ઓટાવાઃ ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા પાછળ ભારત સરકારનો હાથ હોવાના કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોના આક્ષેપો વચ્ચે ડઝનબંધ ખાલિસ્તાન સમર્થકોએ વાનકુવરમાં ભારતીય વાણિજ્ય દૂતાવાસની બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. દેખાવકારોએ ખાલિસ્તાની ઝંડા લહેરાવ્યા હતા અને સૂત્રોચ્ચાર કર્યા હતા. તેમાંથી કેટલાકે ભારતીય વાણિજ્ય દૂતાવાસની બહાર ડસ્ટબીનમાં ભારતીય ધ્વજ સળગાવી દીધો હતો. ટોરોન્ટોમાં પણ આવા જ વિરોધ પ્રદર્શનો થયા હતા.
દેખાવકારોએ નિજ્જરના મૃત્યુને “હત્યા” તરીકે વર્ણવ્યું હતું અને આ કેસની જાહેર તપાસની માંગ કરી હતી. કેનેડાના અન્ય શહેરોમાં પણ ખાલિસ્તાન સમર્થકો દ્વારા વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું.
અગાઉ, વાનકુવર પોલીસ વિભાગે ખાલિસ્તાન સમર્થકો દ્વારા આયોજિત વિરોધને ધ્યાનમાં રાખીને વાનકુવરમાં ભારતીય વાણિજ્ય દૂતાવાસની આસપાસનો રસ્તો બંધ કરી દીધો હતો. હોવ સ્ટ્રીટ પર વાનકુવર બિલ્ડિંગમાં ભારતીય કોન્સ્યુલેટના પ્રવેશદ્વારને અવરોધિત કરીને બેરિકેડ ગોઠવવામાં આવ્યા હતા.
નોંધનીય છે કે જસ્ટિન ટ્રુડોએ કેનેડામાં ખાલિસ્તાન ટાઈગર ફોર્સના વડા હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારતનો હાથ હોવાનો આરોપ લગાવ્યા બાદ ભારત અને કેનેડા વચ્ચેના સંબંધો વણસ્યા છે.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને