આજે ડો. મનમોહન સિંહનો જન્મ દિવસ: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પાઠવી શુભેચ્છા
નવી દિલ્હી: દેશના પૂર્વ વડા પ્રધાન ડો. મનમોહન સિંહનો આજે 91મો જન્મ દિવસ છે. ત્યારે આજે આખા દેશમાંથી તેમના માટે શુભેચ્છાઓ આવી રહી છે. ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ડો. મનમોહન સિંહને જન્મ દિવસની શુભેચ્છા પાઠવી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરી છે જેમાં તેમણે લખ્યું છે કે, પૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહને જન્મ દિવસની શુભકામનાઓ.
હું તમારા લાંબા અને નિરોગી જીવન માટે પ્રાર્થના કરું છું. પૂર્વ વડા પ્રધાન ડો. મનમોહન સિંહનો જન્મ 26 સપ્ટેમ્બર 1932ના રોજ બ્રિટીશ ભારતના પંજાબના ચકવાલ જિલ્લામાં થયો હતો. આ જિલ્લો હવે પાકિસ્તાનમાં છે. વડા પ્રધાન તરીકેની જવાબદારી સ્વિકારતા પહેલાં તેમણે 1982થી 1985 દરમીયાન રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (RBI) ના ગવર્નર તરીકે ફરજ બજાવી હતી. પૂર્વ વડા પ્રધાન નરસિંહ રાવની સરકારમાં તેઓ ફાઇનાન્સ મિનિસ્ટર પણ રહી ચૂક્યા છે. 1991માં ભારતમાં આર્થિક ઉદારીકરણ લાવવામાં તેમનો મોટો ફાળો હતો.
ડો. મનમોહન સિંહે 2004થી 2014 દરમીયાન બે વાર દેશના વડા પ્રધાન તરીકે ફરજ બજાવી છે. તેઓ દેશના મહાન રાજકીય નેતા તો છે જ પણ એક ઉમદા ઇકોનોમીસ્ટ તરીકે પણ તેમની ઓળખ છે. મનમોહન સિંહે પંજાબ વિશ્વ વિદ્યાલયમાંથી અભ્યાસ કર્યો છે. ત્યાર બાદ તેમણે બ્રિટનની કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રમાં ફર્સ્ટ ક્લાસ મેળવી ડિગ્રી પ્રાપ્ત કરી હતી.
સાથે સાથે ડો. મનમોહન સિંહ 1962માં ઓક્સફર્ડ યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રમાં ડી.ફિલ પૂર્ણ કર્યું હતું. ઉપરાંત તેમણે પંજાબ યુનિવર્સિટી અને દિલ્હી સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવી હતી.