નેશનલ

ચેન્નાઇના પ્લાન્ટમાં આગ ફાટી નીકળ્યા પછી આઇફોન મેકર પેગાટ્રોને ઉત્પાદન અસ્થાયીરૂપે બંધ કર્યુ

ચેન્નાઇઃ એપલ સપ્લાયર પેગાટ્રોને રવિવારે રાત્રે આગની ઘટના બાદ સોમવારે તામિલનાડુમાં તેની ફેસિલિટી ખાતે આઇફોન એસેમ્બલીને અસ્થાયી રૂપે અટકાવી દીધી હતી. તાઈવાનની કંપનીએ તમિલનાડુમાં ચેન્નાઈ શહેરની નજીકની ફેક્ટરીમાં તમામ પાળીઓ બંધ કરી દીધી છે, અને ઉત્પાદન સુવિધા ફરીથી ક્યારે કાર્યરત થશે એ અંગે કોઇ માહિતી આપવામાં નથી આવી, એમ સૂત્રોએ ઉમેર્યું હતું.

ભારતમાં એપલના આઈફોનના ઉત્પાદનમાં પેગાટ્રોનનો હિસ્સો 10 ટકા છે. એક અંદાજ મુજબ એપલ આ વર્ષે ભારતમાં નવ મિલિયનથી વધુ iPhone વેચશે. સ્થાનિક ઉત્પાદન માટે ભારત સરકારના દબાણને ધ્યાનમાં લઇને Apple Inc એ દક્ષિણ એશિયાઈ રાષ્ટ્ર ભારત પર મોટો દાવ લગાવીને 2017 માં વિસ્ટ્રોન અને પછી ફોક્સકોન દ્વારા ભારતમાં iPhoneની એસેમ્બલી શરૂ કરી છે. પેગાટ્રોને ગયા વર્ષે સપ્ટેમ્બરમાં તામિલનાડુ ખાતે ભારતમાં iPhone એસેમ્બલી શરૂ કરી હતી.


જોકે, ભારતમાં આઇ ફોનના સ્થાનિક ઉત્પાદનને કારણે અનેક લોકોના પેટમાં તેલ રેડાયું છે અને તેઓ યેનકેન પ્રકારે આ ઉત્પાદન પ્રક્રિયા ખોરવી નાખવાની વેતરણમાં રહે છે. 2020માં વિસ્ટ્રોન પ્લાન્ટમાં કામદારોની અશાંતિનો મામલો સપાટી પર આવ્યો હતો. 2021માં ફોક્સકોનની ફેસિલિટીમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બની હતી.


આ વર્ષે ફેબ્રુઆરીમાં, આઇફોન ચાર્જિંગ કેબલ માટે ફોક્સલિંકના દક્ષિણ ભારતીય એકમમાં આગ લાગવાથી તેને ઉત્પાદન અટકાવવાની ફરજ પડી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button