શેર બજાર

અંદાજપત્ર પૂર્વે સાવચેતી અને હેવી વેઈટ કંપનીઓનાં પરિણામો

અપેક્ષાથી નબળા આવતા સેન્સેક્સમાં 102 પૉઈન્ટનો અને નિફ્ટીમાં 21 પૉઈન્ટનો ઘટાડો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ઈન્ડેક્સ હેવી વેઈટ ગણાતી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને કોટક બૅન્કનાં પહેલા ત્રિમાસિકગાળાનાં પરિણામો અપેક્ષા કરતાં નબળા આવતા વેચવાલીનું દબાણ અને આવતીકાલની વર્તમાન નાણાકીય વર્ષ 2024-25ના અંદાજપત્રની જાહેરાત પૂર્વે રોકાણકારોએ સાવચેતીનું વલણ અપનાવતા આજે સતત બીજા સત્રમાં ઈક્વિટી માર્કેટમાં ઘટાડાતરફી વલણ રહેતાં બૉમ્બે સ્ટોક એક્સચેન્જના 30 શૅરના બૅન્ચમાર્ક સેન્સેક્સમાં 102.57 પૉઈન્ટનો અને નેશનલ સ્ટોક એક્સચેન્જના 50 શૅરના બૅન્ચમાર્ક નિફ્ટીમાં 21.65 પૉઈન્ટનો ઘટાડો આવ્યો હતો.

જોકે, આજે સ્થાનિકમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની રૂ. 16,970.11 કરોડની ખરીદી સામે રૂ. 13,526.05 કરોડની વેચવાલી રહેતાં કુલ રૂ. 3444.06 કરોડની ચોખ્ખી લેવાલી રહી હતી, જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની રૂ. 1652.34 કરોડની ચોખ્ખી વેચવાલી રહી હોવાનું એક્સચેન્જે એક આંકડાકીય માહિતીમાં જણાવ્યું હતું.

આજે બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ ગત શુક્રવારના 80,604.65ના બંધ સામે નરમાઈના અન્ડરટોને 80,408.90ના મથાળે ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં 80,100.65 અને ઉપરમાં 80,800.92ની રેન્જમાં અથડાઈને અંતે આગલા બંધ સામે 102.57 પૉઈન્ટ અથવા તો 0.13 ટકા ઘટીને 80,502.08ના મથાળે બંધ રહ્યો હતો. તે જ પ્રમાણે એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટી ગત શુક્રવારના 24,530.90ના બંધ સામે 24,445.75ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન 24,362.30થી 24,595.20ની રેન્જમાં અથડાઈને અંતે આગલા બંધ સામે 21.65 પૉઈન્ટ અથવા તો 0.09 ટકા ઘટીને 24,509.25ની સપાટીએ બંધ રહ્યો હતો.

સૂત્રોના જણાવ્યાનુસાર ખાસ કરીને ઈન્ડેક્સ હેવી વેઈટ ગણાતી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીએ જાહેર કરેલા પહેલા ત્રિમાસિકગાળામાં ચોખ્ખા નફામાં પાંચ ટકાનો ઘટાડો થયો હોવાથી આજે શૅરના ભાવ 3.49 ટકા ઘટીને બંધ રહ્યા હતા. તેમ જ કોટક મહિન્દ્રા બૅન્કનાં પરિણામો બજારની અપેક્ષા કરતાં નબળા આવતા આજે શૅરના ભાવમાં 3.55 ટકાનો ઘટાડો નોંધાતા શૅર આંક વધુ દબાણ હેઠળ આવ્યા હતા. જોકે, એચડીએફસી બૅન્કમાં પરિણામો પશ્ચાત્‌‍ ભાવમાં જોવા મળેલા સુધારા અને ઈન્ફોસિસમાં સુધારો જોવા મળતાં શૅર આંકમાં ઘટાડો મર્યાદિત રહ્યો હોવાનું ટે્રડરોએ જણાવ્યું હતું.

એકંદરે આજે જાહેર થયેલા આર્થિક સર્વેક્ષણમાં નાણાકીય વર્ષ 2025 માટેનાં જીડીપીનો અંદાજ આગલા વર્ષના 8.2 ટકા સામે 6.50થી સાત ટકા જેટલો સાવચેતીપૂર્વકનો મૂકવામાં આવ્યો હોવાના નિર્દેશ ઉપરાંત રિલાયન્સના અપેક્ષા કરતાં નબળા પરિણામો આવ્યાં હોવાથી તેમ જ અંદાજપત્રની જાહેરાત પૂર્વે સાવચેતીના અભિગમને કારણે આજે બજારમાં ચંચળતા જોવા મળી હોવાનું જિઓજીત ફાઈનાન્સિયલ સર્વિસીસના રિસર્ચ હેડ વિનોદ નાયરે જણાવતાં ઉમેર્યું હતું કે અંદાજપત્રના આશાવાદ અને પ્રવર્તમાન ઊંચા વૅલ્યુએશન સામે કોર્પોરેટ પરિણામો નબળાં આવતાં ડાઉનગ્રેડિંગનાં જોખમોને કારણે પણ બજાર દબાણ હેઠળ રહ્યું હતું.

