ક્રાંતિ એટલે વ્યાપક અને ગહન પરિવર્તન
અલૌકિક દર્શન – ભાણદેવ
આધ્યાત્મિક ક્રાંતિ શું છે?
ક્રાંતિ એટલે શું? ક્રાંતિ એટલે વ્યાપક અને ગહન પરિવર્તન.
ક્રાંતિના અનેક સ્વરૂપો છે-ધાર્મિક ક્રાંતિ, આર્થિક ક્રાંતિ, સામાજિક ક્રાંતિ, રાજકીય ક્રાંતિ, વૈચારિક ક્રાંતિ આદિ. આ સર્વ ક્રાંતિઓ કરતાં અનેરી અને વિશિષ્ટ એક ક્રાંતિ છે અને તે છે-આધ્યાત્મિક ક્રાંતિ.
આધ્યાત્મિક ક્રાંતિ અને અન્ય ક્રાંતિમાં ત્રણ પ્રધાન ભિન્નતા છે :
૧. આધ્યાત્મિક ક્રાંતિ આંતરિક છે; અન્ય ક્રાંતિ મહદ્અંશે બહિરંગ હોય છે.
૨. આધ્યાત્મિક ક્રાંતિ વૈયક્તિક (personal) છે; અન્ય ક્રાંતિ સામૂહિક હોય છે.
૩. આધ્યાત્મિક ક્રાંતિના પરિણામો લુપ્ત થતાં નથી; ઘટતાં પણ નથી, બલ્કે વધતાં જાય છે. અન્ય ક્રાંતિના પરિણામો કાલાંતરે ઘટે છે અને અનેકવાર લુપ્ત પણ થઇ જાય છે.
આધ્યાત્મિક ક્રાંતિ શું છે, તે સમજતાં પહેલાં આપણે સમજી લઇએ કે આધ્યાત્મિક ક્રાંતિ શું નથી.
૧. વૈચારિક ક્રાંતિ આધ્યાત્મિક ક્રાંતિ નથી. આ વિચારધારા આધ્યાત્મિક સ્વરૂપની હોય તો પણ, વિચારધારામાં ક્રાંતિ આવે, મોટું પરિવર્તન આવે તો પણ તે આધ્યાત્મિક ક્રાંતિ નથી. કોઇ સાધક વેદાંતની વિચારધારાનો અનુયાયી હોય અને પછી ભક્તિમાર્ગનો અનુયાયી બને તો આ ઘટના તેના માટે આધ્યાત્મિક વિચારધારા અને તદનુરૂપ સાધનપથમાં પણ ઘણાં મોટા પરિવર્તનની ઘટના છે, તેમ કહી શકાય. આ ઘટનાને તેના જીવનમાં એક ક્રાંતિકારી ઘટના ગણી શકીએ, પરંતુ આ આધ્યાત્મિક ક્રાંતિ નથી.
આ ઘટના વૈચારિક ભૂમિકા પરની ઘટના છે અને તેથી અધિક તેના સાધનપથમાં પણ પરિવર્તનની ઘટના છે તે સાચું, પરંતુ આધ્યાત્મિક ક્રાંતિ તો ઘણી ગહન ઘટના છે.
૨. કોઇ વ્યક્તિ આસ્તિકમાંથી નાસ્તિક બને કે નાસ્તિકમાંથી આસ્તિક બને તો તેની વિચારધારા અને તેની જીવનશૈલીમાં ઘણું મોટું પરિવર્તન આવે તેમ બની શકે છે, પરંતુ આ ઘટના પણ આધ્યાત્મિક ક્રાંતિ નથી. આ પરિવર્તન મનોમય ભૂમિકા પરના પરિવર્તનો છે અને આધ્યાત્મિક ક્રાંતિ તેના કરતાં ઘણી ગહન ઘટના છે.
