ધર્મતેજ

ગુરુ કોણ હોઈ શકે? જેમની વાણીમાં સત્ય હોય; આંખમાં વાસના નહીં, ઉપાસના હોય તે ગુરુ

માનસ મંથન – મોરારિબાપુ

बंदऊँ गुरू पद कंज कृपा सिन्धु नररूप हरी ।
महामोह तम पुंज जासु बचन रबि कर निकर ॥

ભગવાન બુદ્ધે કહ્યું, ‘અપ્પ દીપો ભવ.’ તારો દીપક તું બન, પરંતુ તે દીપકને પ્રગટાવનારું પણ કોઈક જોઈએ. કોઈ દીપક પ્રગટાવીને ચાલ્યું જાય કે હવે તું જા, તું તારી યાત્રા કર, પરંતુ પ્રગટાવનારું કોઈ તત્ત્વ છે; જે જ્યોતિ પ્રગટ કરે છે અને એ છે કોઈ ગુરુ, કોઈ સંત, કોઈ ફકીર, કોઈ મહાપુરુષ. એની વંદના ગોસ્વામીજીએ કરી છે.

મારા વ્યક્તિગત વિચાર મુજબ મારા માટે તો ગુરુની જરૂર રહી છે અને ગુરુને પામીને હું ધન્ય થયો છું. જીવનમાં કોઈ ગુરુ જોઈએ સાહેબ ! કોઈ મુર્શિદ જોઈએ. કોઈ પહોંચી ચુકેલો, કોઈ જાગી ગયેલો, જે આપણને જગાડી દે એવો ગુરુ જોઈએ. જે આપણને પરાધીન ન કરે પરંતુ આપણી સ્વાધીનતાનો આપણને બોધ કરાવે. બહુધા શું થયું છે કે ગુરુ-શિષ્ય પરંપરામાં પરાધીનતા આવવા લાગી ! નહીં, જે સ્વાધીનતાનો બોધ કરાવે એવા કોઈ ગુરુ હોવા જોઈએ. ન એનો કોઈ ગણવેશ હોય કે ના એની કોઈ પર્ટિક્યુલર ભાષા હોય.

ગુરુ કોઈ પણ હોઈ શકે; કોઈ પણ રૂપમાં હોઈ શકે, ગુરુ વ્યક્તિના રૂપમાં પણ હોઈ શકે, વ્યક્તિત્વના રૂપમાં પણ હોઈ શકે. દત્ત ભગવાને તો ૨૪ ગુરુ બનાવ્યા હતા; એમાં પક્ષીને પણ ગુરુ બનાવ્યા, અજગરને પણ ગુરુ બનાવ્યા, તે કુંવારી ક્ધયાને પણ ગુરુ બનાવ્યા. એમણે કોને કોને ગુરુ નથી બનાવ્યા ? એ બહુ વિશાળ ક્ષેત્ર છે. આપણે કોઈક માર્ગદર્શક જોઈએ. ગુજરાતીમાં પ્રાચીન ભજનોમાં આપણી ગુરુ-પરંપરાનું ગાન ખૂબ જ કરવામાં આવ્યું છે.

