ભારત-ઑસ્ટે્રલિયા બીજી વન-ડે : ઇન્દોરમાં ભારતના અનેક વિક્રમ
ઇન્દોર: ઈન્દોરના હોલકર સ્ટેડિયમમાં રમાઈ રહેલી બીજી વન-ડેમાં ભારતીય બેટ્સમેનોએ ઑસ્ટે્રલિયન બોલરોની ધોલાઇ કરી હતી. ઓપનર શુભમન ગિલ (104) અને શ્રેયસ ઐયર (105)ની સદી બાદ સૂર્યકુમાર યાદવના આક્રમક 72 રનની મદદથી ભારતે 50 ઓવરમાં 5 વિકેટે 399 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. વન-ડે ઇતિહાસમાં ઑસ્ટે્રલિયા સામે ભારતનો આ સૌથી મોટો સ્કોર હતો. આ સાથે અનેક રેકોર્ડ નવા બન્યા હતા.
ઑસ્ટે્રલિયા સામે 104 રનની ઇનિંગની સાથે જ શુભમન ગિલે સચિન તેંડુલકર, હાશિમ અમલા, વિરાટ કોહલી અને બાબર આઝમ જેવા દિગ્ગજોને પાછળ છોડીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. વન-ડેમાં ગિલની આ છઠ્ઠી સદી છે. તેણે ઑસ્ટે્રલિયા સામે પ્રથમ વખત સદી ફટકારી છે.
વન-ડે ક્રિકેટના ઈતિહાસમાં શુભમન ગિલ 35 ઈનિંગ્સમાં 1,900 રન બનાવનાર વિશ્વનો પ્રથમ બેટ્સમેન બની ગયો છે. આ રેકોર્ડ લિસ્ટમાં તેણે દક્ષિણ આફ્રિકાના હાશિમ અમલા, પાકિસ્તાનના બાબર આઝમ, ફખર ઝમાન અને વિરાટ કોહલી અને સચિન તેંડુલકરને પાછળ છોડી દીધા હતા.
તે સિવાય આ વર્ષે શુભમન ગિલની આ પાંચમી સદી છે. તે એક કેલેન્ડર વર્ષમાં પાંચ કે તેથી વધુ સદી ફટકારનાર સાતમો ભારતીય બેટ્સમેન બન્યો છે. તેના પહેલા વિરાટ કોહલી, રોહિત શર્મા, સચિન તેંડુલકર, રાહુલ દ્રવિડ, સૌરવ ગાંગુલી અને શિખર ધવન આ સિદ્ધિ મેળવી ચૂક્યા છે. કોહલીએ ચાર વખત અને રોહિતે ત્રણ વખત આ કારનામું કર્યું છે.
ઈન્દોર મેચમાં ભારતીય ટીમે પ્રથમ દાવમાં 18 છગ્ગા ફટકાર્યા હતા. એક વન-ડે ઇનિંગ્સમાં ભારત દ્વારા ફટકારવામાં આવેલા સિક્સરની સૌથી વધુ સંખ્યા 19 છે. ટીમ ઈન્ડિયા વન-ડેમાં 3,000 સિક્સ મારનારી પ્રથમ ટીમ બની ગઈ છે.
સિમોન ડેવિસે 1987માં ઈંગ્લેન્ડ સામે ઑસ્ટે્રલિયા માટે સૌથી મોંઘી ઓવર ફેંકી હતી. સિમોન ડેવિસે એક ઓવરમાં 26 રન ખર્ચ્યા હતા. ભારત સામે કેમરૂન ગ્રીને પણ એક ઓવરમાં 26 રન આપ્યા હતા. ગ્રીન ઑસ્ટે્રલિયા માટે સંયુક્ત રીતે સૌથી મોંઘી ઓવર ફેંકનાર બોલર બન્યો હતો. ભારત સામે વન-ડેમાં સૌથી મોંઘો સ્પેલ ફેંકનાર ગ્રીન ત્રીજો બોલર બન્યો છે.
ગ્રીને 10 ઓવરમાં 103 રન આપ્યા હતા. આ દરમિયાન તેણે 2 વિકેટ ઝડપી હતી. ભારત વિરુદ્ધ વન-ડેમાં અત્યાર સુધીનો સૌથી મોંઘો સ્પેલ શ્રીલંકાના નુવાન પ્રદીપે ફેંક્યો છે. નુવાને 2017માં મોહાલીમાં ભારત સામે રમાયેલી વન-ડેમાં એક પણ વિકેટ લીધા વિના 10 ઓવરમાં 106 રન બનાવ્યા હતા.