નેશનલવેપાર

Union Budget 2024: “બજેટ દેશની પ્રગતિનું નહિ, મોદી સરકાર બચાવવાનું, ખુરશી બચાવો બજેટ…” બજેટ પર વિપક્ષની પ્રતિક્રિયા

નવી દિલ્હી: કેન્દ્ર સરકારના બજેટને લઈને વિપક્ષે આકરી પ્રતિક્રિયા આપી છે. રાહુલ ગાંધીએ તેને ‘ખુરશી બચાવો’ તરીકે ગણાવ્યું, જ્યારે અખિલેશ યાદવે ખેડૂતો અને યુવાનો માટે રોજગાર માટે નક્કર જોગવાઈઓના અભાવ પર પ્રશ્નો ઉઠાવ્યા. કલ્યાણ બેનર્જીએ તેને ‘એનડીએ બચાવો’ બજેટ ગણાવ્યું અને કહ્યું કે જેમાં બંગાળ માટે કંઈ નથી.

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે સંસદમાં મોદી સરકાર 3.0નું પ્રથમ બજેટ રજૂ કર્યું. આ બજેટમાં ખેડૂતો, યુવાનો અને મહિલાઓ પર ફોકસ કરવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત ભાજપના ઘણા નેતાઓએ બજેટને આવકારતા તેને અભૂતપૂર્વ બજેટ ગણાવ્યું હતું. જ્યારે બજેટને લઈને વિપક્ષે અલગ જ સૂર કાઢ્યા છે. લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ આ બજેટને ‘ખુરશી બચાવો બજેટ’ ગણાવ્યું હતું. સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે આ બજેટને નિરાશાજનક બજેટ ગણાવ્યું છે. બજેટને લઈને વિપક્ષના નેતાઓએ શું પ્રતિક્રિયા આપી છે? ચાલો જાણીએ.

રાહુલ ગાંધીએ આપી પ્રતિક્રિયા:
કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ બજેટ પછી X પર પોસ્ટ કરીને બજેટ પર પ્રતિક્રિયા આપતા બજેટને ‘ખુરશી બચાવો બજેટ’ ગણાવ્યું. તેમણે કહ્યું કે, બજેટ દ્વારા સાથી પક્ષોને ખુશ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જ્યારે અન્ય રાજ્યોના ભોગે તેમને ખાલી વચનો આપવામાં આવ્યા હતા. રાહુલે વધુમાં કહ્યું કે બજેટ દ્વારા મિત્રોને ખુશ કરવામાં આવ્યા છે. AA (અદાણી-અંબાણી) ને ફાયદો પણ દેશના સામાન્ય નાગરિકોને કોઈ રાહત નથી. તેમણે ત્રીજા મુદ્દાને ‘કોપી એન્ડ પેસ્ટ’ ગણાવ્યો. તેમનું કહેવું છે કે આ બજેટ કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરો અને અગાઉના બજેટની કોપી પેસ્ટ છે.

“ખેડૂતો અને યુવાનો માટે કાયમી નોકરીની કોઈ વ્યવસ્થા નહીં”
સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે બજેટ પર કહ્યું, ‘જ્યાં સુધી ખેડૂતો અને યુવાનો માટે કાયમી નોકરીની કોઈ વ્યવસ્થા નહીં થાય ત્યાં સુધી જનતાને કોઈ મોટો ફાયદો નહીં મળે. ઉત્તર પ્રદેશ પર નજર કરીએ તો રોકાણની સ્થિતિ શું છે? તેઓ જે પ્રોજેક્ટ ચલાવી રહ્યા છે તે ક્યારેય સમયસર પૂરા થતા નથી… બિહાર અને આંધ્રપ્રદેશને વિશેષ યોજનાઓ સાથે જોડવામાં આવ્યા તે સારી વાત છે, પરંતુ શું ઉત્તર પ્રદેશ જેવુ રાજ્ય કે જેમણે વડાપ્રધાન આપ્યા છે તેવા રાજ્યના ખેડૂતો માટે બજેટમાં કંઈ છે ? ?…”

“આ બજેટ દેશની પ્રગતિનું નહિ, મોદી સરકાર બચાવવાનું”
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ બજેટને લઈને સરકાર પર નિશાન સાધતાં કહ્યું હતું કે, મોદી સરકારનું “કોપી-કટ બજેટ” કોંગ્રેસના ન્યાય એજન્ડાની પણ યોગ્ય નકલ કરી શક્યું નથી! મોદી સરકારનું બજેટ તેના ગઠબંધન ભાગીદારોને છેતરવા માટે અડધી શેકેલી “રેવડીઓ” વહેંચી રહ્યું છે, જેથી NDA ટકી રહે. આ ‘દેશની પ્રગતિ’નું બજેટ નથી, આ ‘મોદી સરકાર બચાવો’નું બજેટ છે!

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button