વડા પ્રધાનનો અવાજ દબાવવાનો બિનલોકતાંત્રિક પ્રયાસ: મોદીએ વિપક્ષની ઝાટકણી કાઢી
નવી દિલ્હી: સંસદ દળ (પક્ષ) માટે નથી, દેશ માટે છે એવું ભારપૂર્વક જણાવતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે વિપક્ષની ઝાટકણી કાઢી હતી અને કહ્યું હતું કે કેટલીક પાર્ટીઓએ નકારાત્મક રાજકારણ કરવાની હથોટી મેળવી છે અને તેમણે સંસદનો દુરુપયોગ તેમની રાજકીય નિષ્ફળતાને ઢાંકવા માટે કર્યો છે.
સંસદનું સત્ર શરૂ થવા પહેલાં પત્રકારો સાથે વાત કરતાં તેમમે કહ્યું હતું કે કેન્દ્રીય બજેટને મંગળવારે રજૂ કરવામાં આવશે અને તેમાં દેશની આગામી પાંચ વર્ષની દિશા તૈયાર કરવામાં આવશે અને 2047માં વિકસિત ભારતના સપનાને પૂર્ણ કરવા માટેનો પાયો નાખવામાં આવશે.
મોદીએ કહ્યું હતું કે લોકસભાની ચૂંટણીમાં લોકોએ તેમનો જનાદેશ આપી દીધોે છે. હવે બધી જ રાજકીય પાર્ટીએ મળીને આગામી પાંચ વર્ષ સુધી દેશ માટે સાથે મળીને લડવું જોઈએ.
આ પન વાચો : બિહારને મળનારા ‘વિશેષ દરજ્જા’ પર કેન્દ્ર સરકારે મૂક્યું પૂર્ણ વિરામ!
હું બધા જ સંસદસભ્યોને કહેવા માગું છું કે તેઓ ગમે તે પાર્ટીના હોય. જાન્યુઆરીથી આપણે ચૂંટણીનો જંગ લડી રહ્યા હતા. આપણે જનતાને જે સંદેશો આપવો હતો તે તેમના સુધી પહોંચાડ્યો. કેટલાકે દિશા દેખાડી જ્યારે કેટલાકે ગેરમાર્ગે દોર્યા. હવે તે સમયગાળો પૂરો થઈ ગયો છે. લોકોએ જનાદેશ આપી દીધો છે, એમ મોદીએ કહ્યું હતું.
હવે ચૂંટાયેલા બધા જ પ્રતિનિધિની અને રાજકીય પાર્ટીઓની જવાબદારી છે કે આપણે આપણી પાર્ટી માટે આપણે લડી ચૂક્યા હવે પાંચ વર્ષ માટે આપણે દેશ માટે લડવાનું છે અને જહેમત ઉઠાવવાની છે, એમ મોદીએ કહ્યું હતું.
વડા પ્રધાને બધા જ રાજકીય પક્ષોને પક્ષના સિમાડાથી ઉપર ઉઠીને સંસદને આગામી પાંચ વર્ષ માટે એક સમાન પ્લેટફોર્મ તૈયાર કરવાની હાકલ કરી હતી.
જાન્યુઆરી-2029માં જ્યારે ચૂંટણીનું વર્ષ હોય ત્યારે તમે ફરી ચૂંટણીના મેદાનમાં જઈ શકો છે અને તેના માટે સંસદનો પણ ઉપયોગ કરી શકો છો. તે છ મહિના માટે તમારે જે રમત રમવી હોય તે રમજો, પરંતુ ત્યાં સુધી ગરીબો, ખેડૂતો, યુવાનો અને મહિલાઓને સશક્ત કરવા માટે અને 2047નું સપનું પૂર્ણ કરવા માટેની ઝુંબેશ ચલાવવા માટે મથી પડો, એમ મોદીએ કહ્યું હતું.
મારે અત્યંત ખેદ સાથે કહેવું પડે છે કે 2014 પછી કેટલાક સાંસદો પાંચ વર્ષ માટે અને કેટલાક 10 વર્ષ માટે ચૂંટાયા, પરંતુ તેઓ સંસદમાં તેઓ પોતાના મંતવ્યો રજૂ કરી શક્યા નથી, કેમ કે કેટલાક લોકોએ પોતાની રાજકીય નિષ્ફળતાઓ છૂપાવવા માટે સંસદનો દુરુપયોગ કર્યો હતો, એમ તેમણે કહ્યું હતું.
તેમણે બધી જ પાર્ટીઓને અપીલ કરી હતી કે પહેલી વખત સંસદસભ્ય બનેલાઓને સંસદમાં બોલવાનો મોકો આપો અને તેમને તક આપો.
તેમણે એમ પણ કહ્યું હતું કે તમે સંસદનું પહેલું સત્ર જોયું હશે. બિનલોકતાંત્રિક પદ્ધતિઓનો ઉપયોગ કરીને દેશની 140 કરોડ જનતા દ્વારા સત્તા પર બેસાડવામાં આવેલી સરકારનો અઢી કલાક માટે અવાજ દબાવી દેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તેમને આ બાબતનો કોઈ ખેદ પણ નથી.
લોકોએ આપણને અહીં દેશ માટે મોકલ્યા છે, દળ માટે નહીં. સંસદ દળ માટે નથી, દેશ માટે છે. સંસદ ફક્ત સંસદસભ્યો માટે મર્યાદિત નથી, તે 140 કરોડ ભારતીયોની છે, એમ તેમણે ભારપૂર્વક કહ્યું હતું.
તેમણે એવી આશા વ્યક્ત કરી હતી કે બધા જ સંસદસભ્યો ચર્ચામાં ભાગ લેશે. (પીટીઆઈ)