ઈન્ટરવલ

નેટ અને નીટ બાદ

સંકટમાં ફસાઇ કેટલીક અન્ય પરીક્ષાઓ…!!

ફોકસ – કીર્તિશેખર

નીટમાં થયેલી ગેરરીતિ અને પેપર લીક બાદ રદ કરાયેલી નેટની પરીક્ષા શું દુ:સ્વપ્નોનો અંત છે? જવાબ છે, બિલકુલ નહીં. શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન કહી રહ્યા હોય કે નેશનલ એલિજિબિલિટી ટેસ્ટ (નેટ)માં ગેરરીતિની જાણ થયા બાદ તેમણે પરીક્ષાર્થીઓ સાથે કોઇ રમત ન રમાય એ માટે ઉતાવળે પરીક્ષા રદ કરી દીધી છે.

જોકે કદાચ આ વર્ષે રદ થનારી આ એકમાત્ર અને છેલ્લી પરીક્ષા નહીં હોય. આાગામી અન્ય કેટલીક મહત્ત્વની પરીક્ષાઓના માથે પણ અનિશ્ર્ચિતતાની તલવાર લટકી ચૂકી છે. કેટલીક પરીક્ષાઓ રદ થવાની જાહેરાત કરી દેવામાં આવી છે અને કેટલીક રદ થવાનું નિશ્ર્ચિત છે.

દાખલા તરીકે ૧૮ જૂન, ૨૦૨૪ના રોજ લેવાયેલી નેટ પરીક્ષામાં થયેલી ગેરરીતિ બાદ ૨૧ જૂન, ૨૦૨૪ના એનટીએ દ્વારા જાતે જ ૨૫ જૂન, ૨૦૨૪ના રોજ થનારી સીએસઆઇઆર-યુજીસી-નેટ પરીક્ષા રદ કરવામાં આવી હતી. એનટીએએ આ સંબંધમાં એક પ્રેસ નોટ જારી કરીને જણાવ્યું કે તમામ પરીક્ષાર્થીઓને જાણ કરવામાં આવે છે કે સંયુક્ત સીએસઆઇઆર-યુજીસી-નેટ પરીક્ષાને અનિવાર્ય પરિસ્થિતિઓને કારણે સ્થગિત કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે આ પરીક્ષા ૨૫ જૂન, ૨૦૨૪ અને ૨૭ જૂન, ૨૦૨૪ વચ્ચે યોજાવાની હતી. આ પરીક્ષા વર્ષમાં બે વખત જૂન અને ડિસેમ્બરમાં થાય છે. પાંચ વિષયોમાં લેવાનારી આ પરીક્ષાના કમ્પ્યુટર આધારિત ફોર્મેટમાં કેમિલક સાયન્સ, પૃથ્વી, એટમોસ્ફિયરિક, મહાસાગર અને ગૃહ વિજ્ઞાન, ગણિત વિજ્ઞાન અને ભૌતિક વિજ્ઞાન સામેલ છે.

આ પરીક્ષા આઇઆઇટી અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સહિત આ વિષયો પર પીએચડી અભ્યાસક્રમો ઓફર કરનારી તમામ સંસ્થાઓમાં પ્રવેશ માટે થતી હોય છે. ગયા વર્ષે ડિસેમ્બરની આવૃત્તિમાં ૧.૭૫ લાખથી વધુ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા અને આ વર્ષે અપેક્ષા હતી કે બે લાખથી વધુ વિદ્યાર્થીઓ આમાં બેસશે, કારણ કે બે લાખથી પણ વધુ વિદ્યાર્થીઓેએ પોતાનું રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. જોકે છેલ્લી ઘડીએ એ સ્થગિત કરવામાં આવી અને અત્યાર સુધી તેની આગામી તારીખની જાહેરાત કરવામાં આવી નથી.

આ એકમાત્ર પરીક્ષા નથી, જે નીટ સિન્ડ્રોમ બાદ રદ થઇ છે અથવા સ્થગિત થઇ છે. જોકે વધુ એક પરીક્ષા પર હજી તલવાર લટકી રહી છે એને સાર્વજનિક રીતે સ્વીકારવામાં ન આવ્યું હોય, પણ લાગી રહ્યું છે કે એ પણ રદ થઇ ચૂકી છે.

