ધર્મતેજ

દત્ત ભગવાનના ગુરુ

જીવવા માટે અનીતિયુક્ત કાર્ય ન કરવું જોઈએ. દરેક સજીવ જીવી શકે તે માટે સંસારમાં યોગ્ય વ્યવસ્થા સ્થપાયેલી છે.

ચિંતન – હેમુ ભીખુ

દત્ત ભગવાને જીવનમાં ચોવીસ ગુરુ કરેલા. આમ તો દરેક જગ્યાએથી, દરેક સંજોગોમાં, દરેક વ્યક્તિ કે તત્વ પાસેથી, દરેક સમયે કંઈક ને કંઈક શીખવા તો મળે જ. પણ જ્યારે દત્ત ભગવાન ચોવીસના આંક પર અટકી ગયા ત્યારે એમ તો કહી જ શકાય કે મુક્તિ માટે તેટલું પૂરતું છે. વધારાનો ભાર વહન કરવાની જરૂર પણ નથી અને તેનાથી માર્ગ વધુ સરળ થવાની સંભાવના પણ નથી. આ ચોવીસ ગુરુ કોણ છે તે સમજવા કરતા એ સમજવું વધુ જરૂરી છે કે આ ચોવીસ ગુરુ દ્વારા ભગવાન દત્તાત્રેય શું પામ્યા. આ બધા ગુરુની શીખ એકત્રિત કરીએ તો આવું કંઈક કહી શકાય.

પરમાત્મા, તે પરમ તત્વ એક જ છે. તે જ બધે ભાસે છે, અને સમાન રીતે ભાસે છે. અહીં કોઈ પક્ષપાત નથી. છતાં પણ પરિસ્થિતિની વાસ્તવિકતા સમજી લેવી જોઈએ. જે અંધકાર છે તે અંધકાર છે અને જે પ્રકાશ છે તે પ્રકાશ છે. દરેક પરિસ્થિતિની જરૂર છે, પણ ત્યાં જ અટકી નહીં જવાનું. સૃષ્ટિની પ્રત્યેક રચના પાછળ કોઈક કારણ હોય છે. કારણ સમજી લેવું લેવું. કારણ ઉપર કામ કરવું – પરિણામ તો એની જાતે સર્જાતા રહેશે.

જીવનમાં સહનશીલતા હોવી જોઈએ. સાથે સાથે દરેક પરિસ્થિતિમાં પરોપકારની ભાવના જાગ્રત રહેવી જોઈએ. જાગ્રતા જરૂરી છે. થોડી ક્ષણ માટે પણ જો ચૂક થઈ જાય તો મોટો અનર્થ સર્જાઈ શકે. જાગ્રતતાના અભાવે મોહમાયા પ્રબળ બની શકે, જેને કારણે મૃત્યુ પણ ક્યારેય બારણે આવીને ઊભું રહી જાય. કોઈપણ પરિસ્થિતિ માટેનો લગાવો બંધનકર્તા ન બનવો જોઈએ. જેમ મોહ જોખમી છે તેમ લોભ પણ જોખમી છે. કોઈપણ પ્રકારની વાસના, કોઈપણ પરિસ્થિતિ માટેનો મોહ, કોઈ પણ બાબત પ્રત્યેનું ભાવાત્મક જોડાણ, કોઈપણ કારણથી જાગેલો પ્રમાદ, કોઈપણ પ્રકારની બિન-આધ્યાત્મિક મસ્તી; અંતે વિનાશનું કારણ બની શકે. આવી પરિસ્થિતિમાં પણ જો પ્રબળ કામ-આવેગ જાગ્રત થાય તો ચોક્કસ ભટકી જવાય.

જીવવા માટે અનીતિયુક્ત કાર્ય ન કરવું જોઈએ. દરેક સજીવ જીવી શકે તે માટે સંસારમાં યોગ્ય વ્યવસ્થા સ્થપાયેલી છે. કોઈપણ વ્યક્તિએ ખોટો માર્ગ ધારણ કરવાની જરૂર નથી. ક્યારેક જરૂરિયાત મુજબનું મળી રહે તો ક્યારેક થોડું ઓછું પણ મળે. જીવનમાં ચઢાવ-ઉતાર તો આવ્યા કરે, તેનાથી ખુશ કે વ્યથીત થયા વગર આધ્યાત્મિકતા તરફની ગતિ જળવાઈ રહેવી જોઈએ. મુમુક્ષુએ નિર્દોષ રહેવું જોઈએ, નાદાનીયત જાળવી રાખવી જોઈએ. તે વ્યક્તિએ અન્ય કોઈને પણ પોતાની સ્થિતિ દર્શાવવાનો આગ્રહ ન રાખવો જોઈએ. પોતાનું ઊંડાણ કોઈની પણ સમક્ષ વ્યક્ત કરવાની જરૂરિયાત નથી. પોતાની મસ્તીમાં રહી પરિસ્થિતિથી વિચલિત ન થવું. ચિંતામુક્ત રહેવું, પ્રસન્ન રહેવું, પોતાના નિર્દોષ હાસ્યથી અન્ય સુધી નિર્દોષતા પહોંચાડવા પ્રયત્ન કરવો. દરેક નાના સાત્વિક પ્રયાસથી ખુશ થઈ જવું.

