
નવી દિલ્હી: નાણાપ્રધાન નિર્મલા સીતારણે (Nirmala Sitharaman) ગઈ કાલે કેન્દ્રીય બજેટ રજુ કર્યું, બજેટથી નારાજ વિપક્ષ વિરોધ દર્શાવી રહ્યું છે. વિપક્ષના ઘણા નેતાઓએ બજેટને ભેદભાવપૂર્ણ ગણાવ્યું છે અને કેટલાકે તેને ‘ખુરશી બચાવવાનું બજેટ’ પણ ગણાવ્યું હતું. બજેટથી નારાજ ચાર રાજ્યોના મુખ્ય પ્રધાનોએ NITI આયોગની બેઠકો (NITI Aayog meeting) બહિષ્કારને કરવાના છે.
કોંગ્રેસના ત્રણ સહિત ચાર મુખ્ય પ્રધાનો પણ 27 જુલાઈએ યોજાનારી નીતિ આયોગની બેઠકમાં સામેલ નહીં થાય. તમિલનાડુના મુખ્ય પ્રધાન એમકે સ્ટાલિને મંગળવારે સાંજે એક પ્રેસ કોન્ફરન્સમાં જાહેરાત કરી છે કે તેઓ આ બેઠકમાં ભાગ નહીં લે. જો કે આ બેઠકમાં મમતા બેનર્જી ભાગ લેશે.
કોંગ્રેસ મહાસચિવ કેસી વેણુગોપાલે સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં લખ્યું છે કે, “પ્રસ્તુત કરાયેલું કેન્દ્રીય બજેટ અત્યંત ભેદભાવપૂર્ણ અને ખતરનાક છે, જે સંપૂર્ણપણે સંઘવાદ અને ન્યાયના સિદ્ધાંતોની વિરુદ્ધ છે જેનું કેન્દ્ર સરકારે પાલન કરવું જોઈએ. તેના વિરોધમાં કોંગ્રેસના મુખ્ય પ્રધાન નીતિ આયોગની બેઠકનો બહિષ્કાર કરશે. આ સરકારનું વલણ સંપૂર્ણપણે બંધારણીય સિદ્ધાંતોની વિરુદ્ધ છે. અમે એવી ઇવેન્ટમાં ભાગ નહીં લઈએ, જે ફક્ત આ શાસનના ભેદભાવપૂર્ણ પાસાઓને છુપાવવા માટે રચાયેલ છે.”
| Also Read: Budget બાદ શેરબજારની નબળી શરૂઆત, સેન્સેક્સ અને નિફ્ટીમાં ઘટાડો
કોંગ્રેસના મુખ્ય પ્રધાનો તેલંગાણાના રેવંત રેડ્ડી, કર્ણાટકના સિદ્ધારમૈયા અને હિમાચલ પ્રદેશના સુખવિંદર સિંહ સુખુ NITI આયોગની બેઠકમાં સામેલ નહીં થાય. કર્ણાટકના મુખ્ય પ્રધાન સિદ્ધારમૈયાએ લખ્યું કે, “અમને નથી લાગતું કે કન્નડ લોકોની બાબતો સાંભળવામાં આવે છે, તેથી નીતિ આયોગની બેઠકમાં ભાગ લેવાનો કોઈ અર્થ નથી. અમે નીતિ આયોગની બેઠકનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે, જેની અધ્યક્ષતા 27 જુલાઈએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી કરશે.”