ભાંડુપમાં પતિની ગળું દબાવીને હત્યા: ગુમ પત્ની સામે શંકા
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ભાંડુપમાં નિર્માણાધીન ઈમારતમાં કપડાથી ગળું દબાવી શ્રમિકની હત્યા કરવામાં આવી હતી. ઘટના બાદથી મૃતકની પત્ની ગુમ હોવાથી પોલીસે શંકાને આધારે તેની શોધ હાથ ધરી હતી.
ભાંડુપ પોલીસના જણાવ્યા મુજબ મૃતકની ઓળખ જલાલ મંડલ (33) તરીકે થઈ હતી. ભાંડુપ પશ્ર્ચિમમાં કોકણ નગર પરિસરમાં આવેલી ઈમારતના ત્રીજા માળેની રૂમમાંથી રવિવારે મંડલનો કોહવાયેલો મૃતદેહ મળી આવ્યો હતો.
આ પ્રકરણે નવી મુંબઈના ઘણસોલીમાં રહેતા અને ક્ધસ્ટ્રક્શન સાઈટ પર શ્રમિકો પૂરા પાડનારા ગણેશ દાનવલેએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. રવિવારે સાઈટ પર આવેલા દાનવલેએ શ્રમિકો સાથે ચર્ચા કરી હતી. ત્રીજા માળે આવેલી રૂમમાંથી દુર્ગંધ આવતી હોવાની ફરિયાદ શ્રમિકોએ કરતાં દાનવલે તપાસ કરવા ગયો હતો. શ્રમિકોની મદદથી દરવાજો તોડવામાં આવતાં મંડલનો કોહવાયેલો મૃતદેહ મળી આવ્યો હતો.
આ પણ વાંચો: ગેટવે ઓફ ઇન્ડિયા ખાતે દરિયામાં ઝંપલાવી હીરાવેપારીની આત્મહત્યા
ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે મંડલના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે રાજાવાડી હૉસ્પિટલમાં મોકલી આપ્યો હતો. ઘટનાસ્થળેથી પોલીસને એક લાલ કપડું મળ્યું હતું, જેનાથી ગળું દબાવી મંડલની હત્યા કરવામાં આવી હોવાનું પોલીસનું માનવું છે.
શ્રમિકોના જણાવ્યા મુજબ મંડલ સાથે તેની પત્ની રોઝીના બીબી પણ રહેતી હતી. જોકે ઘટના બાદથી તે ગુમ હોવાથી પોલીસ શંકાને આધારે તેની શોધ ચલાવી રહી છે. નિર્માણાધીન ઈમારતમાં કામ કરનારા શ્રમિકો ઈમારતમાં જ રહેતા હોવાનું પોલીસને જાણવા મળ્યું હતું. આ પ્રકરણે ભાંડુપ પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.