મધ્ય પ્રદેશના રીવામાં બે મહિલાને જીવતી દાટી દેવાના બનાવે હચમચાવ્યો દેશને

ભોપાલઃ દેશ આઝાદ થયા બાદ મહિલાઓ પરના અત્યાચારના બનાવો બનતા આવ્યા છે અને અમુક ઘટનાઓ માણસાઈને શર્મસાર કરનારી હોય છે. આવી જ ઘટના મધ્ય પ્રદેશના રીવા જિલ્લામાં બની છે જ્યાં પોતાની જમીન પર રોડ રસ્તો બનાવતા લોકોનો વિરોધ કરતી બે મહિલાને ઊંડો ખાડો ખોદી જીવતી દાટી દેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ ઘટનાએ દેશભરમાં ખળભળાટ મચાવ્યો છે અને વિપક્ષે મધ્ય પ્રદેશની ભાજપશાસિત સરકાર પર સવાલ ઊભા કર્યા છે.
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયો બાદ બહાર આવેલી હકીકતો અનુસાર ખાનગી જમીન પર રોડ બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો. આશા પાંડે અને મમતા પાંડે આ બાબતનો વિરોધ કરી રહી હતી. ડમ્પર રસ્તા પર માટી નાંખવા માટે આગળ વધ્યું કે તરત જ મહિલાઓ તેની પાછળ જઈ ઊભી રહી ગઈ.
તે જ સમયે ડમ્પર ચાલકે આ મહિલાઓ પર માટી ભરેલી ટ્રોલી ખોલી નાખતા મહિલાઓ માટી નીચે દટાઈ ગઈ હતી. ગ્રામજનોની મદદથી દટાયેલી મહિલાઓને બહાર કાઢવામાં આવી હતી. જો થોડો વિલંબ થયો હોત, તો મહિલાઓ મૃત્યુ પામી શકે છે.
આ પણ વાંચો: ભારતની પ્રથમ મહિલા આઈપીએસ અધિકારી કિરણ બેદી
ત્રણ લોકો સામે કેસ નોંધાયો
પોલીસના જણાવ્યા અનુસાર આ કેસ પારિવારિક મતભેદોનો છે. જમીન મામલે પરિવારમાં મતભેદ ચાલી રહ્યા છે. આ કેસમાં પોલીસે ડમ્પર કબજે કર્યું છે. આરોપી વિપિન પાંડેની પોલીસે અટકાયત કરી છે, જ્યારે અન્ય બે આરોપીઓની શોધખોળ ચાલી રહી છે. મહિલાઓની પણ હોસ્પિટલમાં સારવાર કરવામાં આવી હતી, જ્યાંથી તેમને રજા આપવામાં આવી છે.
અહીં ફરિયાદી આશા પાંડેના પતિ સુરેશ પાંડે (25 વર્ષ)એ પોલીસને જણાવ્યું હતું કે તેમનો તેમના પિતા ગૌકરણ પાંડે સાથે તેમની સહિયારી જમીન પર રસ્તાના અધિકારને લઈને વિવાદ છે. શનિવારે બપોરે લગભગ 2 વાગ્યે, ગૌકરણ પાંડે અને સાળો વિપિન પાંડે વિવાદિત જમીન પર રસ્તો બનાવવા માટે હૈવાથી માટી લઈ આવ્યા હતા.
બન્ને મહિલાએ વિરોધ કરતા ડ્રાયવરે ટ્રક ખોલી તેમના પર માટી નાખી દેતા એક મહિલા છાતી સુધી અને બીજી મહિલા ગરદન સુધી માટીમાં ગરકાવ થઈ ગયા હતા. ગ્રામજનોએ તેમને બચાવી હૉસ્પિટલ ખસેડ્યા હતા. પોલીસ પણ દોડી આવતા તપાસ ચાલુ છે.
કૉંગ્રેસે કર્યા પ્રહાર
દરમિયાન કૉંગ્રેસે મધ્ય પ્રદેશની ભાજપ સરકારની ઘોર ટીકા કરી હતી. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જીતુ પટવારીએ કહ્યું કે રીવા જિલ્લામાં બનેલી આ ઘટનાએ ફરી એકવાર ભાજપના શાસનમાં મહિલાઓની સુરક્ષા પર ગંભીર સવાલો ઉભા કર્યા છે. તેમણે સરકાર પાસેથી મહિલાઓ ન્યાયની અપેક્ષા રાખી શકે કે નહીં તેવો સવાલ પણ કર્યો છે.