આ તાવ વળી શું છે?
આરોગ્ય પ્લસ – સંકલન: સ્મૃતિ શાહ-મહેતા
અત્યારે ઋતુ પલટાઈ રહી છે. ગરમી ઘટી રહી છે -ઉનાળાએ સત્તાવાર વિદાય લીધી છે અને ચોમાસું ઝડપથી જામતું જાય છે. ઋતુના આ સંધિકાળ દરમિયાન લોકો જતજાતની બીમારીમાં સપડાતા હોય છે. આજે ઠેર ઠેર તાવ -વાઈરલ ફિવરના કિસ્સા વધી રહ્યા છે.
આ દુનિયામાં કોઈ પણ વ્યક્તિ એવી નહિ હોય કે, જેને જીવનમાં ક્યારેય તાવ આવ્યો જ ન હોય…! તાવ એ સર્વત્ર વ્યાપક વ્યાધિ છે, પરંતુ ખરી રીતે જોતા તાવ એ શરીરમાં જમા થયેલ વધારાના ઝેરી તત્ત્વો (Toxins)ને બહાર કાઢવાની એક કુદરતી પ્રક્રિયા છે. આમ છતાં, આજકાલ આપણે તાવથી એટલા બધા ભયભીત થઈ જઈએ છીએ કે, તાવ આવવાની સાથે જ તેનાથી બચવા માટે તરત જ દવાઓનો આશરો લઈ શરીર પર દવાઓનું આક્રમણ કરીએ છીએ, જેનાથી બે નુકળાન થાય છે.
(1) આપણી રોગપ્રતિકારક શક્તિ ગમે તેવા રોગ સામે લડવા માટે કુદરતી રીતે સક્ષમ છે. તેમજ તે બહારથી શરીરમાં આવેલ ગમે તેવા જીવાણુ (Bacteria) વિષાણુ (Virus) કે ચેપીજંતુઓ (Parasites) નો નાશ કરવા માટે કૃત્રિમ દવાઓ કરતાં અનેકગણી તાકાત ધરાવે છે. આપણું લીવર જ અનેક દવાઓ ઉત્પન્ન કરતી રાસાયણિક ફેક્ટરી છે. આમ છતાં, આપણે ભગવાનની આ અદ્ભુત ભેટનો બહિષ્કાર કરીને માત્ર બાહ્ય દવાથી તાવને રોકવા મથીએ છીએ અને આ જ દવાઓ રોગપ્રતિકારક શક્તિને કોઈ પણ પ્રકારના રોગ સામે લડવા માટે સક્ષમ રહેવા દેતી નથી.
(2) આયુર્વેદના મતે ચેપ (ઈન્ફેક્શન)થી શરીરમાં તાવ અમુક સમયે જ થતો હોય છે, પરંતુ મોટા ભાગે તાવ રસધાતુમાં ભેગા થયેલા `આમ’ (ઝેરી તત્ત્વો)ના કારણે જ થાય છે. બીજા શબ્દોમાં કહીએ તો મિથ્યા આહાર-વિહારથી પ્રકુપિત થયેલા દોષો આમાશયમાં આશ્રય કરીને રસની સાથે સંપૂર્ણ શરીરમાં જાય છે, અને કોષ્ઠાગ્નિને બહાર કાઢીને જ્વરની ઉત્પત્તિ કરે છે.
શરીરમાંથી જેવા આ ઝેરી તત્ત્વો બહાર નીકળી જાય કે તરત જ તાવ શમી જાય છે, પરંતુ આપણે દવાના અતિરેકથી માત્ર તાવનાં બાહ્ય લક્ષણોને જ દૂર કરીએ છીએ તેથી શરીરમાં ભેગો થયેલો આમ' તો એમ ને એમ જ રહે છે. આ કારણે તે સંચિત થયેલો
આમ’ એટલે કે ઝેરી તત્ત્વો ફરી ગમે ત્યારે તાવ જેવી કોઈ પણ બીમારીરૂપે પ્રગટ થાય છે.
આમ આમ'ના કારણે તાવ આવે તે દરમિયાન આહાર લેવામાં વિવેક રાખવો જોઈએ. તે વિવેક વિના આહાર લેવામાં આવે તો તે આહાર જ શરીરમાં જમા થયેલ
આમ’ને દૂર કરવામાં નડતરરૂપ થાય છે, કેમ કે જે આહારને લીધે તો શરીરમાં `આમ’ બન્યો હોય છે…! માટે તાવ આવે ત્યારે આહાર લેવામાં વિવેક રાખવો જરૂરી છે.
તાવમાં આહાર-વિવેક
તાવનો પ્રાથમિક ઉપચાર તો શરીરને આહારથી દૂર રાખી ઉપવાસ કરવો તે છે.
તાવમાં પ્રથમ ઉપવાસ કરવો, મધ્યમાં પાચન કરવું (યોગ્ય પાચન થાય તેવો હળવો આહાર લેવો) અને તાવના અંતમાં રેચન આપવું (પેટ સાફ કરવું) – આ તાવની ચિકિત્સા છે એમ આપણા વૈદિક શાસ્ત્રો પણ સૂચવે છે.