આગામી સપ્તાહમાં તે રદ થવાની જાહેરાત થઇ શકે છે. વાસ્તવમાં આ સીટીઇટી એટલે શિક્ષક પાત્રતા પરીક્ષા છે, જે આગામી ૭ જુલાઇ, ૨૦૨૪ના રોજ બે રાઉન્ડમાં થવાની છે. અપેક્ષા છે કે આમાં ૧૨ લાખ વિદ્યાર્થી સામેલ થશે.

જોકે પરીક્ષાર્થીઓ જુલાઇ-૨૦૨૪માં થનારી આ પરીક્ષાની એક્ઝામ સિટી સ્લિપની રાહ જોઇ રહ્યા છે અને બીજી તરફ કોઇ સૂચના મળી નથી રહી. જોકે હજી સુધી સત્તાવાર જાહેરાત થઇ નથી, પણ સોશિયલ મીડિયા પર અફવા ફેલાઇ રહી છે કે ૭ જુલાઇ, ૨૦૨૪ના રોજ થનારી સીટેટ પરીક્ષા નહીં થાય.

સીબીએસસી બોર્ડ દ્વારા આયોજિત થનારી આ પરીક્ષા માટે હજી સુધી અંતિમ સૂચના જારી નથી કરાઇ. ૧૨૫ શહેરોમાં થનારી આ પરીક્ષા અગાઉથી નક્કી શિડ્યૂલ અનુસાર ૭ જુલાઇ, ૨૦૨૪ના સવારે ૯.૩૦ વાગ્યાથી બપોરે ૧૨.૩૦ વાગ્યા સુધી, જ્યારે બીજી શિફ્ટમાં બપોરે બે વાગ્યાથી સાંજે ૪.૩૦ સુધી થવાની છે. જોકે જે રીતે સત્તાવાર રીતે કોઇ ખબર નથી આવી રહી, તેને કારણે સોશિયલ મીડિયા પર એ ડિસ્ક્લેમર વાયરલ છે કે પરીક્ષા પ્રક્રિયાની પારદર્શિતા અને પવિત્રતા જાળવી રાખવા માટે મંત્રાલયે જાતે પરીક્ષા રદ કરવા અને નવેસરથી પરીક્ષાચક્ર શરૂ કરવાનો નિર્ણય લીધો છે. જોકે જ્યાં સુધી સત્તાવાર પ્લેટફોર્મ પરથી આ ખબર નહીં આવે ત્યાં સુધી કંઇ કહી નહીં શકાય. વાસ્તવમાં સીટીઇટી અથવા કેન્દ્રીય શિક્ષક પાત્રતા પરીક્ષા કેન્દ્રીય માધ્યમ શિક્ષા બોર્ડ દ્વારા આયોજિત કરવામાં આવે છે. આ પરીક્ષા દ્વારા શિક્ષક બનવા ઇચ્છુક ઉમેદવારોની યોગ્યતાનું મૂૂલ્યાંકન કરવામાં આવે છે.

ભારતમાંની સરકારી શાળાઓમાં પ્રાથમિક અને ઉચ્ચ પ્રાથમિક સ્તર પર શિક્ષકોની ભરતી માટે દર વર્ષે આ પરીક્ષા યોજવામાં આવે છે. આ પરીક્ષામાં બેસવા માટે ઉમેદવારોને લેખિત પરીક્ષામાં ૬૦ ટકા માર્ક્સ મેળવવા જરૂરી છે, જ્યારે આરક્ષિત વર્ગ માટે માર્ક્સની મર્યાદા ૫૫ ટકા છે. અન્ય ઉમેદવારોએ ઓછામાં ઓછા ૪૫ ટકા માર્ક્સ અને ૧૨માની પરીક્ષામાં ૫૦ ટકા માર્ક્સ સાથે સ્નાતક પરીક્ષાઓમાં ૫૫ ટકા માર્ક્સ સાથે પોસ્ટ ગ્રેજ્યુએટ થવાની શરત છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button