જીવનમાં દરેકનો, દરેક પરિસ્થિતિનો તટસ્થતા અને સ્થિતપ્રજ્ઞતાથી સમાવેશ કરવાની તૈયારી હોવી જોઈએ. સાથે સાથે એ પણ શીખી લેવું જોઈએ કે દરેક પરિસ્થિતિમાંથી સાર કેવી રીતે મેળવી લેવો. પોતાની ઓળખ ગુમાવ્યા વિના પરિસ્થિતિ સાથે મળી જવું – બિનજરૂરી વિરોધ ઇચ્છનીય નથી. અન્યને પવિત્ર કરનારે પોતાની પવિત્રતા પણ જાળવી રાખવી જરૂરી છે. જીવનમાં ચડતી હોય કે પડતી, પોતાની શીતળતા તથા શાંત સ્વભાવ જાળવી રાખવો જરૂરી છે. દરેક પ્રકારની સ્થિતિમાં શાંત સ્વભાવ જાળવી રાખવો. વિપરીત સંજોગોમાં પણ – મલીન સંજોગોમાં પણ પોતાની સાત્વિકતા, પોતાની સત્યપ્રિયતા ગુમાવવી ન જોઈએ. પરિસ્થિતિમાં ઢળી જવું અને છતાં પણ પોતાની પવિત્ર ઓળખ જાળવી રાખવી, પોતાના માર્ગ તથા ઉદ્દેશથી ચલિત ન થવું. ધ્યેય માટેની એકાગ્રતા જરૂરી છે.

આધ્યાત્મિક વિશ્વમાં અલિપ્તતાનું આગવું મહત્વ છે. આધ્યાત્મિક લક્ષ્યને સિદ્ધ કરવા માટે આ અલિપ્તતા જરૂરી છે. આનાથી મન વિચલિત થતું અટકે છે અને એકાગ્રતાનો ગુણ જાગ્રત થાય છે. એ સમજવાની જરૂર છે કે સૃષ્ટિના નિયમો પોતાની રીતે કાર્યરત હોય છે.
મોહ વશ થઈ આ કાર્યમાં ખલેલ ન પહોંચાડવી. એક નિયમ એમ પણ જણાવે છે કે એકાંતે બેસીને જ અલખની આરાધના થઈ શકે. સંસાર હોય ત્યાં રકઝક તો રહેવાની જ. સંસારના પ્રશ્નો તો હોવાના જ. જ્યારે દ્રષ્ટિ અંદર તરફ વળે પછી પરિસ્થિતિ બદલાઈ શકે – પછી બહારની પરિસ્થિતિથી વિક્ષેપિત થવાની સંભાવના શૂન્ય થઈ જાય – પરંતુ ત્યાં સુધી તો સંસારની ખટપટ થી – સંસારના રણઝણથી દૂર રહેવું ઇચ્છનીય છે.

પોતાની જ મનોસૃષ્ટિમાં એકાકાર થઈ પોતાનું મૂલ્યાંકન ન કરવું. આવી પરિસ્થિતિમાં ક્યાંક અહંકાર જાગી શકે. આત્મશ્લાઘા અહંકાર જેટલી જ જોખમી છે. વાસ્તવિકતા સ્વીકારવી જરૂરી છે. આ વાસ્તવિકતામાં ઘણા પ્રકારના વિરોધી ભાવ – વિરોધી પરિસ્થિતિ સામે આવી શકે. એ દરેક પરિસ્થિતિમાં તટસ્થતા જાળવવી પડે, સાક્ષીભાવ કેળવવો પડે. માન-અપમાન, સારું- નરસું, પોતાનું-બીજાનું; આ પ્રકારના દ્વન્દ્વથી પોતાની જાતને મુક્ત રાખવી. જીવનમાં સમભાવ અને સાધુભાવ બંને જરૂરી છે.

અહીં ગુરુ પર નથી અટકવાનું, જે તે ગુરુ દ્વારા વ્યક્ત કરાયેલ સંદેશને આત્મસાત કરવાનો છે. અહીં ગુરુ એ તત્વ નથી પરંતુ દિશા નિર્દેશ છે. દત્ત ભગવાન દ્વારા કરાયેલ આ એક ઉત્તમ સંકલન છે. આધ્યાત્મને લગતા દરેક પાસાનો સમાવેશ તેમાં થયો છે. શાસ્ત્રોનું જ્ઞાન ઉદાહરણ દ્વારા પ્રગટ કરવાનો આ ઉત્તમ પ્રયાસ છે. સાથે એ પણ સંદેશ છે કે જો દ્રઢ ઈચ્છા શક્તિ હોય તો બધે થી માર્ગદર્શન મળી રહે. જો અંતરમાં ખટકો થયો હોય, જો અંતરમાં શ્રદ્ધા જાગી હોય, જો અંતરમાં જીવનના એકમાત્ર લક્ષ્ય માટે અદ્ભુત ભાવ જાગ્રત થયો હોય, અને તે સિદ્ધ કરવા અપાર પુરુષાર્થની તૈયારી હોય, તો સૃષ્ટિનું દરેક તત્વ માર્ગદર્શન આપવા તૈયાર રહેશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button