યુવાન ભાઈ બહેનો, જેમની વાણીમાં સત્ય હોય; જેમની આંખમાં ઉપાસના હોય, વાસના ન હોય; જેમના જીવનમાં શાસ્ત્રોના પ્રવાહિત સિદ્ધાંતોની મર્યાદા હોય; જેમના પ્રત્યેક કાર્યમાં બીજાનો કલ્યાણ નો વિચાર ઝળકતો હોય એવા કોઈપણ વ્યક્તિ મળે તો એમના માર્ગદર્શનમાં ચાલવું. એ ગુરુ છે, જે આપણને પરાધીન ન કરે, આપણી સ્વાધીનતાનો બોધ કરાવે. ઘણા લોકો કહે છે, ગુરુની કોઈ જરૂર જ નથી, સીધા પહોંચી જાઓ, ડાયરેક્ટ ફ્લાઈટ ! તો એમ પણ જઈ શકો છો; કોઈ ચિંતા નહીં. પરંતુ દુનિયામાં જેટલા ધર્મો છે એમાં બધા કોઈને કોઈ રૂપમાં ગુરુ પરંપરા દેખાઈ જ છે. મારી વ્યાસપીઠ પરંપરાને આદર તો આપે છે પરંતુ એમાં એટલું જ ઉમેરે છે કે પરંપરા પ્રવાહી હોવી જોઈએ, જડ નહીં. ગંગા અનેક મોળાકોમાંથી પસાર થાય છે પરંતુ તેની પવિત્રતા ઓછી નથી થતી. એવી પ્રવાહી પરંપરા હોવી જોઈએ. એવી જળ પરંપરામાં ન જીવો, હે મારા પંચમ સોપાન ! હું યુવાને ને આહ્વાન આપું છું. આપ મારા પંચમ સોપાન છો. કેવળ ગતાનું ગતિમાં ન પડો કે એણે કર્યું તો હું પણ કરું! નહીં, નહીં, એમાંથી બહાર આવો. બાકી કોઈ ગુરુ જોઈએ, એમ તો હું માનું છું. ગુરુ-મહિમા અદ્ભુત છે, અલૌકિક છે, ગજબ છે.

માનસનું પહેલું પ્રકરણ ગુરુવંદના છે. તુલસીજી લોકબોલીમાં ગુરુવંદના કરે છે. આ આખી ગુરુવંદના શા માટે? શા માટે ગુરુવંદના સૌથી પહેલાં? આપણે વિચારીએ. ગોસ્વામીજી પહેલું પ્રકરણ ગુરુવંદનાનું લઇ આવે છે એના અનેક કારણ હોઈ શકે છે. મારી વ્યાસપીઠ સદાય દ્રઢ ભરોસા સાથે કહે છે કે,જીવનમાં ગુરુ જોઈએ. ગાંધીજીનું એક વાક્ય મને બહુ જ પ્યારું લાગે છે. ગાંધીજીએ કહ્યું છે,કોઈ પણ પરંપરાને સમજ્યા વિના એને અકારણ તોડવી નહીં. ગુરુ પરંપરા બહુ જ પાવન પરંપરા છે. વ્યક્તિપૂજામાં બહુ જ સાવધાન રહેવું. આ કળિયુગ છે. કોઈ જોઈએ જે આપણો ભોમિયો બનીને ઊભો રહે. ‘ગુરુપદ’ની બહુ ટીકાઓ થાય છે. પણ મને અમારા દલપતસાહેબનું વાક્ય યાદ આવે. એમણે કહેલું કે ‘ગુરુ’ કદાચ નબળો હોય,પણ ‘ગુરુપદ’ કોઈ દિવસ નબળું ન હોય. સાહેબ,એની એક દ્રષ્ટિ પડે ત્યાં જીવતર બદલાઇ જાય. કડવા લીમડાંમાં ડાળ મીઠી થવા માંડે. આખું પરિવર્તન થાય,માણસ જેસલની જેમ પગમાં પડી જાય,ગુરુ મા છે.ગુરુ પ્રથમ વંદવાનું ઠેકાણું છે. ગુરુ આપણો પ્રકાશ છે. પણ ફરીફરીને કહું છું કે ગુરુ,ગુરુ હોવો જોઈએ. એટલું પાછું ચોક્કસ. મારી સમજ મુજબ એનું એક કારણ આ પણ છે કે કોઈ ગુરુ મળી જાય,કોઈ પાટનગર મળી જાય,કોઈ એવું જંગમ તીર્થ મળી જાય કે જે આપણને ક્યારેય એકલા રહેવા ન દે.આપણને પ્રત્યેક પળ એવો અનુભવ થાય કે કોઈ આપણી આસપાસ ઘૂમી રહ્યું છે.

