વેપાર

સોના-ચાંદીની દાણચોરી અટકાવવા સરકારે આયાત જકાત ઘટાડીને છ ટકા કરી

સોનું ₹ ૩૬૧૬ના ગાબડા સાથે ₹ ૭૦,૦૦૦ની અંદર, ચાંદી ₹ ૩૨૭૭ તૂટી

મુંબઈ: આંતરરાષ્ટ્રીય વિનિમય બજારમાં આજે ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ રહેતાં લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધ સામે વધુ ૦.૨ ટકા ઘટીને ઔંસદીઠ ૨૪૦૦ ડૉલરની અંદર ઊતરી ગયાના નિર્દેશ તેમ જ ચાંદીના ભાવમાં પણ ૦૬ ટકા ઘટીને ક્વૉટ થઈ રહ્યાના અહેવાલ હતા. આમ વૈશ્ર્વિક નિરુત્સાહી અહેવાલ ઉપરાંત આજે નાણાં પ્રધાન નિર્મલા સિતારમણે જાહેર કરેલા વર્તમાન નાણાકીય વર્ષના અંદાજપત્રના પ્રસ્તાવોમાં સોના-ચાંદીની દાણચોરી અટકાવવા અને સ્થાનિકમાં રિટેલ માગ પ્રોત્સાહિત કરવા માટે આયાત જકાત જે ૧૫ ટકા હતી તે ઘટાડીને છ ટકા કરવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હોવાથી આજે સ્થાનિક ઝવેરી બજારમાં સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૩૬૦૨થી ૩૬૧૬નું ગાબડું પડ્યું હતું અને ભાવ રૂ. ૭૦,૦૦૦ની સપાટીની અંદર ઊતરી ગયા હતા. તે જ પ્રમાણે ચાંદીમાં પણ ભાવ કિલોદીઠ રૂ. ૩૨૭૭ ગબડીને રૂ. ૮૫,૦૦૦ની અંદર ઊતરી ગયા હતા.

આજે ખાસ કરીને .૯૯૯ ટચ ચાંદીમાં વૈશ્ર્વિક નિરુત્સાહી અહેવાલ ઉપરાંત આયાત જકાતમાં ઘટાડો થતાં સ્ટોકિસ્ટોની નફારૂપી વેચવાલી તેમ જ ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગ ખપપૂરતી મર્યાદિત રહેતાં ભાવ કિલોદીઠ રૂ. ૩૨૭૭ના કડાકા સાથે રૂ. ૮૪,૯૧૯ના મથાળે રહ્યા હતા. તે જ પ્રમાણે સોનામાં પણ સ્ટોકિસ્ટોની નફારૂપી વેચવાલીનું દબાણ ઉપરાંત ઘટ્યા મથાળેથી સ્ટોકિસ્ટો, રોકાણકારો, જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની માગ છૂટીછવાઈ રહેતાં ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૩૬૦૨ તૂટીને રૂ. ૬૯,૩૨૩ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૩૬૧૬ તૂટીને રૂ. ૬૯,૬૦૨ના મથાળે રહ્યા હતા. દરમિયાન આજે લંડન ખાતે સત્રના આરંભે ખાસ કરીને ગુરુવારેે જાહેર થનારા અમેરિકાના જીડીપીના આગામી શુક્રવારે જાહેર થનારા પર્સનલ ક્ધઝમ્પશન એક્સપેન્ડિચરના ડેટા પર રોકાણકારોની નજર હોવાથી સાવચેતીનું વલણ ઉપરાંત ડૉલર ઈન્ડેક્સમાં સુધારાતરફી વલણ રહેતાં હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધ સામે ૦.૨ ટકા ઘટીને ઔંસદીઠ ૨૩૯૪.૧૮ ડૉલર અને વાયદામાં ભાવ ૦.૧ ટકા ઘટીને ૨૩૯૪.૭૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ગઈકાલના બંધ સામે ૦.૬ ટકા ઘટીને ઔંસદીઠ ૨૯.૦૯ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. નોંધનીય બાબત એ છે કે ગત સપ્તાહે વૈશ્ર્વિક ચાંદીના ભાવમાં પાંચ ટકા જેટલો ઘટાડો નોંધાયો હતો.

આગામી સપ્ટેમ્બર મહિનામાં અમેરિકી ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં ૨૫ બેસિસ પૉઈન્ટનો ઘટાડો કરે તેવી શક્યતા સીએમઈ ફેડ વૉચ ટૂલ પર ટ્રેડરો વ્યક્ત કરી રહ્યા છે. જોકે, હવે રોકાણકારોની નજર અમેરિકાના જીડીપીનાં અને પર્સનલ ક્ધઝ્મ્પશન એક્સપેન્ડિચર ડેટા પર હોવાથી સાવચેતીના અભિગમ અને ડૉલર ઈન્ડેક્સ મજબૂત થતાં સોના-ચાંદીના ભાવ દબાણ હેઠળ આવ્યા હોવાનું સીપીએમ જૂથના મેનેજિંગ પાર્ટનર જેફ્રી ક્રિસ્ટને જણાવ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button