ઉત્તર-મધ્ય ગુજરાતને બાદ કરતા સર્વત્ર વરસાદ, વલસાડમાં સ્કૂલ-કૉલેજો બંધ
અમદાવાદઃ ગુજરાતમાં આગામી પાંચ દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે. જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદની સાથે રેડ એલર્ટ અપાયું છે. આજે રાજ્યના નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર અને દેવભૂમિ દ્વારકામાં ભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ડ અપાયું છે. જ્યારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અન્ય જિલ્લામાં ભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ અપાયું છે. છેલ્લા 24 કલાકમાં મેઘરાજાએ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને ધમરોળ્યું હતું. 168 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ કલ્યાણપુરમાં 12 ઈંચ વરસાદ જયારે માણાવદરમાં નવ ઈંચ વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદના પગલે દ્વારકા સોમનાથ નેશનલ હાઈવે પાણી ભરાઈ જવાના કારણે બંધ થઈ ગયો છે. જ્યારે સુરત જિલ્લામાં 48 રસ્તા બંધ થયા હતા.
રાજ્યમાં 24 કલાકમાં 168 તાલુકામાં વરસાદ નોંધાયો
છેલ્લા 24 કલાકમાં દ્વારકાના કલ્યાણપુરમાં સૌથી વધુ 11.48 ઈંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત માણાવદરમાં 10.2 ઈંચ, વિસાવદરમાં નવ ઈંચ, પલસાણામાં 7.6 ઈંચ, કેશોદમાં 7.5 ઈંચ વરસાદ નોંધાયો છે. આ સાથે સુરતના કામરેજ, પારડી, ચીખલી, માણિયા હાટીના, વાપી, દ્વારકા, કપરાડા અને બારડોલીમાં છ ઇંચ વરસાદ વરસ્યો હતો. રાજ્યમાં 54 તાલુકામાં બે ઇંચ કે તેથી વધુ વરસાદ નોંધાયો હતો.
કચ્છ જિલ્લામાં ગત રાત્રિ દરમિયાન ભારે વરસાદ ખાબક્યો છે. આ સાથે મુન્દ્રામાં પાંચ ઇંચ અને માંડવીમાં ચાર ઇંચ વરસાદ પડ્યો છે. નખત્રાણામાં ત્રણ ઇંચ વરસાદ વરસ્યો હતો, જેથી વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે.
આજે વલસાડમાં શાળા-કોલેજોમાં રજા જાહેર કરી
ગઈકાલે વલસાડ જિલ્લામાં ભારે વરસાદને અનુલક્ષીને આજે મંગળવારે શાળા-કોલેજોમાં રજા જાહેર કરી છે. તેમજ આજે પણ જિલ્લામાં ભારે વરસાદની આગાહીને પગલે જિલ્લા કલેક્ટર દ્વારા સુરક્ષાના ભાગરૂપે ઉમરગામમાં શાળા કોલેજો બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તેમજ અન્ય તાલુકાઓમાં પરિસ્થિતિ પ્રમાણે નિર્ણય લેવામાં આવશે.
હવામાન વિભાગ દ્વારા આજે મંગળવાર 23મી જુલાઈએ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત રાજકોટ, જામનગર, મોરબી, ભાવનગર, અમરેલી, ભરૂચ, સુરત, તાપી, ડાંગમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. તેમજ સુરેન્દ્રનગર, બોટાદ, અમદાવાદ, આણંદ, વડોદરા, મહીસાગર, દાહોદ, નર્મદા અને છોટાઉદેપુરમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.
આ તારીખે છે ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે 24 જુલાઈએ કેટલાક જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. જેમાં અમરેલી, ગીર સોમનાથ, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં રેડ એલર્ટ છે. જ્યારે જૂનાગઢ, રાજકોટ, ભાવનગર, સુરત, તાપી અને ડાંગમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય ભરૂચ, નર્મદા, બોટાદ, દ્વારકા અને પોરબંદરમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.
25 જુલાઈની આગાહીની વાત કરવામાં આવે તો ભાવનગર, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય ગીર સોમનાથ, દીવ, સુરત, નવસારી અને ડાંગમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.
26મી જુલાઈએ અમરેલી, ભાવનગર, વલસાદ અને દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. આ સિવાય ગીર સોમનાથ, સુરત, નવસારી, ડાંગમાં ભારે વરસાદની આગાહી છે. આ સિવાય રાજ્યના અન્ય જિલ્લામાં કોઈ આગાહી નથી.
Also Read –