લખનઉના ભાજપના વિધાનસભ્યના સરકારી ફ્લેટમાં યુવકની આત્મહત્યા, સામે આવ્યું કારણ
લખનઉના હઝરતગંજમાં બીજેપી વિધાનસભ્ય યોગેશ શુક્લાના સરકારી ફ્લેટમાં તેમના સોશિયલ મીડિયા ટીમના સભ્યએ ફાંસી લગાવી આત્મહત્યા કરી લેતા ખળભળાટ મચી ગયો છે. ઘટનાની માહિતી મળતાં પોલીસની ટીમ તપાસ માટે પહોંચી હતી, પોલીસ અધિકારીઓ દરવાજો તોડી અંદર ગયા અને મૃતદેહને નીચે ઉતાર્યો હતો. હઝરતગંજના પોલીસ અધિકારીએ જણાવ્યું કે બારાબંકી હૈદરગઢનો રહેવાસી 24 વર્ષીય શ્રેષ્ઠ તિવારી વિધાન સભ્ય યોગેશ શુક્લાના મીડિયા સેલમાં કામ કરતો હતો. યોગેશ શુક્લા લખનઉના બક્ષી કા તાલાબ વિસ્તારના છેલ્લા દોઢ વર્ષથી વિધાનસભ્ય છે.
વિધાન સભ્ય યોગેશ શુક્લાએ જણાવ્યું હતું કે શ્રેષ્ઠ ખુબજ કાર્યશીલ હતો, તે મીડિયા સેલનો પ્રભારી હતો. શ્રેષ્ઠ શનિવારે સાંજે 4 વાગ્યા સુધી મારી સાથે હતો. મને જાણ કરવામાં આવી હતી કે એપાર્ટમેન્ટનો દરવાજો અંદરથી બંધ હતો અને અંદરથી કોઈ જવાબ મળ્યો ન હતો. મને કોઈએ કહ્યું કે શ્રેષ્ઠે આત્યંતિક પગલું ભર્યું છે.
પોલીસ અધિકારીએ તપાસ બાદ જણાવ્યું કે, શ્રેષ્ઠે આત્મહત્યા કરતા પહેલા તેની ગર્લફ્રેન્ડ સાથે વીડિયો કોલ પર વાત કરી હતી. આ દરમિયાન જ્યારે કોઈ વિવાદ થતા વીડિયો કોલ દરમિયાન જ ગાળામાં દોરડું નાંખી કહ્યું કે તે આત્મહત્યા કરવા જઈ રહ્યો છે. આ જોઈને ગર્લફ્રેન્ડ ફ્લેટ પર પહોંચી, પરંતુ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ચૂક્યું હતું. શ્રેષ્ઠના ભાઈએ તેની પ્રેમિકા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
બારાબંકીથી લખનઉ પહોંચેલા શ્રેષ્ઠના નાના ભાઈએ જણાવ્યું હતું કે, પોલીસ કહી રહી છે કે એને પ્રેમ સંબંધને કારણે આ પગલું ભર્યું પણ અમે આ માનતા નથી. તે અમારી સાથે મુક્તપણે વાત કરતો , તેણે ક્યારેય કોઈ સંબંધ વિશે વાત કરી ન હતી. શ્રેષ્ઠની નજીકના સૂત્રએ જણાવ્યું હતું કે શ્રેષ્ઠ વધારે પડતા કામના દબાણ હેઠળ હતો.
પોલીસના જણવ્યા મુંબ શ્રેષ્ઠ તિવારી અને પ્રેમિકા યુવતી લગભગ ચાર વર્ષ પહેલા મિત્ર બન્યા હતા. ત્યારપછી પ્રેમસંબંધ શરૂ થયો. ઘટનાના થોડા કલાકો પહેલા બંનેએ સેલ્ફી લીધી હતી. ઇન્સ્ટાગ્રામ પર સ્ટેટસ પોસ્ટ કર્યું. તેના થોડા કલાકો બાદ શ્રેષ્ઠે ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી.
ઉલ્લેખનીય છે કે મે 2021 માં, મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ હેન્ડલ કરનાર 28 વર્ષીય પાર્થ શ્રીવાસ્તવે લખનઉમાં તેના પોતાના ઘરમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. પોલીસે તેણે આત્મહત્યા ગણાવી હતી.
પાર્થે આત્મહત્યા કર્યાની થોડી મિનિટો પહેલાં એક ટ્વિટ પોસ્ટ કર્યું હતું, જેમાં કેટલાક રાજકારણીઓ અને અધિકારીઓને ટેગ કર્યા હતા, જેમાં તેણે બે સિનિયરો પર હેરાનગતિ કરવાનો આરોપ મૂક્યો હતો. પાર્થે કથિત સુસાઈડ નોટમાં લખ્યું હતું કે “મારી આત્મહત્યા એક હત્યા છે.” પોલીસે બે સિનીયરની સામે ગુનો નોંધ્યો હતો પરંતુ તેમની ધરપકડ કરી ન હતી.