ઉપવાસથી શરીર જેવું `આમ’ રહિત થાય છે તેવું એ અન્ય કોઈ ઉપચારોથી થતું નથી.
જો કોઈ પણ કારણસર ઉપવાસ ન થઈ શકે તો સૂપ અને ફળોના રસ ઉપર રહેવું. લીંબુ અને મીઠાયુક્ત પાણી, એકદમ ઓછી ખાંડ નાખીને લઈ શકાય.
તાવ દરમ્યાન ગરમ કરેલું હૂંફાળું પાણી જ પીવું.
મેંદાની વાનગીઓ, ચરબીવાળા, ગળ્યાં, તીખા કે તળેલા પદાર્થો તેમજ ઠંડા પીણાં વગેરેનો સદંતર ત્યાગ કરવો.
દારૂ, ચા, કોફી, સોડા વગેરે નશીલાં પદાર્થોનો પણ ત્યાગ કરવો જોઈએ.
તાવ ઉતર્યા બાદ પ્રથમ 2 દિવસ મગનું ઓસામણ કે સૂપ લેવું. ત્યાર પછી અર્ધપ્રવાહી આહાર લેવો અને તે પછી નક્કર ખોરાક લેવાની શઆત કરવી.
હાં , એક વાત ખાસ યાદ રાખો
તાવનું યોગ્ય નિદાન કરાવ્યા બાદ અહીં દર્શાવેલા પ્રાથમિક ઉપચારોનો ઉપયોગ કરવો. જો વધુ પ્રમાણમાં તાવ હોય તો ચિકિત્સક -તબીબના માર્ગદર્શન મુજબ સારવાર લેવી.
આજના આધુનિક તબીબી વિજ્ઞાન મુજબ મોટા ભાગના તાવ જીવાણુ, વિષાણુ કે ચેપીજંતુના કારણે આવતા હોય છે.
હવે આ પણ જાણી લો કે શરદી-કફને લીધે પણ તાવ આવે છે..આના કેટલાંક લક્ષણ છે જેમકે ઝીણો તાવ આવવો. શરદી (નાક બંધ થઈ જવું અથવા નાકમાંથી પાણી પડવું.) છીંકો આવવી, ગળામાં દુ:ખાવો, ઉધરસ થવી, શરીર તૂટવું વગેરે. કારણ : મોટા ભાગે શરદી-કફ વધવાથી થતા ચેપને લીધે થાય છે.
આહાર: શક્ય હોય ત્યાં સુધી માત્ર ઉકાળેલું પાણી લઈ એક-બે ઉપવાસ કરવા. જો ઉપવાસ થઈ શકે તેમ ન હોય તો તાવ રહે તેટલા દિવસ માત્ર પ્રવાહી પર રહેવું, જેમ કે, ફ્રૂટજ્યૂસ, સૂપ, મગનું ઓસામણ વગેરે. ગળ્યું, ચીકણું તથા ભારે ન ખાવું. અતિ ઠંડા પાણી કે ખાદ્ય પદાર્થોના ઉપયોગ ન કરવો. આ સાવધાની પણ વર્તો. દર્દીએ ખાંસી કે છીંક આવે ત્યારે મોં અને નાક આગળ રૂમાલ કે હાથ રાખવો, જેથી વાઈરસના જંતુઓનો બીજાને ચેપ ન લાગે. દર્દીએ વાપરેલ કોઈ પણ વસ્તુનો ઉપયોગ બીજાએ ન કરવો. દર્દીએ પોતાના હાથને વારેવારે ધોવાનો આગ્રહ રાખવો. જેથી હાથ જંતુરહિત થાય અને બીજી કોઈ જગ્યાએ જંતુ ન ફેલાય.
તાવના ઉપચાર
(1) કોઈ પણ જાતનો તાવ આવ્યો હોય તો 10 ગ્રામ મીઠું ગરમ પાણીમાં દિવસમાં 3 વાર લેવાથી તાવમાં રાહત થાય છે.
(2) ફુદીનો, તુલસી અને આદુનો ઉકાળો પીવો.
(3) તુલસીના રસ અને મધ સાથે 1-1 ચમચી આદુ ને લીંબુનો રસ લેવો.
(4) તુલસી અને સૂરજમુખીના પાન વાટીને તેનો 25 મિ.લી. જેટલો રસ પીવાથી બધી જાતના તાવમાં રાહત થાય છે.
( 5) 10 ગ્રામ ધાણા અને 3 ગ્રામ સૂંઠ લઈ તેનો ઉકાળો બનાવી તેમાં મધ નાખી પીવું.
(6) સાતેક પાન તુલસીના, 7 પાન ફુદીનાના, 1 ગ્રામ મરીની ભૂકી, 10 ગ્રામ ગોળને 1 કપ પાણીમાં ઉકાળી, તેને ગાળીને સવાર-સાંજ પીવું.
( 7) હળદર, સૂંઠ, મરી અને તુલસીના પાનનું 5 ગ્રામ જેટલું ચૂર્ણ ગરમ પાણીમાં કે મધ સાથે લેવું.
આ બધા ઘરગથ્થુ ઉપચાર મોટાભાગે કમિયાબ નીવડે છે.