આગામી 2-3 કલાકમાં ભારે વરસાદની શક્યતા; IMD એલર્ટ વચ્ચે NDRF તૈનાત
મુંબઇઃ ચોમાસાના વરસાદે મુંબઈમાં જીવનને ગંભીર અસર કરી છે, અને ભારતીય હવામાન વિભાગ (IMD) એ આગામી 2-3 દિવસ માટે ભારે વરસાદની આગાહી કરી છે. IMDએ મુંબઈ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે અને સોમવારે શહેરમાં ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે 23 જુલાઈ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.
રવિવારે સવારથી જ મુંબઇમાં ભારે વરસાદ ચાલુ છે. મુંબઈ અને તેના ઉપનગરોમાં 21 જુલાઈના રોજ રાત્રે 8 વાગ્યા સુધીના 12 કલાકમાં 100 મીમીથી વધુ વરસાદ નોંધાયો હતો.
સોમવારે સવારે 8 વાગ્યે પૂરા થતા 24 કલાકમાં મુંબઈના કેટલાક ભાગોમાં 200 મીમીથી વધુ વરસાદ નોંધાયો હતો. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઓટોમેટિક વેધર સ્ટેશન મુજબ, સૌથી વધુ વરસાદ ટ્રોમ્બે (241 મીમી), ત્યારબાદ વડાલા (223 મીમી), ઘાટકોપર (215 મીમી), વરલી (204 મીમી), શીવરી (203 મીમી) અને બીકેસીમાં (199 મીમી) નોંધાયો હતો. IMDની સાંતાક્રુઝ વેધશાળાએ રવિવાર અને સોમવારની સવારની વચ્ચે 176 મીમી વરસાદ નોંધ્યો હતો જ્યારે કોલાબા સ્ટેશને 71 મીમી વરસાદ નોંધાયો હતો.
આજે દિવસભર મુંબઇમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી બેથી ત્રણ કલાકમા ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. નાગરિકોને જ્યાં સુધી જરૂરી ન હોય ત્યાં સુધી ઘરની અંદર રહેવાની સલાહ આપવામાં આવી છે. નવી મુંબઈમાં હાઈ ટાઈડને કારણે બપોરનું સત્ર ધરાવતી શાળાઓ બંધ રાખવાના આદેશ જારી કરવામાં આવ્યા છે. નવી મુંબઇ દરિયાની સપાટીથી નીચે આવેલું છે અને આજે બપોરના 12:50 વાગ્યાની આસપાસ, પાંચ મીટરથી વધુની ઊંચી ભરતી આવવાની શક્યતા છે. હાઈ ટાઈડ એલર્ટ વચ્ચે નવી મુંબઈના વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
ભારે વરસાદને કારણે શહેરના નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે અને સમગ્ર શહેરમાં લોકલ ટ્રેન અને રોડ ટ્રાફિકને અસર થઈ છે. ખરાબ હવામાનને કારણે ઘણી ફ્લાઈટ્સ ડાયવર્ટ કરવામાં આવી હતી. IMDએ મહારાષ્ટ્રના થાણે, પુણે, પાલઘર અને નાગપુરના 16 જિલ્લાઓ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. ભારે વરસાદની ચેતવણી વચ્ચે, વહીવટીતંત્રે વિદર્ભ ક્ષેત્રના નાગપુર, ભંડારા, ગોંદિયા, ચંદ્રપુર અને ગઢચિરોલી જિલ્લાઓ અને મહારાષ્ટ્રના દરિયાકાંઠાના રાયગઢ જિલ્લાના ચાર તાલુકાઓમાં સોમવારે શાળાઓમાં રજા જાહેર કરી છે.
ભારે વરસાદની ચેતવણી વચ્ચે સમગ્ર મહારાષ્ટ્રમાં મુંબઈ અને નાગપુર ઉપરાંત વસઈ (પાલઘર), થાણે, ઘાટકોપર, પવઈ (કુર્લા), મહાડ (રાયગઢ), ખેડ અને ચિપલુણ (રત્નાગિરી), કુડાલ (સિંધુદુર્ગ), કોલ્હાપુર, સાંગલી ખાતે NDRFની ટીમો તૈનાત કરવામાં આવી છે. મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે વરસાદને લઈને અધિકારીઓને હાઈ એલર્ટ પર રહેવા જણાવ્યું છે.