નાના બાળકોના હાથમાં મોબાઈલ આપતા પહેલા આ કાળજુ કંપાવનારી ઘટના વિશે જાણી લો

મુરૈનાઃ સમજણા કે 6 7 વર્ષના નહીં પણ એક વર્ષ પૂરું ન થયું હોય તેવા બાળકોને પણ જમતા જમતા મમ્મીઓ મોબાઈલ બતાવતી હોય છે. ત્રણેક વર્ષના બાળકના હાથમાં મોબાઈલ હોવો સાવ જ સામાન્ય વાત થઈ ગઈ છે. એક તરફ બાળક માનતું નથી અને બીજી બાજુ મમ્મીઓ કે પરિવારજનો પણ તેને શાંત બેસાડી રાખવા હાથમાં મોબાઈલ આપી છુટ્ટા થઈ જાય છે ત્યારે નાસમજ બાળકોના હાથમાં મોબાઈલ આપવો કેટલો જોખમી કે ગંભીર છે તે સમજવા મધ્ય પ્રદેશના મુરૈનામાં બનેલો એક હચમચાવી નાખનારો કિસ્સો જાણવા ને સમજવા જેવો છે.
અહીંના એક સીમાડા ભાગના ખેતરમાં 10-11 વર્ષના ચાર-પાંચ બાળકો રમી રહ્યા હતા. બાળકોએ મોબાઈલમાં રીલ બનાવવાનું નક્કી કર્યું. આ માટે તેમણે ફાંસી પર ચડતા માણસની રીલ બનાવવા માટે એક બાળકને ગળામાં રસ્સી બાંધી ઝાડ સાથે લટકાવ્યો. નીચે સીમેન્ટેડ પાળી હતી, જેના પર ઊભીને બાળક ફાંસી પર ચડ્યાનો ડ્રામ કરી રહ્યો હતો. અચાનક તેનો પગ પાળી પરથી લપસી ગયો અને રસ્સી ખેંચાતા વાર ન લાગી. બાળક સુનમુન બની ગયો. તેને જોઈને બીજા છોકરાઓ ગભરાઈ ગયા અને ત્યાંથી નાસી છૂટ્યા. આ વાતની પરિવારજનોને ખબર પડતા તે દોડી આવ્યા ને બાળકને હૉસ્પિટલ લઈ ગયા, પણ તે મરી ચૂક્યો હતો. અહીંના અંબાહ પોલીસ સ્ટેશનને જાણ કરવામા આવી. બાળકનું પોસ્ટમોર્ટ્મ થશે અને ત્યારબાદ આગળની કાર્યવાહી હાથ ધરાશે.
આ પણ વાચો : રીલ બનાવતી ટ્રાવેલ ઇન્ફ્લુએન્સરનું ખીણમાં પડી જતાં મૃત્યુ
આ ઘટના ગઈકાલ સાંજની હતી, પરંતુ આજે સવારે વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. લોકોમાં અરેરાટી ફાંટી ગઈ છે. કાન્હાના નામે ઓળખાતા કરણ પરમાર (11)નું આ રીતે મોત જોયા બાદ દરેકને પોતાના સંતાનની ચિંતા થવા લાગી છે ત્યારે માતા-પિતા, મનોચિકિત્સકોએ મોબાઈલના વણગણનો ઈલાજ શોધવાની જરૂર છે