કર્ણાટકમાં બે શખ્સોએ મસ્જિદમાં જય શ્રી રામના નારા લગાવી ધમકી આપી, તણાવ ભડકાવવાનો પ્રયાસ
કર્ણાટકના દક્ષિણ કન્નડ જિલ્લામાં કેટલાક અસામાજિક તત્વોએ બે સમુદાયો વચ્ચે તણાવ ઉભો કરવાનો પ્રયાસ કર્યો હતો, બે શખ્સોએ કથિત રીતે મસ્જિદમાં ઘૂસીને ‘જય શ્રી રામ’ના નારા લગાવ્યા હોવાનો બનાવ બન્યો હતો. કડાબા પોલીસે આ અંગે માહિતી આપતા કહ્યું કે આ કેસમાં બે લોકોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે, મસ્જિદની અંદર સૂત્રોચ્ચારની ઘટના રવિવારે રાત્રે 11 વાગ્યાની આસપાસ બની હતી. રાત્રિ દરમિયાન બે અજાણ્યા લોકો એક મોટરસાઇકલ પર આવ્યા હતા અને મરધલા બદરિયા જુમા મસ્જિદ પરિસરમાં ઘૂસ્યા હતા.
પોલીસ અધિકારીઓનું કહેવું છે કે તેમને મસ્જિદના વડા તરફથી ફરિયાદ મળી હતી કે મસ્જિદની અંદર ‘જય શ્રી રામ’ના નારા લગાવવામાં આવ્યા હતા. આ પછી પોલીસે સીસીટીવી ફૂટેજની તપાસ કરી બે લોકોની ધરપકડ કરી હતી. આરોપીઓની ઓળખ 26 વર્ષીય સચિન રાય અને 24 વર્ષીય કિર્તન પૂજારી તરીકે થઈ છે. બંને યુવકો કડબા તાલુકાના કાયકંબા ગામના રહેવાસી છે.
એક અંગ્રેજી અખબારના અહેવાલ અનુસાર, એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણવ્યું હતું કે મસ્જિદ બાઉન્ડ્રી વોલથી ઘેરાયેલી છે. કડાબા-મરધલા રોડના જંક્શન પર મસ્જિદનો દરવાજો છે. 24મી સપ્ટેમ્બરે રાત્રે લગભગ 11 વાગ્યાની આસપાસ બંને યુવકો મસ્જિદની અંદર ઘૂસી ગયા અને ‘જય શ્રી રામ’ના નારા લગાવવા લાગ્યા. સાથે સાથે યુવકોએ મુસ્લિમોને અહીં નહીં રહેવા દેવાની ધમકી પણ આપી હતી.
મસ્જિદ સમિતિના સભ્ય મોહમ્મદ ફૈઝલે કહ્યું કે આ વિસ્તાર હિંદુ અને મુસ્લિમ સમુદાયો વચ્ચે સુમેળભર્યા સંબંધો માટે જાણીતો છે. આરોપીઓ આ એકતા તોડવા ઈચ્છે છે અને કોમી નફરત અને તંગદિલી સર્જવાનું કાવતરું ઘડવામાં આવ્યું છે.
કડાબા પોલીસના અધિકારીએ જણાવ્યું હતું કે સોમવારે ફરિયાદ મળ્યા બાદ અમે IPCની અલગ-અલગ કલમો હેઠળ કેસ નોંધ્યો છે. આ કેસમાં બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. અમે એ મામલે પણ તપાસ કરી રહ્યા છે કે શું આ આરોપીઓ કોઈ સંગઠન સાથે જોડાયેલા છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપીએ દારૂના નશામાં આ કૃત્ય કર્યું હતું. તેમનો અગાઉનો કોઈ ગુનાહિત રેકોર્ડ નથી.