નેશનલસ્પેશિયલ ફિચર્સ

શ્રાવણના પ્રથમ સોમવારે ભક્તિમય બન્યું વાતાવરણ, શિવ મંદિરોમાં ઉમટી ભક્તોની ભીડ

હિંદુ ધર્મમાં શ્રાવણના પહેલા સોમવારનું વિશેષ મહત્વ છે. તેને ‘શ્રાવણ સોમવાર‘ કહેવામાં આવે છે. આ દિવસે ભગવાન શિવની પૂજા કરવાથી વિશેષ પુણ્ય મળે છે અને તેમના આશીર્વાદ મળે છે. દેશના હિંદુ બેલ્ટમાં(હિંદીભાષી) આવતા ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્ય પ્રદેશ વગેરે જેવા રાજ્યોમાં આજથી શ્રાવણ મહિનાની શરૂઆત થઇ ગઇ છે. ગુજરાત અને મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં શ્રાવણ મહિનો 15 દિવસ મોડો એટલે કે પાંચમી ઓગસ્ટથી શરૂ થશે. શ્રાવણ માસની શરૂઆત થતાની સાથે જ ચારેબાજુ વાતાવરણ શિવમય બની ગયું છે. પ્રથમ સોમવારના કારણે શિવભક્તોમાં વિશેષ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તમામ ભક્તો તેમના પ્રિય ભગવાન શિવની પૂજા કરવા માટે મંદિરોમાં ઉમટી રહ્યા છે, જેને કારણે શિવ મંદિરોમાં ભારે ભીડ જોવા મળી રહી છે.

મહાકાલની નગરી ઉજ્જૈનમાં આવેલા મહાકાલ મંદિરમાં પણ શિવપૂજા માટે વિશેષ તૈયારીઓ કરવામાં આવી હતી. શ્રાવણ માસના પ્રથમ સોમવાર નિમિત્તે મહાકાલેશ્વર મંદિર ખાતે આરતી કરવામાં આવી હતી.

દેવઘરમાં બાબા બૈદ્યનાથના જળાભિષેક માટે ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. કાશી વિશ્વનાથ મંદિરમાં શ્રાવણનાં પ્રથમ સોમવારના અવસરે બાબા વિશ્વનાથને અભિષેક કરવામાં આવ્યો હતો. કાનપુરના નાગેશ્વર મંદિરમાં ભોલે બાબાની પણ શ્રદ્ધાપૂર્વક પૂજા કરવામાં આવી હતી. રાજધાની દિલ્હીના ચાંદની ચોકના ગૌરી શંકર મંદિરમાં પણ ભગવાન શિવની પૂજા કરવા માટે ભક્તોની ભારે ભીડ ઉમટી રહી છે.

શ્રાવણ મહિનામાં શિવ ભક્તિ અને ઉપાસનાનું વિશેષ મહત્વ છે. દર સોમવારે ભગવાન શિવની વિશેષ પૂજા કરવાથી ભક્તોને વિશેષ ફળ મળે છે. આ દિવસે ભગવાન શિવનું ધ્યાન કરવું, મંત્રોનો જાપ કરવો અને તેમની પૂજા કરીને આશીર્વાદ મેળવવાનું મહત્વપૂર્ણ છે. આ સિવાય શ્રાવણ મહિનામાં ભગવાન શિવને જળ અભિષેક કરવો પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે.

હિંદુ ધર્મમાં શ્રાવણનો પહેલો સોમવાર અનોખો અને મહત્વનો દિવસ માનવામાં આવે છે. શ્રાવણના પ્રથમ સોમવારે ભગવાન શિવની પૂજા વિધિમાં જળ અભિષેક, મંત્ર જાપ અને ધ્યાનનો સમાવેશ થાય છે. ભક્તો પણ આ દિવસે ખાસ કરીને ભગવાન શિવના આશીર્વાદ મેળવવા માટે ઉપવાસ રાખે છે. આ દિવસ ભક્તિ અને આદર સાથે ઉજવવામાં આવે છે, જે ભક્તોને માનસિક શાંતિ અને આધ્યાત્મિક લાભ આપે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button