મણીપુરમાંથી ફરી એક વાર કાળજું કંપાવી દે એવી તસ્વીરો સામે આવી છે. જુલાઈમાં ગુમ થયેલા બે વિદ્યાર્થીઓના મૃતદેહ દર્શાવતી તસ્વીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ હતી, ત્યાર બાદ બાદ મણિપુર સરકારે આજે કહ્યું હતું કે અમે ઝડપી અને નિર્ણાયક પગલાંની ખાતરી આપીએ છીએ. સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઈ) આ કેસની તપાસ કરી રહી છે, જોકે બંને વિદ્યાર્થીઓના મૃતદેહો હજુ સુધી મળ્યા નથી.
ફોટોગ્રાફ્સમાં જોઈ શકાય છે કે મેઇતેઇ સમુદાયની એક 17 વર્ષીય વિદ્યાર્થીની હિઝામ લિન્થોઇંગામ્બી અને 20 વર્ષીય વિદ્યાર્થી ફિઝામ હેમજીત જંગલમાં એક સશસ્ત્ર જૂથના કામચલાઉ કેમ્પના કમ્પાઉન્ડમાં બેઠેલા છે. વિદ્યાર્થી લિન્થોઇંગામ્બીએ સફેદ ટી-શર્ટ પહેરેલું છે, જ્યારે હેમજીટે ચેક્સ શર્ટ પહેરેલો છે સાથે એક બેગ છે. તેમની પાછળ બંદૂક સાથે બે માણસો દેખાય છે. બીજી એક તસ્વીરમાં બંને વિદ્યાર્થીઓના મૃતદેહ જમીન પર પડેલા જોવા મળે છે.
આ તસ્વીરો બહાર આવતા દેશભરમાં આક્રોશ ફેલાયો છે. લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે સોશિયલ મીડિયાથી હત્યાની જાણ થઇ, કેસ ઉકેલવામાં પોલીસને આટલો સમય કેમ લાગ્યો? જુલાઈ મહિનામાં બંને વિદ્યાર્થીઓ દુકાનો પર લગાવેલા સીસીટીવી કેમેરામાં જોવા મળ્યા હતા, ત્યાર બાદ તેમના વિષે કોઈ જાણકારી મળી ન હતી.
અધિકારીઓને જણાવ્યા મુજબ તપાસકર્તાઓ અદ્યતન સાયબર ફોરેન્સિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને તસ્વીરોને સ્પષ્ટ બનાવવા અને બેકગ્રાઉન્ડમાં દેખાતા બે માણસોની ઓળખ કરવા કામ કરી રહી છે.
મણિપુર સરકારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકારના ધ્યાન પર આવ્યું છે કે જુલાઇ 2023 થી ગુમ થયેલા બે વિદ્યાર્થીઓના ફોટોગ્રાફ્સ સોશિયલ મીડિયા પર સામે આવ્યા છે. નોંધનીય છે કે આ કેસ તપાસ પહેલેથી જ સીબીઆઈને સોંપવામાં આવી છે.
સરકારે જણાવ્યું હતું કે, રાજ્ય પોલીસ, કેન્દ્રીય સુરક્ષા એજન્સીઓ અને સુરક્ષા દળોના સહયોગથી વિદ્યાર્થીઓના ગુમ થવાના સંજોગોની તપાસ કરવા અને તેમની હત્યા કરનારા ગુનેગારોને ઓળખવા માટે આ કેસની સક્રિયપણે તપાસ કરવામાં આવી રહી છે. ગુનેગારોને પકડવા માટે સર્ચ ઓપરેશન શરુ કરવામાં આવ્યું છે.
સરકારે લોકોને શાંતિ જાળવી રાખવા અને તપાસ એજન્સીઓને તેમનું કામ કરવા દેવાની અપીલ કરી હતી. કુકી આદિવાસી સમુદાય અને મેઇતેઈ સમુદાય વચ્ચે 3 મેના રોજ વંશીય હિંસા શરૂ થઈ હતી, હિંસામાં 180 થી વધુ લોકો માર્યા ગયા છે અને હજારો લોકો વિસ્થાપિત થયા છે.
Taboola Feed