ધર્મતેજ

તમારા ધનને લક્ષ્મી બનાવનાર ઉત્તમ કાર્ય એટલે દાન

કવર સ્ટોરી – રાજેશ યાજ્ઞિક

જો જલ બાઢે નાવ મેં, ઘરમેં બાઢે દામ,
દોઉ હાથ ઉલિચિયે, યહી સયાનો કામ

સંત કબીરનો આ અતિ પ્રખ્યાત દોહો ધર્મ શાસ્ત્રોની અતિ મહત્ત્વની વાતને સરળતાથી કહી દે છે. સજજન મનુષ્યનું ઉત્તમ કાર્ય શું? દાન કરવું. અહીં ભલે ‘દામ’ અર્થાત્ ધનની વાત લખી છે, પરંતુ મૂક સંદેશ એ છે, કે આપણી પાસે જે પણ અધિક હોય તેનું દાન કરવું જોઈએ. કોઈપણ વસ્તુની અતિ હંમેશાં અધોગતિ નોંતરી શકે છે. ધનની અતિ , બળ કે સત્તાની અતિ, જ્ઞાનની અતિ, કે રૂપની અતિ, મનુષ્યને અભિમાની, દમનકારી, અત્યાચારી બનાવી શકે છે. તેથી જ શાત્રકારોએ ઠેકઠેકાણે આપણી પાસે જે હોય તે અન્ય સાથે વહેંચવા કહ્યું છે, વેચવા નહીં. અતિધનવાન લોકોના છાકટા થયેલા સંતાનોએ મોંઘીદાટ ગાડીઓ નીચે ગરીબોને કચડી નાખ્યા એવા સમાચાર આજકાલ વારંવાર સાંભળીએ ત્યારે આ દોહો યાદ આવ્યા વિના ન રહે. સત્તા પર બેઠેલાએ સેવાદાન કરવું જોઈએ, ધનવાને સંપત્તિ દાન કરવું જોઈએ, જ્ઞાનવાને વિદ્યાદાન કરવું જોઈએ, શક્તિશાળીએ અભયદાન આપવું જોઈએ.

ભવિષ્ય પુરાણમાં ધર્મના ચાર તબક્કાનું વર્ણન કરવામાં આવ્યું છે. તે છે સત્ય, તપ, યજ્ઞ અને ચોથું દાન. ગરુણ પુરાણ અનુસાર, જ્યારે કોઈ વ્યક્તિ મૃત્યુ પામે છે, ત્યારે તેની પાસે જે છે તે પૃથ્વી પર રહે છે. ફક્ત તેના કર્મો તેની સાથે જાય છે. માટે જીવનમાં સત્કર્મ અને દાન કરતા રહો. ગરુડ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે વ્યક્તિએ મૃત્યુ પહેલા તલ, સોનું, મીઠું, પાણીનું પાત્ર, લોખંડ, કપાસ, જમીન, પાદુકા અને ૭ પ્રકારના અનાજનું દાન કરવું જોઈએ.

શાસ્ત્રકારો તો મનુષ્યને પ્રશ્ર્ન કરે છે,

અહો દૈન્યમહો કષ્ટં પાર પારક્યૈ: ક્ષણભંગુરૈ:
યન્નોપકુર્યા દસ્વાર્થૈર્મર્ત્ર્ય: સ્વજ્ઞાતિવિગ્રહૈ:

