ભારતના બે લેજન્ડરી ખેલાડી ‘ટેનિસ હૉલ ઑફ ફેમ’માં સામેલ

ન્યૂપોર્ટ (અમેરિકા): ટેનિસમાં અનેક ઐતિહાસિક વિજય મેળવનાર બે ભારતીય લેજન્ડરી ખેલાડી લિએન્ડર પેસ અને વિજય અમૃતરાજ ઇન્ટરનૅશનલ હૉલ ઑફ ફેમમાં સ્થાન મેળવનાર પ્રથમ બે એશિયન ખેલાડી બન્યા છે.51 વર્ષના પેસના નામે 1996ની ઍટલાન્ટા ઑલિમ્પિક ગેમ્સનો બ્રૉન્ઝ મેડલ, ડબલ્સના આઠ તથા મિક્સ્ડ-ડબલ્સના દસ ગ્રૅન્ડ સ્લૅમ તાજ તેમ જ ડેવિસ કપના વિજય સહિત ઘણી ટ્રોફીઓ છે અને તેને ‘પ્લેયર કૅટેગરી’માં આ સન્માન મળ્યું છે.
વિજય અમૃતરાજ 70 વર્ષના છે. તેઓ વિમ્બલ્ડન તથા યુએસ ઓપનમાં બે વાર સિંગલ્સની ક્વૉર્ટર ફાઇનલ સુધી પહોંચ્યા હતા. તેમણે ભારતીય ટીમને બે વખત ડેવિસ કપની ફાઇનલમાં પણ પહોંચાડ્યું હતું.
અમૃતરાજને હૉલ ઑફ ફેમની ‘ક્ન્ટ્રીબ્યૂટર કૅટેગરી’માં સમાવાયા છે. જોકે એ પણ બહુ મોટું સન્માન છે.પેસ વર્લ્ડ ડબલ્સ રૅન્કિંગમાં 37 અઠવાડિયા સુધી વર્લ્ડ નંબર-વન હતો. તે કુલ મળીને ડબલ્સના 54 ટાઇટલ જીત્યો હતો.