૩. ધર્મપરિવર્તન પણ આધ્યાત્મિક ક્રાંતિ નથી. કોઇ હિન્દુ ખ્રિસ્તી બની જાય કે કોઇ ખ્રિસ્તી મુસ્લિમ બની જાય તો તેમ કરવાથી તેની ધાર્મિક શ્રદ્ધાં અને માન્યતામાં પરિવર્તન આવે છે અને તદ્નુસાર તેની જીવનશૈલીમાં પણ પરિવર્તન આવી શકે છે, પરંતુ આ પરિવર્તનને આધ્યાત્મિક ક્રાંતિ ગણી શકાય નહીં. ધર્મપરિવર્તન મહદ્ અંશે મનોમય ભૂમિકા પરનું પરિવર્તન છે.
૪. કોઇ રાષ્ટ્ર કે મોટો સમૂહ એક સાથે વિશાળ પાયા પર ધર્મપરિવર્તન કરે તેવા દૃષ્ટાંતો વિશ્ર્વના ઇતિહાસમાં નોંધાયા છે. દા. ત. ઇરાન, ઇજિપ્ત, આદિ દેશો પરાજિત થઇને ઝડપથી મુસ્લિમ દેશો બની ગયા છે. આ સમાજ માટે આ એક ધાર્મિક ક્રાંતિની ઘટના ગણાય, પરંતુ આવી વિશાળ પાયા પરની ધાર્મિક ક્રાંતિની ઘટના પણ આધ્યાત્મિક ક્રાંતિ ન ગણાય.
૫. કોઇ એક ધર્મમાં પણ બહુ મોટા પરિવર્તનો આવે તેવી ઘટનાઓ પણ બને છે. ખ્રિસ્તીઓનો બહુ મોટો સમૂહ પોપની સર્વોપરિતા છોડીને પ્રોટેસ્ટન્ટ બની ગયો છે. આ એક ક્રાંતિકારી ઘટના બની છે, પરંતુ આ ક્રાંતિ ધાર્મિક ક્રાંતિ છે, આધ્યાત્મિક ક્રાંતિ નહીં.
૬. એવા દૃષ્ટાંતો જોવા મળે છે કે કોઇ આંતરિક કે બાહ્ય ઘટનાથી વ્યક્તિના જીવનમાં મોટું
પરિવર્તન કે જબરો વળાંક આવી જાય છે. એક પોલીસ અધિકારી અચાનક સાધુ બની જાય છે. એક વેપારીએ ર. વ. દેસાઇની નવલકથા ‘ગ્રામલક્ષ્મી’ વાંચી અને તેઓ વેપાર સંકેલીને સમાજસેવક બની ગયા અને જીવનભર સંનિષ્ઠ સમાજસેવક રહ્યાં. કર્ણાટકના એક ન્યાયાધીશે કોઇક કાનૂની ગૂંચને કારણે એક નિર્દોષ બ્રાહ્મણને સજા કરી. પછી હકીકતની જાણ થતાં તેમણે ન્યાયાધીશનો હોદ્દો છોડો દીધો અને સંન્યાસ ગ્રહણ કર્યો.
આ પ્રકારના પરિવર્તનને આધ્યાત્મિક ક્રાંતિ કહી શકાય? ના, જીવનશૈલીમાં આમૂલાગ્ર પરિવર્તન આવે તો પણ તેને આપણે આધ્યાત્મિક ક્રાંતિ ન કહી શકીએ.
૭. દુષ્ટ સ્વભાવની, દુર્ગુણી વ્યક્તિ પવિત્ર અને સદ્ગુણી વ્યક્તિ બની જાય તો તે આધ્યાત્મિક ક્રાંતિ ગણાય કે નહીં? વ્યક્તિના જીવનમાં ગુણવિકાસ સિદ્ધ થાય તો તે આધ્યાત્મિક ક્રાંતિ ગણાય કે નહીં? એક શેતાન જેવા માનવીનું જીવન સંત જેવું બની જાય તો તે આધ્યાત્મિક ક્રાંતિ કહેવાય કે નહીં?
ના, આવું જીવનરૂપાંતર આધ્યાત્મિક ક્રાંતિ ન ગણાય. ગુણવિકાસ, પવિત્ર જીવન, સાત્ત્વિકતા આધ્યાત્મિક વિકાસમાં સહાયક બની શકે, પરંતુ તે સ્વરૂપનું પરિવર્તન સાક્ષાત્ આધ્યાત્મિક ક્રાંતિ નથી.