એકંદરે આજે આરંભિક તબક્કામાં જોવા મળેલા તીવ્ર ઘટાડા બાદ બૅન્કિંગ અને રિઅલ્ટી ક્ષેત્રના શૅરોમાં નીચા મથાળેથી લેવાલી નીકળતાં સત્રના અંતે સાધારણ ઘટાડા સાથે બજાર બંધ રહ્યું હતું. તેમ જ અંદાજપત્રની જાહેરાત પૂર્વે સાવચેતીનું વલણ રહ્યું હોવાનું મહેતા ઈક્વિટીઝ લિ.ના રિસર્ચ વિભાગના વાઈસ પ્રેસિડૅન્ટ પ્રશાંત તાપ્સેએ જણાવતાં ઉમેર્યું હતું કે આવતીકાલે બજારમાં અંદાજપત્રમાં પ્રસ્તાવોની રજૂઆત સાથે સેક્ટોરિયલ વધઘટ જોવા મળે તેવી શક્યતા છે.

પ્રાપ્ત આંકડાકીય માહિતી અનુસાર આજે બીએસઈ ખાતે 4152 શૅરમાં કામકાજ થયા હતા, જેમાં 2093 શૅરના ભાવ વધીને, 1923 શૅરના ભાવ ઘટીને અને 136 શૅરના ભાવ ટકેલા ધોરણે બંધ રહ્યા હતા. તેમ જ આજે 174 શૅરના ભાવ બાવન સપ્તાહની ઊંચી સપાટીએ અને 42 શૅરના ભાવ નીચી સપાટીએ બંધ રહ્યા હતા. તેમ જ આજે 30 શૅરમાં ઉપલી સર્કિટ અને 306 શૅરમાં નીચલી સર્કિટ લાગી હતી.

વધુમાં આજે સેન્સેક્સ હેઠળના 30 શૅર પૈકી 14 શૅરના ભાવ વધીને અને 16 શૅરના ભાવ ઘટીને બંધ રહ્યા હતા. આજે મુખ્ય વધનાર શૅરોમાં સૌથી વધુ 2.48 ટકાનો વધારો એનટીપીસીમાં જોવા મળ્યો હતો. ત્યાર બાદ અનુક્રમે અલ્ટ્રાટેક સિમેન્ટમાં 2.20 ટકાનો, એચડીએફસી બૅન્કમાં 2.10 ટકાનો, પાવરગ્રીડ કોર્પોરેશનમાં 1.96 ટકાનો, મહિન્દ્રા ઍન્ડ મહિન્દ્રામાં 1.95 ટકાનો અને ટાટા સ્ટીલમાં 1.65 ટકાનો સુધારો જોવા મળ્યો હતો. તેની સામે આજે કોટક મહિન્દ્રા બૅન્કમાં 3.55 ટકાનો સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો હતો.

આ સિવાય રિલાયન્સમાં 3.49 ટકાનો, આઈટીસીમાં 1.69 ટકાનો, સ્ટેટ બૅન્ક ઑફ ઈન્ડિયામાં 1.22 ટકાનો, એચસીએલ ટૅક્નોલૉજીમાં 1.03 ટકાનો અને બજાજ ફાઈનાન્સમાં 0.75 ટકાનો ઘટાડો આવ્યો હતો. વધુમાં આજે બીએસઈ મિડકેપ ઈન્ડેક્સમાં 1.27 ટકાનો અને સ્મોલકેપ ઈન્ડેક્સમાં 0.83 ટકાનો સુધારો જોવા મળ્યો હતો.

વધુમાં આજે બીએસઈ ખાતેના સેક્ટોરિયલ ઈન્ડાઈસીસમાં સીપીએસઈ ઈન્ડેક્સમાં 1.85 ટકાનો, પાવર ઈન્ડેક્સમાં 1.66 ટકાનો, ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઈન્ડેક્સમાં 1.52 ટકાનો, કેપિટલ ગૂડ્સ ઈન્ડેક્સમાં 1.51 ટકાનો, પીએસયુ ઈન્ડેક્સમાં 1.34 ટકાનો અને યુટીલિટી ઈન્ડેક્સમાં 1.33 ટકાનો સુધારો આવ્યો હતો, જ્યારે એનર્જી ઈન્ડેક્સમાં 0.67 ટકા, રિઅલ્ટી ઈન્ડેક્સમાં 0.53 ટકા, બૅન્કેક્સ અને એફએમસી ઈન્ડેક્સમાં 0.27 ટકા, ઑઈલ ઍન્ડ ગૅસ ઈન્ડેક્સ 0.12 ટકા અને આઈટી ઈન્ડેક્સ 0.07 ટકા ઘટીને બંધ રહ્યા હતા.

આજે એશિયાની બજારોમાં સિઉલ, ટોકિયો અને શાંઘાઈની બજારમાં નરમાઈનું વલણ રહ્યું હતું, જ્યારે હૉંગકૉંગની બજાર સુધારા સાથે બંધ રહી હતી. તેમ જ યુરોપની બજારોમાં પણ મધ્યસત્ર દરમિયાન સુધારો જોવા મળ્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button