તેમને જણાવી દો કે હું તમારા બેમાંથી કોઈ એક સાથે જ વિવાહ કરીશ, જે મને યુદ્ધમાં પરાજિત કરશે: દેવી કૌશિકી
શિવ રહસ્ય – ભરત પટેલ
(ગતાંકથી ચાલુ)
શુંભ-નિશુંભને ખબર પડતાં તે આદેશ આપે છે કે, પૃથ્વી પર કોઈપણ ઋષિ-મુનિઓ દેખાય તો તેમનો વધ કરવામાં આવે. શુંભ-નિશુંભના સૈનિકો પૃથ્વી પર હાહાકાર મચાવે છે. ઋષિ-મુનિઓ પલાયન થઈ જાય છે અને અજ્ઞાતવાસ ભોગવે છે. બીજી તરફ તપોવન ખાતે તપસ્યા કરી રહેલા માતા પાર્વતીનો સ્વર બ્રહ્મલોક સુધી પહોંચે છે.
બ્રહ્માજી તુરંત તપોવન પહોંચે છે માતા પાર્વતી વરદાન માગે છે, વરદાન આપતાં બ્રહ્માજી કહે છે ક્ે, ‘તમારી તપસ્યાથી હું પ્રસન્ન છું એટલે હું તમને ગૌરવર્ણી બનાવી દઈશ, પણ શિવઇચ્છાએ તે પહેલાં મારે એક કાર્ય કરવાનું છે. તમારું શ્યામવર્ણી થવું પણ સંસારના કલ્યાણ માટે જ હતું. હું તમને વરદાન આપું છું કે તમારા શ્યામવર્ણથી એક અજન્મી ક્ધયા પ્રગટ થાય અને તમને પુન: ગૌરવર્ણ પ્રાપ્ત થાય.’ આટલું બોલતા જ માતા પાર્વતીના શરીરમાંથી એક તેજપૂંજ પ્રગટ થાય છે અને ક્ષણિકવારમાં એક ક્ધયાનો આકાર લે છે અને માતા પાર્વતીની બાજુમાં ઊભા રહે છે. માતા પાર્વતી ફરી ગૌરવર્ણા થઈ જાય છે. બ્રહ્માજી જણાવે છે કે, ‘જગતજનની દેવી પાર્વતી તમારા પૂંજમાંથી આ શ્યામવર્ણી ક્ધયા પ્રગટ થઈ છે, એટલું હું એનું નામ ‘કૌશિકી’ રાખું છું. સ્વર્ગલોક અને પૃથ્વીલોક પર અત્યાચાર ગુજારી રહેલા શુંભ-નિશુંભના અંતનું કારણ પણ તમે જ હશો. ભગવાન શિવ અને શિવગણો ઘણા સમયથી તમારી પ્રતિક્ષા કરી રહ્યા છે. તમે તુરંત કૈલાસ જવાની કૃપા કરો અને દેવી કૌશિકી તમે અહીં જ શિખર પર નિવાસ કરો, સમયાંતરે શુંભ-નિશુંભ પોતાના વધથી પ્રેરિત થઈ તમારી સમક્ષ પધારશે.’ માતા પાર્વતી તુરંત કૈલાસ તરફ પ્રયાણ કરે છે અને બ્રહ્મદેવ બ્રહ્મલોક તરફ પ્રયાણ કરે છે. કૈલાસ ખાતે પરત ફરેલા માતા પાર્વતીને જોઈ શિવગણો માતા પાર્વતી અને ભગવાન શિવનો જયજયકાર કરે છે અને ઉત્સવ મનાવે છે. નંદી કહે છે, ‘માતા આપના કૈલાસ પર આપનું સ્વાગત છે, માતા ઘણા સમયથી આપની ખીરનો આનંદ નથી મળ્યો. આ આનંદ ઉત્સવમાં આપની ખીરનું ભોજન મળે તો કૈલાસ પ્રફુલ્લિત થઈ જશે.’ અન્નપૂર્ણા અવતાર માતા પાર્વતી ખીર બનાવતાં ભગવાન શિવ સહિત શિવગણો આનંદિત થઈ ખીરનો આસ્વાદ માણે છે.
બ્રહ્મલોક પહોંચી બ્રહ્માજી વિશ્ર્વકર્માજીનું આવાહન કરે છે.
વિશ્ર્વકર્માજી: ‘પરમપિતા, તમારી સેવામાં હાજર છું, આજ્ઞા આપો.’
બ્રહ્માજી: ‘તપોવનના શિખર પર બેસેલી દેવી કૌશિકીને એક સુંદર મહેલ બનાવી આપો.’
બ્રહ્માજીની આજ્ઞા મળતાં જ વિશ્ર્વકર્માજી તપોવનના શિખર પર પહોંચે છે. દેવી કૌશિકીને એક સુંદર મહેલ બનાવી આપે છે. દેવી કૌશિકી તેમાં નિવાસ કરે છે.