હવે આપણી સમક્ષ પ્રશ્ર્ન છે : આધ્યાત્મિક ક્રાંતિ એટલે શું? યથાર્થ આધ્યાત્મિક ક્રાંતિનું સ્વરૂપ શું છે?
‘વ્યક્તિ ચેતનાના ઉચ્ચતર સ્તરમાં પ્રવેશે, ત્યાં અવસ્થિત થાય અને ત્યાં અવસ્થિત રહીને જીવન જીવે’- આ યથાર્થ આધ્યાત્મિક ક્રાંતિ છે.
આધ્યાત્મિક ક્રાંતિની આ ઘટનાને આપણે વધુ સ્પષ્ટ રીતે સમજવા પ્રયત્ન કરીએ.
સામાન્ય રીતે માનવી શરીર, પ્રાણ અને મનમાં જીવે છે. આ ત્રણે અજ્ઞાનનાં કરણો છે, અજ્ઞાનની ભૂમિકા છે. આ ત્રણમાંથી પણ એક નામ આપવું હોય તો આપણે કહી શકીએ કે માનવી વિશેષત: મનમાં જીવે છે, કારણ કે માનવી વિશેષત: મનોમય પ્રાણી છે.
માનવી અજ્ઞાનની આ ચેતનામાંથી નીકળીને મનસાતીત ચેતનામાં પ્રવેશ પામે- આ ઘટના યથાર્થ આધ્યાત્મિક ક્રાંતિ માટે અનિવાર્ય છે.
વ્યક્તિ ગમે તેટલી ગુણવાન, સાત્ત્વિક, ધર્મપરાયણ, સાધનપરાયણ અને સંત હોય તો પણ જયાં સુધી તે મનોમય ભૂમિકામાં જીવે છે, ત્યાં સુધી તેના જીવનમાં યથાર્થ આધ્યાત્મિક ક્રાંતિની ઘટના ઘટી નથી, તેમ નિશ્ર્ચિતપણે સમજવું.
જયાં સુધી માનવી શરીર-પ્રાણ-મનમાં કે મનોમય ચેતનામાં જીવે છે, ત્યાં સુધી તે અહમ્ચેતનામાં જીવે છે. આ ‘અહમ્ચેતના’માંથી મુક્ત થઇને આત્મચેતનામાં જીવવું-આ યથાર્થ આધ્યાત્મિક ક્રાંતિની ઘટના છે. એક સંત, એક ગુણવાન પુરુષ પણ ‘અહમ્ચેતના’માં અવસ્થિત હોય તેમ બને છે. જો આમ હોય તો તેમના જીવનમાં આધ્યાત્મિક ક્રાંતિની ઘટના ઘટી નથી, તેમ સમજવું.
શરીર-પ્રાણ-મનનું ક્ષેત્ર અવિદ્યાનું ક્ષેત્ર છે. આ ક્ષેત્રમાં અવસ્થિત રહેવું એટલે ‘અવિદ્યાગ્રંથિ’ના ક્ષેત્રમાં રહેવું, જયાં સુધી માનવી આ અવિદ્યાગ્રંથિના ભેદનને સિદ્ધ ન કરે ત્યાં સુધી તે યથાર્થ આધ્યાત્મિક ક્રાંતિમાં પસાર થયો નથી, તેમ નિશ્ર્ચિતપણે સમજવું.
અવિદ્યાગ્રંથના ભેદનને આવરણભંગની ઘટના પણ કહેવામાં આવે છે. આ યથાર્થ આધ્યાત્મિક ક્રાંતિની ઘટના છે. આ ઘટનાને જુદી-જુદી અનેક રીતે અભિવ્યક્ત કરી શકાય છે. મૂળ વાત એક જ છે:
- મનમાંથી મુક્ત થઇને મનસાતીત ચેતનામાં જીવવું.
- અહમ્ ચેતનામાંથી મુક્ત થઇને આત્મચેતનામાં જીવવું.
- અવિદ્યાગ્રંથિમાંથી મુક્ત થઇને જ્ઞાનના પ્રકાશમાં જીવવું.
- આ યથાર્થ આધ્યાત્મિક ઘટનાનું સ્વરૂપ છે.