ભુજ: પશ્ચિમ કચ્છના રમણીય દરિયા કિનારે આવેલા માંડવી શહેરના વિન્ડ ફાર્મ બીચ ખાતે આજે ફરી એક વખત જીવલેણ અકસ્માતની ઘટના સર્જાઇ હતી. પ્રવાસીઓ માટે ખૂબ જ આકર્ષણનું કેન્દ્ર એવા માંડવીના રમણીય વિન્ડફાર્મ બીચ ઉપર ગાંધીધામથી ફરવા આવેલા બે યુવકો રફ બનેલા દરિયામાં તણાયા હતા. જો કે સ્થાનિક લોકોએ જીવન જોખમે બંનેને બચાવ્યા હતા.
પ્રાપ્ત વિગતો અનુસાર કચ્છના રમણીય દરિયા કિનારે આવેલા માંડવી શહેરના વિન્ડ ફાર્મ બીચ પર કચ્છના ગાંધીધામથી જ ફરવા આવેલા બે યુવકો ઇન્સ્ટા રીલ્સ બનાવી રહ્યા હતા. આ દરમ્યાન રફ બનેલા દરિયામાં બન્ને યુવકો તણાયા હતા. જો કે આ સમયે ત્યાં હાજર લોકોમાંથી કેટલાક સાહસિક લોકોએ જીવના જોખમે બચાવ્યા હતા. વરસાદી સિઝન અને પૂનમના સમયમાં ભારે તોફાની બનેલા સમુદ્રમાં પોતાના જીવનાઆ જોખમે યુવકોને બચાવીને જિંદગી બચાવી હતી.
આ પણ વાંચો: રીલ બનાવતી ટ્રાવેલ ઇન્ફ્લુએન્સરનું ખીણમાં પડી જતાં મૃત્યુ
આ બનાવ અંગે વધુ વિગતો આપતા અમરનાથ બાવાજીએ જણાવ્યું હતું કે, ગાંધીધામની એક કંપનીમાં નોકરી કરતાં સુનીલ રવિકુમાર શર્મા અને રવિકુમાર કિશોરીલાલ શર્મા નામના બે વ્યક્તિ વિન્ડફાર્મ બીચ પર રીલ્સ બનાવી રહ્યા હતા તે દરમ્યાન અચાનક આવી ચડેલું મોજું તેમને અંદર ખેંચી ગયું હતું. આ બનાવ તેમની નજરની સામે જ બન્યો હતો. આથી તેમણે અને નરેન સોની તેમજ અન્ય તરવૈયાઓએ તાત્કાલિક દરિયામાં ઝંપલાવી ડૂબી રહેલા યુવકોને જીવના જોખમે બહાર કાઢ્યા હતા.
દરિયામાંથી બહાર કઢાયા બાદ તેઓને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. ત્યારબાદ બંને યુવકોને માંડવીની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પરંતુ હોસ્પિટલમાં ફિઝિશિયન ડોક્ટર, આર્થોપેડીક ડોક્ટર તથા આંખના ડોક્ટરની જગ્યા લાંબા સમયથી ખાલી પડેલ હોવાથી તબીબી સુવિધા મેળવવામાં સમસ્યા સર્જાય હતી.