નવરત્ન બજેટમાં યુવા ભારતનું પ્રતિબિંબ: એકનાથ શિંદે
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કર માળખામાં મોટા ફેરફારો કરીને સામાન્ય માણસને રાહત આપીને કરોડો દેશવાસીઓના વિશ્ર્વાસને સાર્થક ઠેરવ્યો છે. કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણે રજૂ કરેલું આ બજેટ નવ પરિબળો પર ધ્યાન કેન્દ્રિત કરતું નવરત્ન બજેટ છે, જેમ કે ખેડૂતો, મહિલાઓ, યુવાનો, કૌશલ્ય વિકાસ, રોજગાર, માળખાગત વિકાસ, શહેરી વિકાસ, યુવાનોના કલ્યાણ માટે નોંધપાત્ર જોગવાઈ, રોજગારીને પ્રોત્સાહન અને વિકસિત ભારતની દિશામાં લઈ જનારું આ બજેટ છે એમ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ મંગળવારે અહીં જણાવ્યું હતું.
નવું ટેક્સ માળખું સામાન્ય માણસ અને કર્મચારીઓ માટે રાહત છે અને હું તેનું સ્વાગત કરું છું. આ નવા ટેક્સ માળખાને કારણે કરદાતાઓની સંખ્યામાં પણ વધારો થશે. તેમણે કહ્યું હતું કે આ બજેટ વ્યાપક છે કારણ કે આ બજેટમાં મુખ્યત્વે નવ પરિબળોને ધ્યાનમાં લેવામાં આવ્યા છે જેમ કે કૃષિ ક્ષેત્રમાં ઉત્પાદકતા, રોજગાર અને કૌશલ્ય વિકાસ, માનવસંસાધન વિકાસ અને સામાજિક ન્યાય, ઉત્પાદન અને સેવાઓ, શહેરી વિકાસ, ઊર્જા સંરક્ષણ, માળખાકીય સુવિધાઓ, સંશોધન અને વિકાસ. રૂ. 2.66 લાખ કરોડ રૂપિયાની જોગવાઈ ગામડાઓની કાયાપલટ કરશે એમ શિંદેએ કહ્યું હતું.
આ પણ વાંચો : Union Budget 2024: નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું બજેટમાં વિકસિત ભારતનો રોડમેપ
સમગ્ર દેશમાં 25 હજાર ગામડાઓ માટે સારી ગુણવત્તાના રસ્તા બનાવવા માટે પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના તબક્કો 4 શરૂ કરવાનો નિર્ણય મહારાષ્ટ્રના ગ્રામીણ વિસ્તારોમાં રસ્તાઓના વિકાસ માટે મહત્વપૂર્ણ રહેશે, એમ તેમણે કહ્યું હતું.