સસ્પેન્ડેડ લેડી કોન્સ્ટેબલ નીતા ચૌધરી જામીન અરજી પરત નહિ ખેંચે તો કોર્ટ પાંચ લાખથી વધુના દંડ ફટકારશે!
ભુજ: કુખ્યાત બૂટલેગર સાથે થાર જીપમાં રાજસ્થાનથી મેળવેલા અંગ્રેજી શરાબની ખેપ મારતી વખતે રસ્તામાં પોલીસ ચેઝ દરમ્યાન જીપને અટકાવવા ફાયરિંગ કરનારા પોલીસ કર્મી પર જીપ ચઢાવી હત્યાનો પ્રયાસ કરવાના ચકચારી પ્રકરણની હાઈ પ્રોફાઈલ સસ્પેન્ડેડ સીઆઇડી ક્રાઇમની કોન્સ્ટેબલ એવી નીતા ચૌધરીના સેશન્સ કોર્ટે જામીન રદ કર્યા બાદ ફરાર થઇ ગુજરાત એટીએસના હાથે પકડાઈ, ગળપાદરની વિવાદાસ્પદ જેલમાં ગયેલી ફરજ મોકૂફ કોન્સ્ટેબલે સેશન્સ કોર્ટના જામીન રદ કરવાના હુકમને હાઇકોર્ટમાં પડકાર્યો હતો, જેની સુનાવણી કરતાં જજએ કહ્યું હતું કે, અરજદારના જામીન રદ કર્યા છે તે બરોબર નિર્ણય કર્યો છે. જો આ અરજી પરત લેવામાં નહીં આવે તો અરજદારને કોર્ટ રૂા.૫ લાખથી વધુનો દંડ કરશે. નામદાર કોર્ટે વધુમાં કહ્યું હતું કે, અરજદાર પર ગંભીર આરોપ છે. જો અરજદાર નિર્દોષ હતા તો ભાગી કેમ ગયા? પોલીસ થઇને બુટલેગરને સેફ પેસેજ શા માટે આપતા હતા?.
આ વેધક સવાલ સામે નીતા ચૌધરીના વકીલે એવી દલીલ કરી હતી કે તે પોતે સીઆઇડી ક્રાઇમમાં હોવાથી સિનિયર ઓફિસરોએ આપેલાં કામની તપાસ કરતી હતી. આ મુદ્દે કોર્ટે કહ્યું હતું કે, તેઓ જે કહી રહ્યા છે તે તેમના રેકોર્ડનો ભાગ છે કે પછી કોર્ટેને ગેરમાર્ગે દોરી રહ્યા છે. અરજદારે કહ્યું કે, આ ઘટનામાં કોઇને ઇજા પહોંચી ન હતી. તેમના પાવરનો ઉપયોગ કર્યો નથી. જામીન મળ્યા તેનો પણ દુરુપયોગ કર્યો નથી, પરંતુ પોલીસમાં હોવા છતાં બુટલેગરની મદદ કરી હતી અને પોલીસની પેટ્રોલિંગ કારને ટક્કર મારીને પોલીસના કર્મચારીઓને મારી નાખવાની કોશિશ કરી હતી. ગુનેગારને રોકીને પણ પોલીસની મદદ કરી શકાતી હતી. નોંધનીય છે કે, સેશન્સ કોર્ટ દ્વારા ચૌધરીના જામીન નકારી દેવામાં આવ્યા હતા અને જેલ હવાલે કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો. આ પછી તમામ રીતે અનુભવી એવી નીતા ચૌધરી કચ્છની પોલીસને થાપ આપી ભૂગર્ભમાં ઊતરી ગઈ હતી. કચ્છ અને રેન્જ પોલીસને સફળતા મળતી નહોતી ત્યારે ગુજરાત એટીએસ જેવી એજન્સીને બાતમી મળી હતી કે, બુટલેગર યુવરાજાસિંહ જાડેજાના સાસરિયાના અમુક સંબંધી લીમડી નજીકના ગામમાં રહે છે જ્યાં આ સોશિયલ મીડિયા સ્ટાર નીતા ચૌધરીએ આશરો લીધો છે. એટીએસની ટીમ દ્વારા ગત મંગળવારે દરોડો પાડી અને નીતા ચૌધરીને ઝડપી પાડી કચ્છ પોલીસના હવાલે કરવામાં આવી હતી.
આ પણ વાંચો : બહુચર્ચિત હત્યાના પ્રયાસ કેસમાં ફરાર નીતા ચૌધરીની લીમડીથી ધરપકડ
ખુલ્લેઆમ ગાઇડલાઇનનો ભંગ કરી, ઇન્સ્ટાગ્રામ પર ફિલ્મી ડાયલોગ બાજી કરીને ઇન્સ્ટા રીલ્સ બનાવતી શિસ્તબધ્ધ પોલીસ દળની એક મહિલા કોન્સ્ટેબલ એક વોન્ટેડ ક્રિમિનલ સાથે દારૂની ખેપ મારતાં ઝડપાવાની ઘટનાએ પોલીસની શાખ પર કલંક લગાડ્યું છે.