નથી રોકાતો ચાંદીપુરાઃ હવે કચ્છના નખત્રાણામાં દોઢ વર્ષની બાળકીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો

ભુજઃ ગુજરાતમાં ૦થી ૧૪ વર્ષના બાળકોને ઝપટમાં લેનારા ચાંદીપુરા વાયરસે હાહાકાર મચાવ્યો છે તેવામાં સીમાવર્તી કચ્છના નખત્રાણા તાલુકાના દેવપર ગામમાં એન્કેફેલાઈટીસ વાયરસનો એટલે કે ચાંદીપુરાનો કેસ નોંધાતા હરકતમાં આવી ગયેલા આરોગ્ય તંત્રએ બીમાર બાળકીને ભુજની જી.કે.જનરલ હોસ્પિટલમાં ખાસ બનાવાયેલા વોર્ડમાં દાખલ કરી છે.

આ અંગે જિલ્લા આરોગ્ય અધિકારી રવિન્દ્ર ફુલમાલિએ જણાવ્યુ હતું કે, ગત ૧૮મી જુલાઈના રોજ નખત્રાણા તાલુકાના દેવપર(યક્ષ) ગામ નજીકના વાડી વિસ્તારમાં રહેતા એક પરિવારની દોઢ વર્ષની બાળકીને પ્રથમ તાવ આવતા નખત્રાણાની દેવાશિષ નામની ખાનગી હોસ્પિટલમાં સારવાર લીધા બાદ ભુજની જી.કે જનરલ હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી. જ્યાં તેને ચાંદીપુરા વાયરસના લક્ષણ દેખાતા તેનાં સેમ્પલ પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા હતા, જેમાં તેનો રિપોર્ટ આજે પોઝિટિવ આવ્યો છે. હાલ બાળકીની તબિયત સ્થિર છે અને સારવાર ચાલી રહી છે. તબીબો બચાવના પ્રયાસમાં જહેમત લઈ રહ્યા છે. ચાંદીપુરા કેસના પગલે વાયરસ નિયંત્રણના પગલાં લેવામાં આવી રહ્યા હોવાનું તેમણે ઉમેર્યું હતું.
ગણતરીના દિવસોમાં જ રાજ્યમાં ૮૪થી વધુ કેસ અને ૩૨ જેટલા બાળકોના સેન્ડફ્લાયથી ફેલાતા ચાંદીપુરા વાયરસને લીધે મોત નિપજતાં સતર્ક થયેલા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા અગાઉથી તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યા છે. ભુજમાં બાળરોગ નિષ્ણાતોની બેઠક બોલાવી, જિલ્લાના વિવિધ મેડિકલ સંગઠનો સાથે બેઠક યોજી તકેદારીના પગલા બાબતે ચર્ચા કરાઈ હતી. આ વાયરસના શંકાસ્પદ લક્ષણો ધરાવતો કોઈ પણ કેસ ખાનગી હોસ્પિટલમાં આવે તો તાત્કાલિક તેને જી.કે.જનરલ હોસ્પિટલમાં રીફર કરવા સૂચના અપાઈ છે. લોકોએ ગભરાયા વિના સાવચેતી રાખવી અને આરોગ્ય તંત્રને સહકાર આપવા અનુરોધ કરાયો છે. કચ્છ જેવા દેશના બીજા નંબરના સૌથી મોટા જિલ્લામાં શંકાસ્પદ કેસ સામે આવ્યા બાદ અગમચેતીના ભાગ રૂપે સરવેની કામગીરી વધારી દેવાઇ છે.
ચાંદીપુરાનો શંકાસ્પદ કેસ દેખાયો હોવાની સૂચના મળતાં દેવપર ગામ દોડી ગયેલા જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ડો કેશવકુમાર સિંઘે સર્વે કરવા સાથે જ્યાં જ્યાં માટીના લીંપણમાં તિરાડો જોવા મળી છે ત્યાં દવા છંટકાવ તેમજ તકેદારીના ભાગરૂપે નખત્રાણા તાલુકામાં સર્વે સાથે રોગ અટકાયતી પગલાં ભરવામાં આવશે તેમ જણાવ્યું હતું.