ગોસ્વામીજી લખે છે, ‘બંદઉઁ ગુરુ પદ પદુમ પરાગા’ ગુરુની વંદના છે. ગુરુની વંદના માત્ર સ્થૂળ ન હોવી જોઈએ. કોઈ દેહધારી ગુરુ છે,તો એ એમના રૂપની વંદના થઇ,એમના દેહની વંદના થઇ. પરંતુ પ્લીઝ,મારાં ભાઈ-બહેનો, ગુરુરૂપની વંદના જ પર્યાપ્ત નથી,કેમ કે સ્વરૂપની વંદના આવશ્યક છે. જો સ્વરૂપની વંદના આપણી સમજમાં ન આવે તો એક બીજી વિનંતી કરવા માંગું છું. એમના વિચારની વંદના કરો. એમના આચાર કદાચ સમજમાં ન પણ આવે. આપણે એમના રૂપની વંદના જરૂર કરીએ,પરંતુ સુક્ષ્મ રૂપની વંદના જરૂરી છે. સ્વરૂપ સુધીની પહોંચ ન હોય, તો એમના વિશાળ દ્રષ્ટિકોણની વંદના કરીએ. એમના અસંગ જીવનની વંદના કરીએ. ગુરુમહિમા તો અકથનીય છે. ગુરુપરંપરામાં જેમની રૂચિ નથી,એ પરમની પાસે સીધા જઈ શકે છે. જો જઈ શકે તો જાય,કોઈ રોકટોક નથી,શુભકામના. પરંતુ આપણા જેવા માટે તો કોઈ કર્ણધાર જોઈએ, કોઈ ગાઈડ જોઈએ. આપણા વારંવાર બુઝાતા દીવાને જલતો રાખનારા કોઈ શુદ્ધ પુરુષ જોઈએ.

ગુરુ પાંચ વસ્તુ છે. એમાં ભગવાન વેદ,અથર્વવેદ કહે છે. ગુરુ શિષ્યનું મૃત્યુ છે. અને ગુરુ મૃત્યુ છે એ વાત જે જે મહાપુરુષોએ કરી છે,એ પછી આવ્યા છે,પહેલાં એ વેદે કહ્યું છે. જ્યાં સુધી રહસ્ય ખૂલતું નથી,ત્યાં સુધી જાણ થતી નથી. ગુરુ મૃત્યુ છે. અને યાદ રાખજો,ગુરુ એટલા માટે મૃત્યુ છે કે આપણે જ્યાં સુધી મરતાં નથી ત્યાં સુધી નવજીવન પ્રાપ્ત નથી થતું. અને આપણે કોઈ મહાપુરુષ પાસે જે રૂપમાં ગયા હોઈએ છીએ એને એ મારી નાખે છે અને નવું જીવન પ્રદાન કરે છે. જતી વખતે આપણે કંઈક જુદાં હોઈએ છીએ અને એમની પાસે બેસીને પાછાં ફરીએ છીએ ત્યારે ખુશ્બૂથી સભર હોઈએ છીએ. તો,જૂનું તો મરી ગયું! અથવા તો શિષ્યમાં જે મારવા યોગ્ય તત્ત્વ હોય એને ગુરુ મારી નાખે છે. જૈન સંપ્રદાયના એક શબ્દનો આશ્રય લઈને કહું તો ગુરુ ‘કષાય’ને મારી નાખે છે,દૂરિતને ખતમ કરી નાખે છે.
(સંકલન: જયદેવ માંકડ)

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
પૅરિસ ઑલિમ્પિક્સના ઍથ્લીટોના આ રહ્યા અનોખી ડિઝાઇનના ડ્રેસ… દાયકાઓ બાદ ગુરુપૂર્ણિમા પર બનશે મંગળની યુતિ, આ રાશિઓના જીવનમાં થશે મંગલ જ મંગલ… 2024માં આ સેલિબ્રિટી કપલ છૂટા પડ્યા હાર્દિક જ નહીં આ Legends Cricketerની Married Lifeમાં ભંગાણ પડ્યા છે