જો હું મરી જઈશ તો સમાજમાં ભાગલા પડી જશે. આથી મેં ઉપવાસ મોકૂપ રાખવાનું નક્કી કર્યું છે.
જકાંદેએ ભાજપના વિધાન પરિષદના સભ્ય પ્રવીણ દરેકર અને મહારાષ્ટ્રના પ્રધાન છગન ભુજબળની ટીકા કરતાં કહ્યું હતું કે તેઓ મરાઠા સમાજને અનામત આપવાનો વિરોધ કરી રહ્યા છે. તેમના વિરોધને કારણે ભાજપ મરાઠા સમાજથી દૂર જઈ શકે છે. તેમણે આગામી ચૂંટણીમાં આના પરિણામોની અસરોની ચેતવણી ભાજપને આપી હતી. તેમણે મરાઠા સમાજના લોકોને ભાજપને હરાવવાની અપીલ કરી હતી.
આ પણ વાંચો: તો મરાઠા-ઓબીસી ક્વોટા વિવાદ ઉકેલવામાં સરકારને ટેકો આપવા તૈયાર: દાનવે
તેમણે ફડણવીસની ટીકા કરતાં કહ્યું હતું કે તેમણે મને ખોટા કેસમાં ફસાવી દીધો છે.
અહીં ઉલ્લેખનીય છે કે પુણેની કોર્ટ દ્વારા નવું બિન-જામીનપાત્ર વોરંટ જરાંગે વિરુદ્ધ બહાર પાડવામાં આવ્યું હતું. શંભુરાજે નામના મરાઠી નાટકના નિર્માતા-દિગ્દર્શક ધનંજય ઘોરપડેએ એવો આરોપ લગાવ્યો છે કે જરાંગે અને તેના સાથીઓએ જાલનામાં નાટકના છ શો કર્યા હતા તેના રૂ. 13.21 લાખ ચૂકવ્યા નથી.
(પીટીઆઈ)