અર્થાત, ધન, જન અને શરીર ક્ષણિક છે. અંતે આ કંઈ કામ નહીં આવે. આ કેવી કૃપણતા છે, કેટલા દુ:ખની વાત છે કે નશ્ર્વર માણસ તેમના દ્વારા બીજાને મદદ કરતો નથી. લોકો દાન કરે તો પણ દેખાડા માટે. સમાચારોમાં એક ઝલક જોઈ, ફલાણા નેતાએ ‘ગરીબ’ વિદ્યાર્થીઓને ‘રાઇટિંગ પેડ’નું વિતરણ કર્યું. પાછું એ રાઇટિંગ પેડ પેલા નેતા અને તેના પક્ષની જાહેરાતથી ભરેલું હોય.એક નાનકડા રાઇટિંગ પેડનું દાન કરવા મોટો મેળાવડો યોજીને પત્રકારો બોલાવે એ દાન છે? આવા જ એક સમાચારમાં એક અન્ય મહાનુભાવ શાળાના બાળકોને એક એક કેળું આપી રહ્યા હતા બોલો! નાનકડું દાન કરીને પોતાના નામની મોટી તકતી મુકાવતા ‘સજજનો’ને તમે જોયા જ હશે. આવા દાનવીરોને શાબ્દિક ચાબખા મારતા સંત કબીર કહે છે, ‘અહિરન કી ચોરી કરે, કરે સુઈ કા દાન, ઊંચે ચઢી કર દેખતા, કેતિક દૂર વિમાન’. સુંડલા ભરીને ચોરી કરનાર સોયનું દાન કર્યા પછી તેને સ્વર્ગમાં લઇ જવા પુષ્પક વિમાન આવવાની વાટ જુએ છે, એમ કહીને કબીરે દેખાડાનું દાન કરનારાઓને માર્મિક સંદેશ આપ્યો છે.

મનુષ્યની કામના અર્થાત્ કે ઈચ્છાના આધારે થતાં દાનને શાસ્ત્રકારો ચાર પ્રકારના ગણાવે છે. નિત્ય દાન, નૈમિત્તિક દાન, કામ્ય દાન અને વિમલ દાન. પ્રથમ નિત્ય દાન એ કોઈપણ પ્રકારના ફળની ઈચ્છા રાખ્યા વગર પરોપકારની ઈચ્છાથી નિત્ય, અર્થાત્ કે રોજ અથવા નિયમિત રૂપે થતું દાન છે. મહાભારતમાં ઉત્કૃષ્ટ પાત્ર, સૂર્યપુત્ર કર્ણ આવું નિત્ય દાન કરતા. બીજું નૈમિત્તિક દાન: જાણ્યે-અજાણ્યે કરેલાં પાપોના શમન માટે પવિત્ર સ્થાનો જેવાં કે તીર્થસ્થાનો વગેરેમાં અને અમાવસ્યા, પૂર્ણિમા, વ્યતિપાત, ચંદ્રગ્રહણ, સૂર્યગ્રહણ વગેરે શુભ સમયે કરવામાં આવતા દાનને નૈમિત્તિક દાન કહેવાય છે. ત્રીજું કામ્ય દાન: જેમ શબ્દ જ જણાવે છે તેમ, કોઈપણ મનોકામના, ધન, સંપત્તિ, પુત્ર-પૌત્ર વગેરેની પૂર્તિ માટે અને કોઈપણ કાર્યની સિદ્ધિ માટે આપવામાં આવતા દાનને કામ્ય દાન કહેવાય છે. ચોથું વિમલ દાન: ભગવદ પ્રીતિને પ્રાપ્ત કરવા માટે નિ:સ્વાર્થપણે અને કોઈપણ સાંસારિક હિત વિના આપવામાં આવેલું દાન વિમલ દાન કહેવાય છે. દેવાલય, વિદ્યાલય, દવાખાનું, ભોજનાલય, અનાથાશ્રમ, ગૌશાળા, ધર્મશાળા, કૂવો, પગથિયાં, તળાવ વગેરે જેવા સર્વજન ઉપયોગી બાંધકામના કામો વગેરે પર દાન કરવામાં આવે તો, અને જો તે ન્યાયી કમાણીથી કરવામાં આવે અને કોઈ કીર્તિની લાલસા વગર કરવામાં આવે. તો તે અત્યંત કલ્યાણકારી સિદ્ધ થશે. ન્યાયપૂર્ણ રીતે કમાયેલી સંપત્તિનો દસમો ભાગ ભગવાનને પ્રસન્ન કરવા દાનમાં વાપરવો જોઈએ, તો તમારું ધન લક્ષ્મીનું રૂપ લે છે. આપણે ત્યાં પાંચ પ્રકારના દાનને મહાદાન કહ્યા છે, ગૌદાન, ભૂમિદાન, અન્નદાન, વિદ્યાદાન અને ક્ધયાદાન. કેટલાક કહેવાતા આધુનિક લોકોને ક્ધયાદાન શબ્દ સામે વાંધો છે, પણ એ અલગ ચર્ચાનો વિષય છે.

