નેશનલ

રાજસ્થાનના ગૃહ રાજ્ય પ્રધાન રાજેન્દ્ર યાદવના દસ સ્થળો પર એક સાથે ઇડી ના દરોડા…

જયપુર: રાજસ્થાનમાં બાળકોના મિ઼ડ-ડે મીલ કૌભાંડમાં સંડોવાયેલા નેતાના ત્યાં ઇડીએ દરોડા પાડી કાર્યવાહી હાથ ધરી હતી. આજે આ મામલે EDએ રાજસ્થાન સરકારના ગૃહ રાજ્ય પ્રધાન રાજેન્દ્ર યાદવના દસ સ્થળો પર એક સાથે દરોડા પાડ્યા હતા. આ અંગે EDએ રાજ્યના ગૃહ રાજ્ય પ્રધાન યાદવના જયપુર, કોટપુતલી, બહેરોર અને વિરાટનગર સહિત કુલ સ્થળો પર દરોડા પાડ્યા છે. ઇડી કૌભાંડ સાથે જોડાયેલા તમામ દસ્તાવેજોની તપાસ કરી રહી છે. ઇડીની આ કાર્યવાહીએ રાજકીય વાતાવરણ ગરમ કરી દીધું છે.

ગૃહ રાજ્ય પ્રધાન રાજેન્દ્ર યાદવ તપાસ એજન્સીઓના નિશાના પર છે. તેમના સ્થાનો પર ED અને ITની કાર્યવાહી ચાલી રહી છે. પ્રધાન રાજેન્દ્ર યાદવના ઘરની બહાર વાહનોનો જમાવડો જોવા મળી રહ્યો છે. પોલીસની એક ટીમ ઘરની અંદર હાજર છે અને બહારથી કોઈને પણ અંદર જવાની પરવાનગી નથી.


એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની ટીમ દરોડા માટે સવારે જ રાજસ્થાન પહોંચી ગઈ હતી. જે બાદ ગૃહ રાજ્ય પ્રધાન યાદવના કોટપુતલી સહિત અન્ય સ્થળો પર એક સાથે દરોડા પાડવાની શરૂઆત કરવામાં આવી હતી. આ મામલે એક વર્ષ પહેલા આવકવેરા વિભાગની ટીમે રાજસ્થાનમાં ઘણી જગ્યાએ દરોડા પાડ્યા હતા. ત્યારે ગૃહ રાજ્ય પ્રધાનની ઘણી જગ્યાઓ પર પણ દરોડા પાડવામાં આવ્યા હતા.

જે બાદ હવે EDએ આજે ​​આ મામલે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. રાજસ્થાનમાં આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ સરકારના પ્રધાનોના ઘર પર દરોડાની ઘટનાએ રાજકીય વાતાવરણમાં હોબાળો મચાવી દીધો છે. રાજસ્થાનમાં છેલ્લા કેટલાક વર્ષોમાં જ્યારે પણ ઈડી દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે ત્યારે કોંગ્રેસ સરકારના પ્રધાનો અને સીએમ અશોક ગેહલોત સહિત પાર્ટીના અધિકારીઓએ કેન્દ્ર સરકાર પર ઈડીનો દુરુપયોગ કરવાનો આરોપ લગાવ્યો હતો.

મધ્યાહન ભોજનમાં બાળકો માટેનો પોષણયુક્ત ખોરાક નિર્ધારિત દરો કરતા ઘણા વધુ ભાવે ખરીદવામાં આવ્યો હતો. ગૃહ રાજ્ય પ્રધાન યાદવની કંપનીઓ આમાં સામેલ હોવાનું કહેવાય છે. અગાઉ આ કૌભાંડ ગૃહ રાજ્ય પ્રધાન રાજેન્દ્ર યાદવ સાથે જોડાયેલ હોવાના કારણે આ મામલો ખૂબ ચર્ચામાં આવ્યો હતો. ત્યારે તે સમયે પણ આને લઈને ઘણું રાજકારણ થયું હતું. જે બાદ ફરી એકવાર રાજસ્થાનમાં રાજકારણ ગરમાય તેવી શક્યતાઓ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button