સ્પોર્ટસ

વેસ્ટ ઇન્ડિઝ એક જ સેશનમાં દસેદસ વિકેટ ગુમાવીને હાર્યું: ઇંગ્લેન્ડ સિરીઝ જીત્યું

સ્પિનર બશીરની પાંચ વિકેટ: એન્ડરસનનો 21 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો

નૉટિંગહૅમ: ઇંગ્લેન્ડે રવિવારે વેસ્ટ ઇન્ડીઝને ચોથા દિવસે સતત બીજી ટેસ્ટમાં પણ હરાવીને ત્રણ મૅચવાળી સિરીઝમાં 2-0ની વિજયી સરસાઈ સાથે ટ્રોફી પર કબજો કરી લીધો હતો. કૅરિબિયન ટીમે તમામ 10 વિકેટ લગભગ એક જ સેશનની અંદર માત્ર 82 રનમાં ગુમાવી દીધી હતી.

લોર્ડ્સની પ્રથમ ટેસ્ટ એક દાવ અને 114 રનથી જીતી લેનાર બેન સ્ટોકસની ટીમે ક્રેગ બ્રેથવેઇટની ટીમને જીતવા 385 રનનો તોતિંગ ટાર્ગેટ આપ્યો હતો. વેસ્ટ ઈન્ડિઝનો સ્કોર એક તબક્કે 13.1 ઓવરમાં વિના વિકેટે 61 રન હતો. જોકે પછીની 23 ઓવરમાં ફક્ત 82 રનમાં તમામ 10 વિકેટ પડી ગઈ હતી.

બ્રિટિશ સ્પિનર શોએબ બશીર હોમ-ગ્રાઉન્ડ પર ટેસ્ટના એક દાવમાં પાંચ વિકેટ લેનાર ઇંગ્લૅન્ડનો યંગેસ્ટ બોલર બન્યો છે. તેણે તાજેતરમાં જ રિટાયર થયેલા પેસ-લેજન્ડ જેમ્સ ઍન્ડરસનનો વિક્રમ તોડી નાખ્યો છે.

ઍન્ડરસને 2003માં ઝિમ્બાબ્વે સામે કરીઅરની પહેલી જ ટેસ્ટના પ્રથમ દાવમાં પાંચ વિકેટ લીધી હતી ત્યારે 21 વર્ષનો હતો. બશીર 20 વર્ષનો છે.

બશીરે એક રીતે તેના જ દેશના સ્પિનર મોઈન અલીની બરાબરી પણ કરી છે. ઘરઆંગણાની પિચ પર ટેસ્ટના ચોથા દાવમાં ઇંગ્લૅન્ડના બોલરનો બેસ્ટ પર્ફોર્મન્સ છેલ્લે મોઈન અલીનો હતો જેણે 2017માં લોર્ડ્સમાં સાઉથ આફ્રિકા સામે 53 રનમાં છ વિકેટ લીધી હતી. બશીરે રવિવારે વેસ્ટ ઈન્ડિઝ સામે 41 રનમાં પાંચ વિકેટ લીધી હતી.

વેસ્ટ ઈન્ડિઝના બૅટર્સમાં કેપ્ટન ક્રેગ બ્રેથવેઇટના 47 રન હાઇએસ્ટ અને ભૂતપૂર્વ સુકાની જેસન હોલ્ડરના 37 રન સેકન્ડ હાઈએસ્ટ હતા. પહેલા દાવમાં 120 રન બનાવનાર કેવમ હૉજ અને 82 રન બનાવનાર ઍલિક અથાનેઝ રવિવારે અનુક્રમે ઝીરોમાં અને એક રને આઉટ થઈ ગયા હતા. બશીરની પાંચ વિકેટ ઉપરાંત ક્રિસ વૉક્સ તથા ગસ ઍટકિન્સને બે-બે વિકેટ લીધી હતી.

પહેલા દાવમાં 121 રન અને બીજા દાવમાં 51 રન બનાવનાર ઑલી પોપને મૅન ઑફ ધ મૅચનો અવૉર્ડ આપવામાં આવ્યો હતો.

ઇંગ્લૅન્ડે પ્રથમ દાવમાં 416 રન અને બીજા દાવમાં 425 રન બનાવ્યા હતા. ક્રિકેટના જનક ગણાતા ઇંગ્લૅન્ડના ટેસ્ટ ઇતિહાસમાં પહેલી વાર 400 રન જોવા મળ્યા છે. વેસ્ટ ઈન્ડિઝે પ્રથમ દાવમાં 457 રન બનાવીને 41 રનની લીડ લીધી હતી છતાં હારી ગયું, કારણકે તેમને બીજી ઇનિંગ્સમાં જો રૂટ (122 રન) અને હૅરી બ્રુક (109 રન) સેન્ચુરી ભારે પડી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button