જેમ કેવી ઈચ્છાથી દાન કરવામાં આવે તેના પ્રકાર છે, તેમ સ્વયં ભગવાન કૃષ્ણએ અર્જુનને દાનના સાત્વિક, રાજસિક અને તામસિક પ્રકાર જણાવ્યા છે. શ્રીમદ્ ભગવદ ગીતાના અધ્યાય સત્તર શ્રદ્ધાત્રયવિભાગયોગમાં ભગવાન જણાવે છે,

દાતવ્યમિતિ યદ્દાનં દીયતેઽનુપકારિણે; દેશે કાલે ચ પાત્રે ચ તદ્દાનં સાત્ત્વિકં સ્મૃતમ. અર્થાત્ કે જે દાન કર્તવ્ય સમજીને, ઉપકારની ભાવના મનમાં લાવ્યા વિના, યોગ્ય સ્થાને, યોગ્ય સમયે અને લાયક વ્યક્તિને આપવામાં આવે છે તેને સાત્વિક દાન કહેવાય છે.

યત્તુ પ્રત્ત્યુપકારાર્થં ફલમુદ્દિશ્ય વા પુન:; દીયતે ચ પરિક્લિષ્ટં તદ્દાનં રાજસં સ્મૃતમ પરંતુ જે દાન બદલામાં કંઈક મેળવવાના ઈરાદાથી અથવા કોઈપણ પ્રકારના ફળની ઈચ્છા સાથે અને ઈચ્છા વગર આપવામાં આવે છે તેને રજોગુણી દાન કહે છે.

અને ત્રીજું અદેશકાલે યદ્દાનમપાત્રેભ્યશ્ચ દીયતે; અસત્કૃતમવજ્ઞાતં તત્તામસમુદાહૃતમ્. જે દાન ખોટી જગ્યાએ, ખોટા સમયે, અજ્ઞાનતાથી અને અપમાન કરીને, અયોગ્ય વ્યક્તિઓને આપવામાં આવે છે તેને તામસિક દાન કહેવાય છે. એટલુંજ નહીં ભગવાન આગળ જણાવે છે, અશ્રદ્ધયા હુતં દત્તં તપસ્તપ્તં કૃતં ચ યત ; અસદિત્યુચ્યતે પાર્થ ન ચ તત્પ્રેપ્ય નો ઇહ. હે પૃથાપુત્ર અર્જુન! શ્રદ્ધા વિના યજ્ઞ, દાન અને તપના રૂપમાં જે કંઈ સંપન્ન કરવામાં આવે છે તે “અસત કહેવાય છે, તેથી તે ન તો આ જન્મમાં કલ્યાણકારી છે અને ન તો પછીના જન્મમાં કલ્યાણકારી બને છે.

ચાતુર્માસ પ્રારંભ થઇ ગયા છે. ધર્મ અને ભક્તિના આ મહિનાઓમાં દાનનો સાચો અર્થ સમજીશું તો આપણું આલોક અને પરલોકમાં કલ્યાણ થશે. તેથીજ ભગવાને સાધુ પુરુષોના ત્રેવીસ ગુણોમાં એક ગુણ તરીકે દાનને પણ સ્થાન આપ્યું છે. સંત તુલસીદાસના શબ્દો યાદ રાખીએ, ‘તુલસી પંછીન કે પીએ, ઘટે ન સરિતા નીર; દાન દિયે ધન ના ઘટે, જો સહાય રઘુવીર.’

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button