દમનકારી શુંભ-નિશુંભના સૈનિકો ફરતાં ફરતાં તપોવન પહોંચે છે, તેઓ એક સુંદર મહેલ જુએ છે, તેઓ એ મહેલ કોનો છે એ જાણવાની કોશિષ કરે છે અને મહેલમાં ઘૂસવાની તૈયારી કરે છે. દેવી કૌશિકીના દરવાનો શુંભ-નિશુંભના સૈનિકો અટકાવતાં તેઓ આક્રમણ કરે છે. થઈ રહેલા કોલાહલથી દૈવી કૌશિકીના તપમાં ભંગ થાય છે, તેઓ જુએ છે કે શુંભ-નિશુંભના સૈનિકો તેમના દરવાનોને રંજાડી રહ્યા છે. દૈવી કૌશિકી ક્રોધિત થાય છે અને તેમને ચેતવણી આપે છે, પણ શુંભ-નિશુંભના સૈનિકો નહીં માનતા દેવી કૌશિકી તેમનો વધ કરે છે. એ દરમિયાન શુંભ-નિશુંભનો સેનાપતિ મોહાસુર ત્યાંથી પલાયન થવામાં સફળ થાય છે. એ તુરંત સ્વર્ગલોક પહોંચે છે અને તેમના સૈનિકોનો વધ એક યુવાન ક્ધયા દેવી કૌશિકીએ કર્યો છે તેવું જણાવે છે.
બીજી તરફ અસુરગુરુ શુક્રાચાર્ય એક યજ્ઞનું આયોજન કરે છે અને તેમાંથી અસુર શૂરવીરોને પ્રગટ થવાનું આવાહન આપે છે. થોડા જ સમયમાં તેમાંથી ત્રણ અસુરો પ્રગટ થાય છે.
અસુર ગુરુ શુક્રાચાર્ય: ‘હે વિચિત્ર અસુરો. તમે કોણ છો? ક્યાંથી આવ્યા છો?’
અસુરો તેમને જણાવે છે કે ‘તમારા આવાહન પર પાતાળલોકથી આવ્યા છીએ, અમે પાતાળલોકના સ્વામી ચંડ-મુંડ છીએ અને આ અમારા દૂત સુગ્રીવ છે.’
અસુર ગુરુ શુક્રાચાર્ય : ‘હે અસુરો, હું શુંભ-નિશુંભની સુરક્ષા માટે ખૂબ જ ચિંતાતુર છું. તમે ત્રણેય સ્વર્ગલોક પહોંચો. શુંભ-નિશુંભની સુરક્ષાની જવાબદારી તમારી રહેશે.’
અસુર ગુરુ શુક્રાચાર્યનો આદેશ મળતાં જ તેઓ સ્વર્ગલોક પહોંચે છે.
અહીં સ્વર્ગલોક ખાતે પોતાના સૈનિકો માર્યા ગયા છે તેવા સમાચાર મળતાં શુંભ-નિશુંભ ચિંતાતુર હોય છે.
ચંડ: ‘સ્વર્ગાધિપતિ શુંભ-નિશુંભની જય હો, અમે બંને ભાઈઓ પાતાળલોકના સ્વામી ચંડ-મુંડ છીએ, આ અમારો દૂત સુગ્રિવ છે. તમારી સુરક્ષા માટે અસુર ગુરુ શુક્રાચાર્યએ અમને અહીં મોકલ્યા છે.’
નિશુંભ: ‘ચંડ-મુંડ તમે યોગ્ય સમયે અહીં આવ્યા છો, મને તમારા જેવા યોદ્ધાઓની અહીં ખૂબ જ જરૂર હતી, મારા સેનાપતિના કહેવા પ્રમાણે તપોવન ખાતે એક સુંદર ક્ધયા મહેલ બનાવી રહે છે જેણે અમારા અસંખ્ય અસુરોનો વિનાશ કર્યો છે. અમે એ સુંદર ક્ધયા વિશે વધુ જાણવા માગીએ છીએ, અમે તેને અમારી મહારાણી બનાવવા માગીએ છીએ.’
સ્વર્ગાધિપતિ શુંભ-નિશુંભના આદેશ મળતાં જ ચંડ-મુંડ તપોવન ખાતે દેવી કૌશિકીના મહેલમાં ઘૂસે છે.
દેવી કૌશિકી: ‘સાવધાન! તમે કોણ છો, મારી અનુમતી સિવાય અહીં કેમ આવ્યા છો?’
ચંડ: ‘દેવી કૌશિકી અમે સ્વર્ગાધિપતિ શુંભ-નિશુંભના સેવક ચંડ-મુંડ છીએ, અમારા સ્વામી તમને મહારાણી બનાવવા માગે છે.’
દેવી કૌશિકી: ‘મને ખબર જ હતી કે શુંભ-નિશુંભ કોઈ દૂતને અવશ્ય મોકલશે. જઇને તેમને જણાવી દો કે હું તમારા બેમાંથી કોઈ એક સાથે જ વિવાહ કરીશ, જે મને યુદ્ધમાં પરાજિત કરશે અને બીજાએ અહીંનો રાજપાટ છોડી પાતાળલોક જવું પડશે.’
દેવી કૌશિકીની શરતો સાંભળી ચંડ-મુંડ સ્વર્ગલોક પહોંચે છે, દૈવી કૌશિકીની શરતો જણાવે છે અને તેમની સુંદરતાનું ગુણગાન કરે છે.
નિશુંભ: ‘ચંડ-મુંડ તમે દૈવી કૌશિકીની સુંદરતાનું ગુણગાન કર્યું છે, તેનાથી હું મંત્રમુગ્ધ થયો છું, દેવી કૌશિકીની શરતો પ્રમાણે ભાઈ શુંભ તેમને પરાજિત કરી તેમની વરણી કરશે, હું પાતાળલોક જવા તૈયાર છું.’
આટલું સાંભળતાં સ્વર્ગાધિપતિ શુંભ પોતાના સૈનિકોને દેવી કૌશિકી પર આક્રમણ કરવા આદેશ આપે છે. (ક્રમશ:)